<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં સહકાર ભારતીનું નૂતન વર્ષ સ્નેહમિલન અને સહકાર સપ્તાહ સમાપન સમારોહ સંપન્ન : ‘સહકારિતાનું અંતિમ લક્ષ્ય સમાજની સેવા અને સમૃદ્ધ રાષ્ટ્ર’

મુખ્ય વક્તા નલિન વસાએ કહ્યું કે નફાની સાથે સમાજસેવા એ સહકારિતાનો સાચો મર્મ અને નિઃસ્વાર્થ મદદથી મળતો આનંદ જ સાચી મૂડી છે : મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુએ જાહેરાત કરી કે જાન્યુઆરી-૨૭ના પ્રથમ સપ્તાહમાં રાજકોટ ખાતે ક્રેડિટ સોસાયટીના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રકોષ્ઠનો અભ્યાસ વર્ગ યોજાશે

રાજકોટ: સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા આયોજિત નવા વર્ષનું સ્નેહમિલન અને સહકાર સપ્તાહનો સમાપન સમારોહ રાજકોટની વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં ગરિમાપૂર્ણ માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સહકાર ભારતીની પરંપરા અનુસાર ‘સમાજ હે આરાધ્ય હમારા, સેવા હે આરાધના, ભારત માતા કે વૈભવ હિત, સહકારીતા કી સાધના’ ગીત દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા નલિન વસા, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, સહકારી આગેવાન ટપુભાઈ લીંબાસીયા, રાજકોટ મહાનગર ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ઠ સહસંયોજક હરગોપાલસિંહ જાડેજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નરેન્દ્રભાઈ દવે, સહકાર ભારતીના પ્રદેશ ઉપાધ્યક્ષ નયનાબેન મકવાણા, મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ, ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા, કોષાધ્યક્ષ અનિરુદ્ધભાઈ નથવાણી, ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ઠના પ્રાંત સંયોજક પ્રવીણભાઈ નિમાવત તેમજ આરડીસી બેંકના પૂર્વ ડિરેક્ટર યજ્ઞેશભાઈ જોષીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.

જાન્યુઆરી-૨૭માં અભ્યાસ વર્ગ અને સહકાર યાત્રાના પચાસ વર્ષ:
સ્વાગત પ્રવચનમાં મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુએ વિવિધ સહકારી સંસ્થાઓના વિકાસમાં સહકાર ભારતીની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે નવી સહકારી નીતિ અને કેશલેસ ટ્રાન્જેક્શન દ્વારા પારદર્શક વહીવટ અપનાવીને મંડળીઓને શ્રેષ્ઠતા અપાઈ છે. પ્રશિક્ષણ દ્વારા સહકાર સપ્તાહના સપ્તરંગી મહોત્સવની ઉજવણીના અંતિમ તબક્કામાં આ સ્નેહમિલન યોજાયું છે અને સહકાર ભારતીની સહકાર યાત્રાને પચાસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તેમણે માહિતી આપી કે આગામી જાન્યુઆરી-૨૭ના પ્રથમ સપ્તાહમાં રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રકોષ્ઠની ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન, એમડી અને મેનેજરોનો સંપર્ક કરીને પરિણામલક્ષી અભ્યાસ વર્ગ યોજાશે, જેમાં રાજકોટની સો ટકા ક્રેડિટ સોસાયટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહે તે માટે ચાર ઝોનના પદાધિકારીઓ પ્રયત્નશીલ છે.

નફાની સાથે સમાજસેવા અને સુખ-આનંદનો ભેદ:
‘જીવનમાં સહકારિતાનું મહત્વ’ વિષય પર મુખ્ય વક્તા અને સહકાર ભારતીના રાષ્ટ્રીય સહ પ્રકોષ્ઠ પ્રમુખ (અર્બન બેન્કર્સ) તથા મોટીવેશનલ સ્પીકર નલિન વસાએ રસાળ શૈલીમાં ઉદ્બોધન આપ્યું હતું. રાજા વિક્રમાદિત્યની વીરતા, ન્યાયપ્રિયતા અને ‘પરદુઃખભંજન’ ભાવનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સહકારી પ્રવૃત્તિનો મૂળ હેતુ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને શોષણમાંથી મુક્ત કરી પગભર કરવાનો છે. સંસ્થા ટકી રહેવા વ્યાજબી નફો જરૂરી છે, પરંતુ નફાની સાથે સમાજસેવા એ સહકારિતાનો સાચો મર્મ છે અને તેનું અંતિમ લક્ષ્ય સમાજની સેવા તથા સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ હોવું જોઈએ. વિક્રમ સંવત અને નૂતન વર્ષની પૃષ્ઠભૂમિ સમજાવતા તેમણે ઉમેર્યું કે દિવાળીમાં ચોપડા પૂજન સાથે સરસ્વતી પૂજન પણ જરૂરી છે, કારણ કે જ્ઞાન વિનાની સંપત્તિ નુકસાનકારક બની શકે છે. ‘સુખ’ને ઈન્દ્રિયો દ્વારા મળતો મર્યાદિત ભૌતિક અનુભવ અને ‘આનંદ’ને આત્માની અનુભૂતિ ગણાવતા તેમણે કહ્યું કે નિઃસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવાથી મળતો આનંદ એ જ સાચી મૂડી છે. તેમણે ‘સમાજ હમકો સબ કુછ દેતા, હમ ભી કુછ દેના શીખે’ નો સંદેશ આપી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

અગ્રણીઓની ઉપસ્થિતિ અને વ્યવસ્થા:
સમારોહમાં અર્બન કો-ઓપરેટિવ બેંક, ક્રેડિટ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, કર્મચારી સોસાયટી, ચાર ઝોન તથા સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ સંઘાણીએ કર્યું હતું, ગીત નીતિનભાઈ મહેતાએ રજૂ કર્યું હતું, આભારવિધિ પ્રવીણભાઈ નિમાવતે અને કલ્યાણ મંત્ર નિશાબેન પીલોજપરાએ ગવડાવ્યો હતો. સમારોહ બાદ ઉપસ્થિત સૌએ ભોજન પ્રસાદ લીધો હતો, જ્યારે આયોજનમાં મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ અને સંગઠન અધ્યક્ષ જયેશ સંઘાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:57 PM IST)