તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
કલોલના ધાનજ ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા : ૧૨૮૮મો સફળ પર્દાફાશ
પાટ નાખી દાણા જોવાનું અને લોકોના દુઃખ દર્દ દુર કરવાનું કામ ચાલતુ હતુ : ભુવા જયેશ પ્રજાપતિએ આ બધુ બંધ કરવા કબુલાત નામુ આપ્યુ

રાજકોટ તા. ૨૦ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામે ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષથી ધતિંગ લીલા આચરતો ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી ભાંડાફોડ કરી ૧૨૮૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
અંતે ભુવાએ શરણાગતિ સ્વીકારી કબુલાતનામું આપી લોકોની માફી માગી લીધી હતી.
વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ધાનજ ગામમાં પોતાના ઘરમાં સિકોતેરમાં, નાગદેવતા, ગોગા મહારાજનો સ્થાપન કરી ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવાપણું કરતો હતો. દર પાંચમના દિવસે પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો. ભુવો પિતળનું સ્થાપન અને પૂર્વજનું સ્થાપન કરાવી ભ્રમમાં નાખી ગુમરાહ કરતો હતો. લોકોના દુઃખ-દર્દ, અસાધ્ય રોગ, અંદરોઅંદરના ઝઘડા, ગ્રહોની નડતર વિગેરે દૂર કરવા માટે બાધા-ટેક રખાવી મેડીકલ સારવારમાં બાધારૂપનું કામ પણ કરતો હતો.
સિધ્ધપુર પાટણના ભોગ બનેલ વળદ્ધે પોતાની આપવિતી વિજ્ઞાન જાથા સમક્ષ જણાવતા જાથાએ પર્દાફાશ કરવાનું નક્કી કયું હતું.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જેથી પોલીસ ઈન્સ્પેકટર જે. જે. ગઢવીને સુચના મોકલવામાં આવી હતી.રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, સાહિલ રાજદેવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠિયા સહિત સ્થાનિક કાર્યકરો તેમજ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ પ્રવિણભાઈ, ભદ્રેશસિંહ ઘનશ્યામસિંહ, વાલજીભાઈ દેવરાજભાઈ, સુનિલ હરીશચંદ્ર, અનવરભાઈ લાડભાઈ, હર્ષિદાબેન ભરતગિરી બંદોબસ્ત માટે તૈયાર હતા. પોલીસ કાફલા સહિત સ્થળ ઉપર પહોંચી ગઈ.
ધાનજ ગામે ભુવાના માતાજીના મઢે પહોંચી જયાં આસપાસ લોકોને પુછ પરછ શરૂ કરાઇ હતી. તે દરમિયાન પાટણ સિધ્ધપુરના જીતુભાઈએ આવી પોતાની આપવિતી જણાવી હતી. આ ભુવાના કારણે અમો ત્રણ વર્ષથી હેરાન-પરેશાન હોવાનું જણાવ્યુ હતુ.
જાથાની ટીમ પોલીસ સ્ટાફ સાથે ખેતરમાં જયાં હવન રાખેલ હોય ત્યાં પહોંચી ગયેલ. ભુવાને કાયદાની ભાષા સમજાવી પોલીસ સ્ટેશને આવવાનું જણાવ્યું હતુ.
પોલીસ સ્ટેશને નગરસેવક, વકીલ અને તેના સમર્થકો અગાઉથી જ આવી પહોંચ્યા હતા. જો કે પોલીસે કાયદાની ભાષામાં વાત કરતા બધાને બહાર ઉભા રહેવાનું જણાવ્યું હતું. ભુવાએ પણ પરિસ્થિતિ પામીને શરણાગતિ સ્વીકારીને કબુલાતનામું આપવા અને કાયમી દોરા-ધાગાના ધતિંગ બંધ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. જેથી મામલો અહીં પૂર્ણ જાહેર કરાયો હતો.
જાથાના જયંત પંડયાએ પો.ઈન્સ. જે. જે. ગઢવી, ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ મહાનિરીક્ષક તેમજ ઉચ્ચ અધિકારીઓનો પર્દાફાશમાં મદદરૂપ થવા બદલ આભાર માન્યો હતો. ઉત્તર ગુજરાતમાં કયાંય પણ દોરા-ધાગાના ધતિંગ ચાલતા હોય તો તેની માહિતીની મો. ૯૮૨૫ર ૧૬૬૮૯ ઉપર જાણ કરવા અપીલ કરી હતી.તસ્વીરમાં વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસની હાજરીમાં ધાનજ ગામના ભુવા જયેશ પ્રજાપતિ માફીપત્ર સાથે નજરે પડે છે.
(3:15 PM IST)










