News of Wednesday, 3rd June 2026
સાંઢિયા પુલનું કામ અંતિમ તબક્કામાં: સ્ટોર્મ વોટર લાઈન કામગીરી શરૂઃ ૨-૩ દિવસમાં સરફેસિંગ-ટચિંગ પૂર્ણ થશે
ચેતન કન્સ્ટ્રકશન અને PMC ‘ડેલ્ફ'ને અધૂરા કામ મુદ્દે નોટિસ ફટકારાઈ

રાજકોટ,તા.,૩: શહેરના મહત્વપૂર્ણ સાંઢિયા પુલ પ્રોજેક્ટને લઈને હવે કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે સ્થળ પર સ્ટોર્મ વોટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે-સાથે પુલ પર બાકી રહેલી સરફેસિંગ, ટચિંગ અને ફિનિશિંગ સંબંધિત કામગીરીને પણ ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી રહી છે. આગામી ૨થી ૩ દિવસમાં તમામ બાકી કામ પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી હોવાનું મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાકટર તરીકે ચેતન કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટને કારણે સ્થાનિકોમાં ઊભી થયેલી અસંતોષની લાગણી ફેલાઇ છે અને અધુરા કામ મુદ્દે નોટીસ આપવામાં આવી છે.
બીજી તરફ, પ્રોજેક્ટની દેખરેખ કરતી PMC એજન્સી ડેલ્ફ (DELF) સામે પણ મનપાએ કડક વલણ અપનાવ્યું છે. કામગીરીમાં બાકી રહેલા મુદ્દાઓ અને વિલંબ અંગે PMCને સત્તાવાર નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. મનપા તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુણવત્તા કે સમયમર્યાદા બાબતે કોઈ બેદરકારી ચલાવવામાં નહીં આવે.
સાંઢિયા પુલ શહેરના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. તેથી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને રાહત મળે તે દિશામાં હવે કામને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં કામ પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ મનપાના નવનિયુકત પદાધિકારીઓએ સાંઢીયા પુલની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ અને અધુરા અને ક્ષતીગ્રસ્ત કામના કારણો તાકીદ કરી હતી. જો અન્વયે એજન્સીને નોટીસ પાઠવવામાં આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
(2:52 PM IST)










