તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
સાબરમતી-વેરાવળ વંદે ભારત બોટાદને બદલે રાજકોટથી દોડાવવા, રાજકોટ-નાથદ્વારા નવી વંદે ભારત શરૂ કરવા અને સૌરાષ્ટ્ર મેલનો જૂનો સમય પુનઃ સ્થાપિત કરો
સૌરાષ્ટ્રની રેલવે સુવિધા માટે પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલ મેદાને : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટ્વીન કનેક્ટિવિટી અને ટ્રેનોના રૂટ-સમય બદલવા ઈ-પત્ર પાઠવ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક પાટનગર સમાન રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના લાખો પ્રવાસીઓની સુવિધા માટે પૂર્વ મંત્રી અને રાજકોટ દક્ષિણના પૂર્વ ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમારને પત્ર પાઠવીને પ્રવાસીઓની લાંબા સમયથી પડતર અને વ્યાજબી માંગણીઓ તરફ ધ્યાન દોરીને ત્વરિત સકારાત્મક નિર્ણય લેવા ભારપૂર્વક રજૂઆત કરી છે.
પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલે પત્રમાં ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. વંદે ભારત બોટાદ નહીં, વાયા રાજકોટ જ ચલાવોઃ સાબરમતી-વેરાવળ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસને બોટાદ થઈને ચલાવવાની હિલચાલ સામે ગોવિદભાઈ પટેર્લેં સ્પષ્ટ સૂર ઉચ્ચાર્યો છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય વેપારી મથક હોવાથી અહીં પેસેન્જર ટ્રાફિક સૌથી વધુ રહે છે. આ ટ્રેન બોટાદને બદલે રાજકોટ થઈને ચલાવવામાં આવે તો બહોળા વર્ગને મોટો ફાયદો થશે.
રાજકોટથી શ્રીનાથજી (નાથદ્વારા) માટે વંદે ભારત આપોઃ ભાવનગરથી શ્રીનાથદ્વારા વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત ટ્રેનને ભાવનગરને બદલે રાજકોટથી ઉપાડવા અથવા રાજકોટથી નાથદ્વારા વચ્ચે સીધી નવી વંદે ભારત શરૂ કરવા ગોવિદભાઈ પટેલે માંગ કરી છે. જેથી રાજકોટ સહિત આસપાસના હજારો શ્રદ્ધાળુઓ અને વેપારીઓની વર્ષો જૂની આકાંક્ષા પૂર્ણ થઈ શકે.
સૌરાષ્ટ્ર મેલનો જૂનો સમય (૧૮:૦૫) પાછો લાવોઃ કોરોના કાળ બાદ ૨૨૯૪૬ સૌરાષ્ટ્ર મેલનો રાજકોટથી ઉપડવાનો સમય સાંજે ૧૮:૦૫ ને બદલે બપોરે ૧૫:૪૫ કરી દેવાતાં નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે અગવડતા પડી રહી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિદભાઈ પટેલે પ્રવાસી હિતમાં જૂનો સમય (૧૮:૦૫) જ પુનઃ શરૂ કરવા રજૂઆત કરી છે.
જામનગર-અમદાવાદ ઇન્ટરસિટીમાં ડબ્બા વધારોઃ વંદે ભારતના સમયપત્રકમાં ફેરફાર થવાથી જામનગર-અમદાવાદ ઇન્ટરસિટી (ટ્રેન નં. ૨૨૯૬૦)માં મુસાફરોનો ઘસારો વધ્યો છે. આથી તેમાં એસી અને નોન-એસી કોચની સંખ્યા તાત્કાલિક વધારવા ગોવિદભાઈ પટેલે માંગ કરી છે.
પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલે આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રના આ મહત્વપૂર્ણ રેલવે પ્રશ્નો અંગે ત્વરિત અને સકારાત્મક પગલાં ભરીને મુસાફરોને મોટી રાહત આપશે
(3:42 PM IST)










