News of Wednesday, 27th May 2026
જામનગર રોડ તોપખાનામાં ૭૦૦ની ઉઘરાણી મામલે સચીન-દેવરાજ વચ્ચે સશષા ધમાલઃ બંને પક્ષે ૯ જણા સામે ગુનો
સચીને બે મહિના પહેલા રૂા. ૭૦૦ હર્ષને આપ્યા હોઇ તેની ફોન પર ઉઘરાણી કરતાં બોલાચાલી બાદ બાપા સિતારામના ઓટા પાસે છરી-પાઇપથી ધમાલઃ પ્ર.નગર પોલીસે અભિષેક, દેવન, હર્ષ, ગોપીભાઇ, હાર્દિક અને સચીન, યુવરાજ, જીતેન્દ્રભાઇ, અલ્કાબેન, ભાનુબેન સામે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨૭: શહેરના જામનગર રોડ પર તોપખાનામાં રૂપિયાની લેતીદેતી મામલે આ વિસ્તારના જ બે યુવાનોએ મંડળી રચી એક બીજા પર પાઇપ, છરી જેવા હથીયારોથી મારામારી કરી હુલ્લડ મચાવતાં બંને પક્ષના લોકોને ઇજાઓ થઇ હતી. પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે સામ-સામે બંને પક્ષના મળી ૯ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ તોપખાના વિસ્તારમાં મંગળવારની રાત્રે ૭૦૦ રૂપિયાની લેતીદેતી મામલે ધમાલ મચી ગઇ હતી. જેમાં મોરબી હાઉસ પાસે તોપખાનામાં રહેતાં દેવરાજ ગોપીભાઇ ગોરી (ઉ.વ.૨૪) અને આ વિસ્તારમાં શેરી નં. ૫માં રહેતાં સચીન ભીખુભાઇ જેઠવા (ઉ.વ.૨૮)ને ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધાવી હતી. દેવરાજ કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. દેવરાજ ગોરીની ફરિયાદ પરથી પોલીસે સચીન ભીખુભાઇ ઉર્ફે મુનાભાઇ જેઠવા, યુવરાજ, જીતેન્દ્રભાઇ (યુવરાજના સસરા), અલ્કાબેન જીતેન્દ્રભાઇ અને ભાનુબેન ભીખુભાઇ જેઠવા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
દેવરાજે ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રે સાડા અગિયારેક વાગ્યે તે પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે તેનો પિતરાઈ ભાઈ હાર્દિક સુભાષભાઈ ગોરી દોડીને ત્યાં આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું કે વિસ્તારમાં રહેતા સચિન મુન્નાભાઈ જેઠવાએ રસ્તામાં તેને રોકીને ધમકી આપી છે કે-તારા માસીના દીકરા હર્ષ પાસે હું ૭૦૦ રૂપિયા માંગું છું અને તે બે મહિનાથી બહાના બતાવે છે. તેને કહી દેજે કે પૈસા આપી દે, નહીંતર બધાને મારી નાખીશ.
આ ધમકીને પગલે મામલો થાળે પાડવા અને પુછપરછ કરવા માટે દેવરાજ ગોરી, તેનો ભાઈ અભિષેક ગોરી, હાર્દિક ગોરી, ધાર્મિક વાઘેલા અને જયદીપ એકઠા થઈને સચિન જ્યાં બેઠો હતો તે બાપા સીતારામના ઓટલા પાસે ગયા હતા. ત્યાં પહોંચતા જ સચિન અને તેનો પરિવાર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. સચિને છરી વડે દેવરાજ પર જીવલેણ ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દેવરાજને ડાબા હાથના ખંભાની નીચેના ભાગે છરી વાગી ગઈ હતી. આ જ સમયે સચિનનો ભાઈ યુવરાજ પણ લોખંડનો પાઈપ લઈને ધસી આવ્યો હતો અને દેવરાજને ડાબા હાથના કાંડા પર પાઈપનો ફટકો મારી દેતા મુંઢમાર વાગ્યો હતો.
આ દરમિયાન યુવરાજના સસરા જીતેન્દ્રભાઈ, સાસુ અલકાબેન અને સચિનના મમ્મી ભાનુબેન જેઠવા પણ ધસી આવ્યા હતાં. આ બધાએ એકસંપ કરી ગાળો દઇ દેવરાજ સહિતને મારકુટ કરી હતી. તેઓ માંડ બચીને ત્યાંથી ભાગ્યા હતાં. દેવરાજને પિતરાઇ ભાઇ પાર્થએ હોસ્પિટલમાં ખસેડયો હતો.
સામે સચીન જેઠવાની ફરિયાદ પરથી અભિષેક ગોરી, દેવન ગોરી, હર્ષ પાટડીયા, ગોપીભાઇ ગોરી અને હાર્દિક ગોરી વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. સચીન ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે તોપખાનામાં જ રહેતાં હર્ષ પાટડીયા નામના શખ્સને ૭૦૦ રૂપિયા ઉછીના આપ્યા હતા. વારંવાર રૂપિયા પરત માંગતા છતાં અને બે મહિના થઇ ગયા છતાં હર્ષ વાયદાઓ કરી પૈસા આપતો નહોતો. દરમિયાન રાતે સચીને ફરીથી હર્ષને ફોન કરી રૂપિયા આપવાનું કહ્યું હતું.
આથી હર્ષ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર જ ધમકાવીને કહ્યું હતું કે-મારે તને કોઈ રૂપિયા આપવાના નથી, તું અત્યારે કયાં બેઠો છે તે મને જણાવ. જેથી સચીને પોતે ઘર પાસે આવેલા બાપા સીતારામના ઓટલે મિત્ર કાલુ સાથે બેઠા હોવાનું જણાવતા જ હર્ષે ફોન કાપી નાખ્યો હતો. ફોન કપાયાના થોડી જ વારમાં આરોપી હર્ષ પાટડીયા, અભિષેક ગોરી, દેવન ગોરી, હાર્દિક ગોરી અને તેમના પપ્પા ગોપીભાઈ ગોરી એકસંપ થઈને હથિયારો સાથે બાપા સીતારામના ઓટલે ધસી આવ્યા હતા. ત્યાં પહોંચતા જ અભિષેક ગોરીએ સચીન સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી અને તારે શેના રૂપિયા લેવાના છે? તેમ કહીને જાહેરમાં બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો.
બાદમાં ગોપીભાઈ ગોરીએ સચીનને માથાના ભાગે લોખંડનો પાઈપ ફટકાવી દીધો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈ પડી ગયો હતો. બાકીના ચારેય આરોપીઓએ પણ સચીનને ઘેરી લઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો થતાં સચીનનો ભાઇ, કુટુંબીજનો દોડી આવતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. સચીનને ઇજા થઇ હોઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ બંને પક્ષની ફરિયાદ દાખલ કરી હતી.
(3:04 PM IST)










