<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટ જીલ્લાના વિવિધ તાલૂકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર ખેતીના કૌભાંડ ખૂલ્‍યાઃ ૪ કેસમાં હજારોનો દંડ

તાલૂકા મામલતદાર અને કોટડા મામલતદાર દ્વારા કાર્યવાહી : કલમ-૨૦૨ હેઠળ દબાણ જાતે ખૂલ્લૂ કરવા આદેશો...

રાજકોટ, તા.૧૪:  જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર રીતે ખેતી કરી રહેલા દબાણકારો સામે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોમ્‍બે લેન્‍ડ રેવન્‍યુ કોડની કલમ-૬૧ હેઠળ જમીન પચાવી પાડતા તત્‍વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જુલાઈ ૨૦૨૬માં રાજકોટ તાલુકા મામલતદાર અને કોટડા સાંગાણીના એક્‍ઝિકયુટિવ મેજિસ્‍ટ્રેટ દ્વારા અલગ અલગ ચાર કેસોમાં સરકારી જમીન પર દબાણ સાબિત થતાં દબાણકારોને હજારો રૂપિયાનો દંડ ફટકારી, તાત્‍કાલિક જમીન ખુલ્લી કરવાના આદેશો જારી કરવામાં આવ્‍યા છે.

રાજકોટ તાલુકા મામલતદાર એચ. મકવાણાની કોર્ટમાં નોંધાયેલા દબાણ-પેશકદમી કેસ નં. ૧૫૨/૨૦૨૬ અંતર્ગત, અસલમભાઈ અલારખાભાઈ ઓડીયા અને આરીફભાઈ અલારખાભાઈ ઓડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.બંને ઈસમોએ ગઢકા ગામના રેવન્‍યુ સર્વે નં. ૪૭૭ પૈકીની જમીનમાં ૨૦૨૧ના વર્ષથી આશરે બે એકર જમીનમાં ખેતીના હેતુથી ગેરકાયદેસર દબાણ કર્યું હતું.આથી તા. ૧૦/૦૭/૨૦૨૬ના હુકમ મુજબ તંત્ર દ્વારા આ બંને ઈસમોને જંત્રીના ૧% લેખે પ્રત્‍યેકને રૂ. ૫,૦૯૯ અંકે રૂપિયા પાંચ હજાર નવાણું નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત, આજ ગામમાં (ગઢકા) ચાલતા કેસ નં. ૧૫૪/૨૦૨૬માં હકુભા ડોડીયા નામના શખ્‍સે પણ સર્વે નં. ૪૭૭ પૈકીની ૧ એકર ૨૦ ગુંઠા જમીન પર છેલ્લા ૧૫ વર્ષથી ખેતીલાયક દબાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્‍યું હતું. તેમને તા.૦૮/૦૭/૨૦૨૬ના રોજ હકુભા ડોડીયાને રૂ. ૭,૬૪૮ નો દંડ ફટકારી દબાણ ખુલ્લું કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે. 

રાજકોટ તાલુકાના જ ઉમરાળી ગામના દબાણ-પેશકદમી કેસ નં. ૧૪૯/૨૦૨૬ માં પણ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે.  આ કેસમાં રામભાઈ હદાભાઈ ચાવડા નામના ઈસમે ગામના રેવન્‍યુ સર્વે નં. ૨૨૨ પૈકીની ૧૯૮૫ ચોરસ મીટર સરકારી જમીન પર ખેતીના હેતુ માટે ગેરકાયદેસર કબજો જમાવ્‍યો હતો.  ડી.આઈ.એલ.આર. કચેરી દ્વારા રજૂ થયેલ માપણીશીટ મુજબ આ દબાણ સાબિત થયું હતું.  તા. ૦૨/૦૭/૨૦૨૬ના રોજની મુદતમાં સામાવાળાના પુત્ર હાજર રહ્યા હતા પરંતુ પુરાવા રજૂ કર્યા ન હતા. ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજના હુકમ મુજબ આ ઈસમ પાસેથી દંડ પેટે રૂ. ૨,૩૦૩ વસૂલ કરવાનો તેમજ જમીનનો કબજો છોડાવવાનો આદેશ કરાયો છે. 

કોટડા સાંગાણી તાલુકાના પાંચતલાવડા ગામના સરકારી ખરાબાના સર્વે નં. ૨૨૧ ની ૨૭૦૦ ચોરસ મીટર જમીન પર  દિપકભાઈ વશરામભાઈ સાંગાણી દ્વારા ખેતી વિષયક દબાણ કરવામાં આવ્‍યું હતું.  ફરીયાદી દ્વારા એલ.એન.ડી ફોર્મ-૩ ભરી દરખાસ્‍ત કરવામાં આવી હતી, જેના આધારે દબાણદારને તા. ૨૯/૦૬/૨૦૨૬ના રોજ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.  તા. ૦૯/૦૭/૨૦૨૬ના રોજ સુનાવણી મુકરર કરાઈ હતી જેમાં દબાણદારે કોઈ લેખિત કે મૌખિક પુરાવા આપ્‍યા ન હતા.  આથી દબાણદારને ૫ વર્ષ લેખે જંત્રી મુજબ ૧ ટકાની કિંમત ગણીને કુલ રૂ.૭,૫૬૦ નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.  આ દંડની રકમ દબાણદારે પાંચતલાવડા ગ્રામ પંચાયત કચેરી ખાતે હુકમની તારીખથી એક માસમાં ભરવાની રહેશે અને તેની પહોંચ કચેરીમાં જમા કરાવવાની રહેશે.

ઉપરોક્‍ત તમામ કેસોમાં સરકારી તંત્ર દ્વારા સ્‍પષ્ટપણે જણાવાયું છે કે દબાણદારે તાત્‍કાલિક સ્‍વમેળે અને સ્‍વખર્ચે દબાણ ખુલ્લું કરવાનું રહેશે. જો દબાણકારો સ્‍વેચ્‍છાએ દબાણ ખુલ્લું નહીં કરે તો, રેવન્‍યુ તલાટી અને સર્કલ ઓફિસર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ બળજબરીથી કાર્યવાહી કરી દબાણ ખુલ્લું કરાવવામાં આવશે. આ પ્રક્રિયામાં થનાર તમામ ખર્ચની જવાબદારી દબાણદારની રહેશે.

(2:57 PM IST)