તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કોઠારીયા રોડ પર દિપક સોલંકી ઉપર છરી ઉગામી સાગરની ધમકી-ફટાકડાની દૂકાન બંધ કરી દે નહિતર ઘા મારી દઇશ
આજીડેમ પોલીસે સર્વિસ સ્ટેશનના સંચાલક સાગર કાલીયા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: દિવાળી પહેલા જ ફટાકડા બાબતે હોળી ચાલુ થઇ ગઇ છે. કોઠારીયા રોડ પર મિત્ર સાથે મળી ફટાકડાની દુકાન ચાલુ કરનારા યુવાનને બાજુમાં સર્વિસ સ્ટેશન ધરાવતાં શખ્સે ગાળો દઇ છરી ઉગામી આ તમારી દુકાન બંધ કરી દેજો નહિતર પાછો આવીને છરીના ઘા મારી દઇશ તેવી ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રણુજા મંદિર સામે લાપાસરી રોડ પર વેલનાથપરા-૨માં રહેતાં અને છુટક મજૂરી કરતાં દિપકભાઇ રવિભાઇ સોલંકી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી સાગર દિપકભાઇ કાલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દિપકભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે તેણે મિત્ર રાજુભાઈ બાવળીયા સાથે મળીને કોઠારીયા રોડ ખોડીયાર હોટેલની બાજુમાં ખોડીયાર સીઝન સ્ટોર નામે ફટાકડાની દુકાન પાર્ટનરશિપમાં શરૂ કરી છે.
મંગળવારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં દિપકભાઈ અને રાજુભાઈ તેમની ફટાકડાની દુકાને હાજર રહીને ગ્રાહકોને ફટાકડા વેચી રહ્યા હતા. તે દરમિયાન તેમની દુકાનની બાજુમાં સર્વિસ સ્ટેશન ચલાવતો સાગર દિપકભાઈ કાલીયા પોતાના હાથમાં છરી લઈને ત્યાં આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. દિપકભાઈએ તેને દુકાને ગ્રાહકો હોવાથી શાંતિથી વાત કરવાનું કહેતા સાગર વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાં રહેલી છરી ફરિયાદીના ગળા તરફ રાખવા ગયો હતો. પણ, ત્યાં હાજર કોઈક વ્યક્તિએ તેનો હાથ પકડી લેતા અને તેને માથાથી દૂર કરી દીધી હતી. તે છતાં સાગર ગાળાગાળી ચાલુ રાખીને જતા જતા કહી ગયો હતો કે-આ તમારી ફટાકડાની દુકાન બંધ કરી દેજો, નહીંતર હું ફરી પાછો આવીશ અને છરીના ઘા મારી પતાવી દઈશ. આથી દિપકભાઇએ ભાગીદારને સાથે લઇ આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(3:52 PM IST)










