તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
સંઘમાં વ્યક્તિ વિશેષ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણના પ્રતીક ‘ભગવા ધ્વજ'નું જ ગુરુપદે પૂજનઃ કાલે ગુરુપૂર્ણિમા મહોત્સવ
શ્રી રામ, અર્જુનથી લઈને શિવાજી મહારાજ અને સ્વાતંત્ર્ય સંગ્રામનો સાક્ષી રહેલો ભગવો ધ્વજ હિન્દુ સમાજની આકાંક્ષાઓનું પ્રતીકઃ ૧૯૨૮થી સંઘમાં અબાધિત ગુરુદક્ષિણા પરંપરા

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા બુધવાર ૨૯ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવશે. સંઘના સ્થાપક ડો. હેડગેવારજીએ કોઈ વ્યક્તિને બદલે સનાતન પરંપરા, જ્ઞાન, ત્યાગ અને રાષ્ટ્રીયત્વના પ્રતીક એવા પરમ પવિત્ર 'ભગવા ધ્વજ'ને જ ગુરુ તરીકે સ્થાપિત કર્યો છે. રામાયણ કાળથી લઈને મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ૧૯૩૧ની કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભગવા રંગનું ઐતિહાસિક મહાત્મ્ય સ્વીકારવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વયંસેવકો ગુરુદક્ષિણા અર્પણ કરી પર્યાવરણ, સ્વદેશી અને સમરસતા જેવા પંચપ્રાણ અપનાવી 'વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ'નો સંકલ્પ લેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કોઈ વ્યક્તિને બદલે ભગવા ધ્વજને જ પોતાના માર્ગદર્શક અને ગુરુ માને છે. ૧૯૨૫માં સંઘની સ્થાપના વખતે અનેક સ્વયંસેવકો સંસ્થાપક પ.પૂ. ડો. હેડગેવારજીને ગુરુ બનાવવા ઈચ્છતા હતા. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે વ્યક્તિ ગમે તેટલો મહાન હોય, પરંતુ તે નિરંતર અચલ અને પૂર્ણ રહી શકતો નથી. આથી, સનાતન પરંપરા અને રાષ્ટ્ર માટેના સ્વાર્થત્યાગના પ્રતીક એવા ભગવા ધ્વજને જ સર્વોચ્ચ ગુરુપદે સ્થાપિત કરવામાં આવ્યો.
હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે વ્યાસ પૂર્ણિમા (ગુરુપૂર્ણિમા) ના દિવસે સંઘસ્થાને એકત્ર થઈ સ્વયંસેવકો ભગવા ધ્વજનું વિધિવત પૂજન કરી યથાશક્તિ ગુરુદક્ષિણા અર્પણ કરે છે. ૧૯૨૮માં પ્રથમ વખત યોજાયેલા આ ગુરુપૂજનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાને જાળવવાનો અને સંગઠનના વિસ્તાર માટે આંતરિક ધન વ્યવસ્થા ઊભી કરવાનો હતો. આજે પ્રશાસન, પત્રકારિતા અને ચિકિત્સા જેવા વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા સ્વયંસેવકો માટે તેમની અનુકૂળતા મુજબ અલગ-અલગ ગુરુદક્ષિણા કાર્યક્રમો યોજવામાં આવે છે. સંઘના ૬ મુખ્ય ઉત્સવોમાં આ પર્વનું અનેરું મહત્વ છે.
