<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સરગમ કલબ દ્વારા મહાપાલિકાના નવા હોદેદારોનું અભિવાદન

રાજકોટને ઈઝ ઓફ લીવીંગ બનાવવાની મેયરની ખાતરી : માધવભાઈ દવેએ સરગમ કલબની સન્‍માનની આ પરંપરાને બિરદાવી

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકામાં નવા હોદેદારોનું જાહેર સન્‍માન કરીને સેવાભાવી સંસ્‍થા સરગમ કલબે તેની પરંપરા જાળવી રાખી છે. હેમુ ગઢવી હોલમાં પૂર્વ રાજ્‍યપાલ અને સરગમ કલબના માર્ગદર્શક વજુભાઈ વાળાનાં અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા એક કાર્યક્રમમાં નવનિયુક્‍ત હોદેદારોની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર નેહલભાઈ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાનું મોમેન્‍ટો આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અભિવાદનનો પ્રત્‍યુત્તર વાળતા મેયર નેહલભાઈ શુકલે કહ્યુ હતું કે, અમે મહાપાલિકાનાં માધ્‍યમથી રાજકોટ શહેર ઈઝ ઓફ લીવીંગ બને અને લોકોને મહત્તમ સુવિધા મળે તે માટે કામ કરશુ. તેમણે આ સન્‍માન બદલ સરગમ કલબ અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો આભાર માન્‍યો હતો. આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ માધવભાઈ દવેએ પણ સરગમ કલબની સન્‍માનની આ પરંપરાને બિરદાવી હતી અને કહ્યુ હતું કે, આ પ્રકારના સન્‍માનથી નગરસેવકોનો ઉત્‍સાહ વધે છે. પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ હંમેશા સેવાનું સન્‍માન કરે છે. ક્‍લબ પોતે સેવા કાર્યો કરે છે અને જે સેવા કરે છે તેને જાહેરમાં બિરદાવે પણ છે. તેમણે મેયર, ડેપ્‍યુટી મેયર અને સ્‍ટેન્‍ડીગ ચેરમેનને શુભેચ્‍છા આપી હતી અને રાજકોટના લોકોની સુખાકારી માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું. આ પ્રસંગે યુવા આગેવાન તેજસભાઈ ભટ્ટી, મિતેનભાઈ મહેતા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, ભરતભાઇ સોલંકી, કનૈયાલાલ ગજેરા, અનવરભાઈ ઠેબા, રમેશભાઈ અકબરી, ધીરુભાઈ હિરાણી વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:20 PM IST)