News of Tuesday, 3rd November 2026
ખોખળદડ પાસે સ્કૂલ સંચાલક રવિભાઇ પર ઘેલાનો પથ્થરમારોઃ ઇજા થઇ અને મોબાઇલની સ્ક્રીન તૂટી
હુડકો પાસે મેઘાણીનગરમાં રહેતાં રવિભાઇના પિતાએ વીસ દિવસ પહેલા ચેક રીટર્નનો કેસ કરતાં ખાર રાખી હુમલોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: રાજકોટ શહેરના કોઠારીયા રોડ મેઘાણીનગરમાં રહેતાં સ્કૂલ સંચાલક યુવાન પર ચેક રીટર્નના કેસ અંગેની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી તેનો મોબાઇલ ફોન તોડી નાંખતા અને પથ્થરમારો કરી છરી બતાવી ધમકી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ હુડકો ચોકી પાસે માનવ ધર્મ આશ્રમ પાછળ મેઘાણીનગર-૧માં જય દ્વારકાધીશ મકાન ખાતે રહેતાં રવિભાઇ દિપકભાઇ ગુજરીયા-આહિર (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી સાત હનુમાન પાછળ પીપળીયા ગામે રહેતાં ઘેલા ગોવિંદભાઇ દાદરેચા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રવિભાઇ પરિવાર સાથે રહે છે અને ખોખડદડ નદી કાંઠે વેલનાથ પાર્કમાં શ્રી એ.કે. વિદ્યાલય નામની સ્કૂલ ચલાવે છે.
ફરિયાદ મુજબ તા. ૨૬/૧૦ના સવારના આશરે સાતેક વાગ્યે રવિભાઈ પોતાનું બુલેટ જીજે૦૩કેએલ-૦૧૨૮ લઈને એ.કે. વિદ્યાલય સ્કૂલ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ ખોખડદ નદીના કાચા રોડ ઉપર વાસંગી દાદાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ઘેલા દાદરેચા તથા તેની સાથે બે અજાણ્યા માણસો ત્યાં હાજર હતા. આ ત્રણેય જણાએ રવિભાઈ પર પથ્થરના ઘા કર્યા હતા.
ઘેલાના હાથમાં છરી હોવાથી જીવ બચાવવા માટે રવિભાઈ પોતાનું બુલેટ લઈને ત્યાંથી નાસી છૂટયા હતા. પથ્થરમારામાં તેને શરીરે ઇજા થઇ હતી અને પેન્ટના ડાબા ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોન પર પથ્થર લાગતાં સ્ક્રીન તૂટી જતાં રૂા. ૧૧૦૦નું નુકસાન થયું હતુ.
હુમલાનું કારણ એવુ છે કે રવિભાઈના પિતા દિપકભાઈ રાવતભાઈએ આશરે ૨૦ દિવસ પહેલા કોર્ટમાં રૂ. ૩૫,૦૦૦ની રકમનો ચેક રીટર્ન થયા અંગેનો કેસ દાખલ કર્યો હતો. આ વાતનો ખાર રાખી ઘેલાએ ખાર રાખી રવિભાઇને આંતરી પથ્થરમારો કરી છરી બતાવી હતી. સ્કૂલમાં પરિક્ષા ચાલતી હોઇ રવિભાઇએ હવે મોડી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










