તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
નિયમો અને સરકારી ગેઝેટનો ઉલાળીયો કરી ખડકાયેલા ગેરકાયદેસર બિલ્ડીંગને
ટી.પી.ના ભ્રષ્ટ અધિકારીઓ છાવરતા હોવાનો લાખાણી-રાવલનો આક્ષેપ ગરીબ-મધ્યમવર્ગના બાંધકામોનો કડુસલો બોલાવામાં પાવરધા અધિકારીઓ વગવાળાના ગેરકાયદે બાંધકામો હટાવવામાં કોની શેહશરમ રાખે છે?: વેધક પ્રશ્ન

રાજકોટ તા.૨૫: રાજકોટ મહાનગર પાલિકાના T.P. વિભાગ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર તથા કાયદાનું મનસ્વી રીતે અર્થઘટન કરતા હોવાને લીધે રાજકોટની જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું ઉદાહરણ થોડા સમય પહેલા મોટા પ્રમાણમાં થયેલુ ડીમોલીશન છે. જે બધા મકાનો પડયા તે નાના અને મધ્યમ તથા ગરીબ લોકોના હતા. જેમાં કોઈ કહેવાવાળું ના હોય તથા સરકારમાં બેઠેલો કોઈ અધિકારી કે મોટો નેતા જનતાનો અવાજ નહી બન્યા હોવાને લીધે એ મેગા ડીમોલીશન થઇ શકયુ હતું. પરંતુ તેનાથી તદન વિપરીત સ્થિતીમાં વગવાળા લોકોના ગેરકાયેદ બાંધકામોનો કોઇ કાંકરો હલાવી શકતુ નથી. તે પણ હકીકત છે. રાજકોટની માધાપર ચોકડી ઉપર આવેલી ‘‘ક્રિસ્ટલ નેકસસ'' બિલ્ડીંગ આનુ ઉદાહરણ છે. બિલ્ડીંગ ગેરકાયદેસર હોવા છતાં, તેને બચાવવા GDCR તથા T.P. વિભાગ અને કમિશનરશ્રીના અધિકારીઓ દ્વારા કોઈપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રવકતા સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલે કર્યુ છે.
લેખીત રજુઆતમાં લાખણી-રાવલે જણાવ્યુ છે કે, T.P. વિભાગના અધિકારીઓ ગેરકાયદે બિલ્ડીંગને કોઈપણ રીતે કાયદાકીય બાબતોથી બચાવવા માટેના રસ્તાઓ કાઢવામાં રીતસર કામે લાગ્યા છે. આ બિલ્ડીંગને ઈમ્પેક્ટનો કાયદો હોય કે સામાન્ય પ્લાન પાસના નિયમો જાણે લાગુ જ પડતા નથી. ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગનો પ્લાન તા. ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ રજૂ કર્યા બાદ આજદિન સુધી તે પ્લાન મંજૂર કરવામાં નથી આવ્યો કે નામંજૂર કરવામાં નથી આવ્યો.! GDCR ના નિયમો અનુસાર કોઈપણ બિલ્ડીંગ પ્લાન મંજૂરી માટે રજૂ કરવામાં આવે, તો તેને નિયમો અનુસાર સ્પષ્ટ સમયમર્યાદામાં મંજૂર/નામંજૂર કરવાના હોય છે. તેમ છતા આ બિલ્ડીંગના બચાવ માટે કોઈ સમયમર્યાદા લાગુ પડતી ન હોય તેવો તાલ છે.
ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગ ને RMC કમિશનરશ્રી દ્વારા ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ સીલ મારવા માટેની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં, T.P. વિભાગના અધિકારીઓ કોઈને કોઈ બહાના કાઢીને આજ દિવસ સુધી બિલ્ડીંગના ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જો કોઈ નાના કે ગરીબનું બિલ્ડીંગ કે મકાન હોત તો T.P. વિભાગના અધિકારીઓ પોતાને સુપર પાવર માની તેવા મકાનો તોડવા પહોંચી ગયા હોત, પરંતુ આ બિલ્ડીંગ એક મોટા માથાનું હોવાથી T.P.વિભાગ તથા મ્યુનિસિપલ કમિશનર કચેરી મૌન ધારણ કરીને બેસી ગઇ છે.
ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને બચાવવા માટે T.P. વિભાગના અધિકારીઓ માહિતી ન આપે કે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાની કામગીરી કરે છે. જેમ RMC કમિશનરશ્રીએ તે બિલ્ડીંગને સીલ મારવાના આદેશની સામે આ બિલ્ડીંગ (RUDA) માં આવતી હોવાથી તેનો નિર્ણય ના આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી કેમ કરવી (?)તેવા ખોટા ઉપજાવી કાઢેલ મુદ્દાઓ લાવી બિલ્ડીંગની સામે કાયદેસરની કાર્યવાહી કરતા નથી.