ભગવા ધ્વજનો પ્રાચીન અને ગૌરવશાળી ઈતિહાસ પ.પૂ. ડોક્ટર સાહેબ માનતા કે સંઘે કોઈ નવો ઝંડો નથી બનાવ્યો, પરંતુ હજારો વર્ષોથી ધર્મ અને રાષ્ટ્રના ધ્વજ રહેલા ભગવાને જ સ્વીકાર્યો છે. લંકા પર આક્રમણ વખતે પ્રભુ શ્રીરામના રથ પર સૂર્યની છબીવાળી લાલ પૃષ્ઠભૂમિની રઘુવંશની ધજા હતી. મહાભારત કાળમાં અર્જુનના રથ ‘નંદીઘોષ' પર હનુમાનજીની છબીવાળી કપી ધ્વજા ફરકતી હતી. મોગલો સામે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપે ભગવા ધ્વજ હેઠળ લડાઈ કરી હતી. ૧૭મી સદીમાં બિકાનેર, નાગપુરમાં ભોંસલે શાસન અને પંચરંગી ધ્વજ ધરાવતા જોધપુરમાં પણ ભગવા રંગનું પ્રાધાન્ય હતું. છત્રપતિ શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને હિન્દુ ધર્મની રક્ષા કાજે શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિદસિહજીએ પણ કેસરિયા રંગનો ઉપયોગ કર્યો હતો. મહારાજા રણજીતસિહના સેનાપતિ હરીસિંહ નલવાએ અફઘાનિસ્તાનમાં કાબુલ-કંદહાર સુધી આ જ ધ્વજ લહેરાવ્યો હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તમામ ક્રાંતિકારીઓ કેસરિયા ધ્વજ નીચે એકજૂથ થયા હતા. આ ભગવો ધ્વજ હિન્દુ સમાજની આકાંક્ષા અને ઉર્જાનું પ્રતીક છે. આ ધ્વજમાંથી પ્રેરણા લઈને સંઘ પરિવારની ભગિની સંસ્થાઓ જેવી કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી), ભારતીય મજદૂર સંઘ, વનવાસી કલ્યાણ આશ્રમ, કિસાન સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ તેને અપનાવ્યો છે.
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સ્વયંસેવકો પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા પંચપ્રાણ થકી 'શ્રેષ્ઠ આચરણ' કરી રહ્યા છે. (૪૦.૩)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ૧૯૩૧માં ભગવા રંગ માટે સહમતિ
૨ એપ્રિલ ૧૯૩૧ના રોજ કરાચીમાં કોંગ્રેસની બેઠકમાં રાષ્ટ્રીય ઝંડા સમિતિની રચના થઈ હતી. આ ૭ સભ્યોની સમિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, માસ્ટર તારાસિહ, પંડિત જવાહરલાલ નેહરુ, પ્રાચાર્ય ડી.બી. કાલેલકર, ડો. એન.એસ. હાર્ડીકર અને સંયોજક ડો. બી. પટ્ટાભી સીતારમૈયાનો સમાવેશ થતો હતો. સમિતિએ દેશભરમાંથી મંતવ્યો મંગાવ્યા બાદ સર્વાનુમતે નક્કી કર્યું હતું કે રાષ્ટ્રીય ધ્વજ બિનસાંપ્રદાયિક અને એક જ રંગનો હોવો જોઈએ. જે રંગ દેશની પ્રાચીન પરંપરા સાથે મેળ ખાતો હોય અને સર્વસ્વીકૃત હોય તે માત્ર એક જ છે, એટલે ધ્વજ કેસરી (ભગવો) હોવો જોઈએ અને તેમાં ચરખાનું નિશાન રાખવું.
વ્યક્તિની નશ્વરતા અને ધ્વજની શાશ્વતતાઃ સંઘનું અનોખું દર્શન
વિશ્વના અનેક સંગઠનોમાં સંસ્થાપકને જ ગુરુ માનવામાં આવે છે, પરંતુ સંઘની વિચારધારા અલગ છે. સંઘનું સ્પષ્ટ માનવું છે કે માનવ શરીર નશ્વર છે. જો કોઈ વ્યક્તિને ગુરુ બનાવીએ તો તેમાં કોઈને કોઈ ખામી હોઈ શકે અથવા સમય જતાં તેના સદગુણોનો ક્ષય પણ થઈ શકે. વ્યક્તિ ક્યારેય પૂર્ણ હોતો નથી. આથી, કોઈ વ્યક્તિને બદલે નિરંતર અચલ, સ્થાયી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણના પ્રતીક એવા ‘ભગવા ધ્વજ'ને જ ગુરુ માનવામાં આવ્યો છે, જે સદીઓ સુધી સમાજને શ્રેષ્ઠ પ્રેરણા આપતો રહેશે.
અહેવાલ
જયેશ સંઘાણી
સંગઠન પ્રમુખ - સહકાર ભારતી, રાજકોટ મહાનગર
(મો. ૯૪૨૮૨૦૦૫૨૦)
(10:19 AM IST)










