તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
સંત કબીર રોડ પર ‘હિટ એન્ડ રન': રાતે ચા પીવા નીકળેલા બંગાળી યુવાન મુસ્તાકનું મોત
મોડી રાતે જલગંગા ચોકમાં અજાણ્યો બાઇકચાલક અકસ્માત સર્જી ભાગી ગયોઃ મૃતક કાસ્ટીંગ કામ કરતો હતો

રાજકોટ તા. ૧૧: શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પર રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં રાતે જમ્યા બાદ રામનાથપરામાં રહેતો બંગાળી યુવાન બાઇક હંકારીને ચા પીવા નીકળ્યો ત્યારે અજાણ્યો બાઇકચાલક તેના બાઇક સાથે અકસ્માત કરી ભાગી જતાં આ યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ રામનાથપરા ચોકમાં ભાડાના મકાનમાં રહેતો મુસ્તાક ઉર્ફે બાપી રાજુભાઇ એશકે (ઉ.વ.૨૨) નામનો યુવાન રાતે સાડા અગીયારેક વાગ્યે બાઇક હંકારીને સંત કબીર રોડ જલગંગા ચોકમાંથી પાસર થતો હતો ત્યારે અજાણ્યા બાઇકના ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા મુસ્તાક રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જી સામેના બાઇકનો ચાલક ભાગી ગયો હતો.
બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં મુસ્તાકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ થોડા કલાકોની સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મુસ્તાક ઉર્ફે બાપી મુળ કોલકત્તા બંગાળનો વતની હતો. તે અહિ તેના ગામના છોકરાઓ સાથે રહી કાસ્ટીંગનું કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. રાતે રૂમે જમીને તે ચા પીવા જાય છે તેમ કહીને નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.
(2:35 PM IST)