તે ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને બચાવવા માટે ખોટી વિગતો ઉભી કરે છે. કે બિલ્ડીંગનો સામાન્ય પ્લાન જે ૨૦૨૨ માં રજૂ કરેલ છે, તેમાં કોઈ નિર્ણય ના હોય અને આજ દિન સુધી તેને મંજૂર કરેલ ના હોય તથા તે ગેરકાયદેસર બિલ્ડીંગને (B.U.) કમ્પ્લીશન આપવામાં આવ્યું ના હોય, તેમ છતાં તે બિલ્ડીંગ પ્લાનને ખોટી રીતે ઈ.નં. ૧૮૨૬/૨૦૨૩ થી ઈમ્પેક્ટમાં પ્લાન રજૂ કર્યાનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે કોઈપણ બિલ્ડીંગનો પ્લાન પહેલા મંજૂર થાય, પછી તેમાં ગેરકાયદેસરનું વધારાનું જે પ્લાનમાં ના બતાવવામાં આવ્યું હોય, તેવું બાંધકામ ને જ ઈમ્પેક્ટમાં મંજૂર કરાવી શકાય. પરંતુ બિલ્ડીંગના કેસમાં નિયમોનું પાલન કરાવવાની T.P. વિભાગના અધિકારીઓની ઈચ્છા અને દાનત જણાતી નથી.
ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગમાં અગાઉ ખોટી રીતે નિયમો તપાસ્યા વગર FIRE NOC આપવામાં આવેલી. આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ન્યાય માંગવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર અને બેવડી નિતી સામે ચાલી રહેલી લડતમાં અકળ કારણોસર કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે સરકારી ગેઝેટ અને જીડીસીઆરના નિયમો નેવે મુકી દાખવાતી ગુન્હાહીત બેદરકારીમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ કડકરાહે પગલા લઇ તાકીદે બિલ્ડીંગનું ગેરકાયદે બાંધકામ હટાવવા સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલે વધુ એક વખત અવાજ ઉઠાવ્યો છે.
બિલ્ડીંગમાં સરકારી ગેઝેટ મુજબના નિયમોનો ભંગ
૧)૩૦/૧૦/૨૦૨૨ પહેલાંના બાંધકામ જ ઈમ્પેક્ટમાં રજૂ કરી શકાય, પછીના નહીં. સરકારી ગેઝેટ (Gujarat Act No. 1 of 2023) ના Section 5 ના સબ-સેક્શન ૧ મુજબ પણ સ્પષ્ટ કાયદો છે કે “At any time on or before the 30th September, 2022...” ની જ જોગવાઈ છે. આ નિયમનો અહીં સરેઆમ ભંગ થાય છે. ૨) તા. ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ ફક્ત બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળનું કમ્પ્લીશન રજૂ કરેલ છે. તો બાકીના શુ? શું બાકીના ૧૨ માળ માત્ર ૪૦ દિવસમાં પૂર્ણ થઈ જાય? ૩) GDCR નિયમ મુજબ ૨.૮૦ મીટરની બીમ-કોલમની હાઈટ ફરજિયાત છે, પરંતુ અહીં ૨.૫૦ મીટરની હાઈટ છે. જે તે બિલ્ડીંગના વજનને ખમી શકે કે નહીં? તેથી તે જોખમી છે. ધરતીકંપમાં શું થાય? ૪) પ્લાન મુકતી વખતે સ્ટેટ હાઈવેનું NOC લેવું જરૂરી છે, જે આ બિલ્ડીંગને મળેલ નથી. ૨૦૨૨ માં રજૂ કરેલ પ્લાનમાં સ્ટેટ હાઈવેનું ફબ્ઘ્ કયાં છે? ૫) સદરહુ ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગનો પ્લાન (GRUDA) તથા RMC માં એક સાથે ચાલુ રહી શકે કે નહીં? ૬) સદરહુ પ્લાન ઈનવર્ડ નં. ૧૮૨૬ તા. ૨૦/૧૨/૨૦૨૩ થી રજૂ હોય, તો સરકારશ્રીના નોટીફીકેશન / ગેઝેટ મુજબ ગેઝેટના Part IV, Section 6(1), Page No. 3 .મુજબ કોઇ પણ પ્લાન મંજૂરી માટે રજૂ કરવામાં આવે તો તેને રજૂ કર્યાના સમયમાં (૬ મહિનામાં - ‘shall, within a period of six months... pass an order’) નિર્ણય કરવાનો હોય છે, જે આ ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગને નિયમ લાગુ પડતો નથી? ૭) ર્પાકિંગની જગ્યા પૂરી છે કે નહીં? તથા સ્ટેટ હાઈવેની NOC જરૂરી હોય, સદરહુ બાંધકામને મંજૂરીની કાર્યવાહી સમયમાં પૂર્ણ થયેલ ના હોય તો સદરહુ બાંધકામનો ઉપયોગ કરી શકાય નહીં, તો તેની સામે કાયદેસરની શું કાર્યવાહી કરવામાં આવેલ છે? ૮) બિલ્ડીંગની જરૂરી માર્જિન જગ્યા શું કપાત થઈ શકે? જે બિનખેતી વખતે ૨૦% કપાત કરવાના નિયમ મુજબ અગાઉ બાકી છે? ૯) રૂડામાં આ બિલ્ડીંગની જમીન બિનખેતી કરવામાં આવે તો કુલ જમીન ઓછી થાય, જેથી તે જગ્યા ઓછી થવા મુજબ F S I માં પણ ઘટાડો થાય. તેથી તે બિલ્ડીંગના ફ્લોર/માળ પણ ઓછા થાય, તેથી આ બિલ્ડીંગના ઉપરના ફ્લોર/માળ પણ ગેરકાયદેસર થાય
(3:43 PM IST)










