તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સાધુ વાસવાણી રોડ પર વૃધ્ધ અને તેમના પુત્રને અજાણ્યા ટુવ્હીલર ચાલકે છરી બતાવી ધમકી દીધી
ખોટી રીતે ઓવરટેક કરતાં ધ્યાન રાખવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયો : યુનિવર્સિટી પોલીસે જનકપુરીમાં રહેતાં નગર નિયમન કચેરીના નિવૃત કર્મચારી નવીનચંદ્ર જાવીયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી ટુવ્હીલર ચાલકની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨: સાધુ વાસવાણી રોડ પર ટ્રાફિક બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં એક શખ્સે વળદ્ધ અને તેમના પુત્રને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પોલીસે સાધુ વાસવાણી રોડ જનકપુરી સોસાયટી-૮ બ્લોક નં. ૨૫૫માં રહેતાં નગર આયોજન નિયમન કચેરીના નિવૃત કર્મચારી નવીનચંદ્ર વશરામભાઇ જાવીયા (ઉ.વ.૬૬)ની ફરિયાદ પરથી પ્લેઝર ટુવ્હીલર નં. જીજે૦૧જેએમ-૭૬૪૫ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ સવારે તેઓ તેમના પુત્ર હાર્દિક સાથે એક્ટિવા પર એસબીઆઇ બેંક તરફ જઈ રહ્યા હતા. ગોપાલ ચોક પાસે પાછળથી પ્લેઝર મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા શખ્સે ખોટી રીતે ઓવરટેક કરતા અકસ્માત થતા રહી ગયો હતો. આથી નવિનચંદ્રએ આ વાહનચાલકને ધ્યાન રાખીને વાહન ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. મામલો ઉગ્ર બનતા આ અજાણ્યા શખ્સે પોતાના પ્લેઝરની ડેકીમાંથી છરી કાઢી નવિનચંદ્રભાઈ અને તેમના પુત્રને બતાવી આ તમારી સગી નહીં થાય, બેયને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
આ માથાકુટને પગલે માણસો ભેગા થઇ જતાં પ્લેઝરનો ચાલક ભાગી ગયો હતો. દરમિયાન હાર્દિકભાઈએ ૧૧૨ પર ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અંદાજે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના પ્લેઝર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીઆઇ સી. એન. દવેની રાહબરીમા હેડ કોન્સ્ટેબલ જી. એસ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.
(4:15 PM IST)










