News of Tuesday, 2nd June 2026
સરગમઃ પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની વાત
સાચા સમયે ખોટા વ્યકિતને અને ખોટા સમયે સાચા વ્યકિતને પ્રેમ કરવાથી જીવન- સંબંધોના તાર કેવી રીતે ખોરવાઇ જાય તે દર્શાવતી મ્યુઝીકલ લવ ટ્રાયન્ગલ ફિલ્મ : સારા વિષયો સાથેની ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોને જોવી ગમે છેઃ ૧૦૦ કરોડની કલબમાં સામેલ હોવાનો ગર્વઃ અભિલાષ ઘોડા : સરગમ ફિલ્મ આગામી તા.પ ને શુક્રવારના રોજ સીનેમાઘરોમાં રીલીઝ થશે

ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્માતા અભિલાષભાઇ ઘોડા તેમની આગામી ફિલ્મ ‘‘સરગમ''ના કલાકારો સાથે ‘‘અકિલા''ની મુલાકાત લીધી હતી. ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અભિલાષભાઇ ઘોડા, અભિનેતા હર્ષલ માંકડ, હર્ષીત ઢેબર, અભિનેત્રીઓ શ્રી માંડવીયા તથા દર્શીના બારોટ દર્શાય છે. સરગમની સ્ટોરી અંગે સમગ્ર ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે એસો. નિર્માતા યોગીરાજસિંહ જાડેજા તથા અરિહંત ઈન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ સાથે જોડાયા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા.રઃ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ' આગામી પાંચ જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મના કલાકારો તથા નિર્માતાઓએ ‘‘અકિલા'' કાર્યાલયની મુલાકાત કરી મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ અને શુભેચ્છા લીધી હતી. અભિલાષભાઇ ઘોડા તથા સમગ્ર સ્ટાર કાસ્ટે સરગમ ફિલ્મ અંગે સ્ટોરી અંગે માહિતિ આપી હતી.
ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
‘સરગમ' માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.
ફિલ્મમાં હર્ષલ માંકડ - હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ.સિધ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઇ મોઢવાડીયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે.
ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન) ના છે. જીવન, પ્રેમ અને સંબંધોના અનેક રંગોને અસરકારક રીતે રજૂ કરતો આ સ્ક્રીનપ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. સંગીતપ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે.
ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં ‘સરગમ' એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.
ફિલ્મની ટિકિટો બુક માય શો (BookMyShow) તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે. ગ્રુપ બુકિંગ, બલ્ક બુકિંગ અથવા ફિલ્મ અંગે વધુ માહિતી માટે ૭૯૮૪૮ ૨૧૦૪૪, ૮૭૮૦૮ ૬૮૭૮૨ સંપર્ક કરી શકાશે.(૨.૧૬)

મિત્રની પસંદગી રંગરૂપથી ન થાય, મિત્ર એ મિત્રઃ હર્ષીત ઢેબર : આ ફિલ્મમાં મિત્રની ભૂમિકા ભજવતા હર્ષીત ઢેબરે જણાવેલ કે, મિત્રની પસંદગી રંગરૂપ, સ્ટેટસ નથી જોતા બસ મિત્ર છે એ ગમે તેવો હોય તે મિત્ર છે. સરગમ ફિલ્મમાં હું પણ એક એવા જ મિત્રની ભૂમિકા ભજવી રહયો છું.
પત્ની-માતાનું પાત્ર ભજવવામાં મજા આવીઃ દર્શીતા બારોટ : રાજકોટની ધરતી ઉપરથી જ મારી શરૂઆત થઇ છે. મારૂ પહેલું મુવી પણ રાજકોટથી જ હતી અને આજે ચોથી મુવી પણ રાજકોટથી જ હોવાનું સરગમ ફિલ્મમાં આરોહીનું પાત્ર ભજવતા દર્શના બારોટે જણાવ્યુ હતું. આરોહીને ફિલ્મમાં એક પત્ની- માતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જે ખુબ જ જવાબદારીવાળુ છે અને તેને ભજવવામાં મને ખુબ જ મજા આવી છે.
સરગમના પાત્રો ‘સરગમ'ના સુરઃ શ્રી માંડવીયા : પોતાની પ્રથમ ફિલ્મ કરતા મુળ પોરબંદરના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભિનેત્રી શ્રી માંડવીયાએ સરગમ અંગે જણાવેલ કે, હું એમાં સરગમનું પાત્ર ભજવી રહી છું, જે ખુબ જ જવાબદારીવાળુ છે. સરગમ ફિલ્મના દરેક પાત્રો સરગમના સુર છે, દરેક પાત્ર જરૂરી છે, જે એકાદ પાત્ર પણ ન હોત તો હું મારૂ પાત્ર વ્યવસ્થીત રીતે નિભાવી ન શકી હોત.
નવી જનરેશનમાં કલ્ચર મીસ થાય છેઃ હર્ષલ માંકડ : આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા હર્ષલ માંકડે જણાવેલ કે, સરગમ સોશ્યલ એન્ટરટેનર છે. મિસ કોમ્યુનિકેશનના કારણે સંબંધોમાં થતા ઉતાર-ચઢાવ ફિલ્મમાં બાખુબી દર્શાવાયા છે. આજે સંસ્કૃતિ કયાંયને કયાંક નવી જનરેશનમાં મિસ થાય છે. બેઝીકલી આ ફિલ્મ મ્યુઝીકલ લવ ટ્રાન્ગ્યુલર છે.
(3:30 PM IST)










