<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રૈયા ચોકડીએ ઝેર પી લેનારા સફાઇ કામદાર અનિલભાઇ વાઘેલાનું મોત

પત્‍નિ સાથે મનદુઃખ થતાં ઘર છોડીને નીકળી ગયા બાદ પગલુ ભર્યુ હતું: અઠવાડીયાની સારવાર બાદ દમ તોડયોઃ પરસાણાનગરના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: સદર બજાર ભીલવાસ નજીક ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં વોર્ડ નંબર-૫ના સફાઇ કામદાર અનિલભાઇ બાલાભાઇ વાઘેલા (ઉ.વ.૫૨)એ નવ દિવસ પહેલા રૈયા ચોકડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં અનિલભાઇ વાઘેલાએ ગત તા. ૯/૪ના રોજ રૈયા ચોકડીથી આગળના રોડ પર ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના મહેશભા જોરૂભા ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારા અનિલભાઇ વાઘેલા વોર્ડ નં. ૫માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમને સંતાનમાં  ત્રણ દિકરા છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતાં. થોડા દિવસો પહેલા તેમને પત્‍નિ સાથે મનદુઃખ થતાં પત્‍નિએ પોલીસમાં અરજી કરતાં તે ઘર છોડી નીકળી ગયા હતાં. આ પછી તેમણે રૈયા ચોકડી નજીક ઝેર પી લીધું હતું. દિવસોની સારવાર કારગત ન નીવડતાં મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ગુરૂદેવ પાર્કમાં પિતાના વિયોગમાં કોમલબેન રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

બીજા બનાવમાં શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં.૧માં રહેતા કોમલબેન શહેવંતભાઇ રાઠોડ  (ઉ.વ.૪૨)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. તેણીના પિતાએ થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હોઇ તેના કારણે દુઃખી થઇ આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું.

વિશ્વેશ્વર આવાસ ક્‍વાર્ટરમાં હંસાબેન જાદવનું બેભાન થઇ ગયા બાદ મોત

જામનગર રોડ પર શેઠનગરમાં રહેતાં હંસાબેન વિઠ્ઠલભાઇ જાદવ (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધા માલવીયાનગર પોલીસ સ્‍ટેશન પાછળ આવેલા વિશ્વેશ્વર નગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં પોતાના બહેન હકુબેનના ઘરે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બિમારીથી મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું. બનાવ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

લક્ષ્મીનગર પાસે રોડ પર બેભાન થઇ જતાં ૨૫ વર્ષના જોકાભાઇનું મોત

અન્‍ય એક બનાવમાં લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે રોડ પર રહેતો જોકાભાઇ મકરંદભાઇ નાયક (ઉ.વ.૨૫) નામનો યુવાન ૧૩/૪ના રોજ શ્વાસની તકલીફને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ટીબી વોર્ડમાં દાખલ કરાયો હતો. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(3:57 PM IST)