<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

શહેરમાં ઋતુજન્‍ય રોગચાળાએ માથું ઊંચકયું: સપ્તાહમાં શરદી-ઉધરસના ૯૩૨, તાવના ૯૦૬ અને ઝાડા-ઉલ્‍ટીના ૨૯૨ કેસ નોંધાયા

મચ્‍છરજન્‍ય રોગોમાં રાહત, પરંતુ ઋતુજન્‍ય અને પાણીજન્‍ય રોગોને લઈ આરોગ્‍ય વિભાગ સતર્કઃ એક સપ્તાહમાં ૩૪,૫૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી અને ૨,૦૭૪ ક્‍લોરીન ટેસ્‍ટ હાથ ધરાયા

રાજકોટ,તા.૧૩: ચોમાસાની ઋતુ દરમિયાન રાજકોટ શહેરમાં ઋતુજન્‍ય રોગોના કેસોમાં વધારો નોંધાતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગે સર્વેલન્‍સ અને નિવારક કામગીરી વધુ સઘન બનાવી છે. તા. ૬ જુલાઈથી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન શરદી-ઉધરસના ૯૩૨, સામાન્‍ય તાવના ૯૦૬ અને ઝાડા-ઉલ્‍ટીના ૨૯૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડનો ૧ અને કમળાના ૨ કેસ નોંધાયા છે, જ્‍યારે મરડો અને કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી.

આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા અનુસાર વર્ષ દરમિયાન અત્‍યાર સુધીમાં શરદી-ઉધરસના કુલ ૨૦,૮૧૩, સામાન્‍ય તાવના ૧૯,૫૧૫ અને ઝાડા-ઉલ્‍ટીના ૭,૨૨૮ કેસ નોંધાઈ ચૂકયા છે. ચોમાસામાં બદલાતા વાતાવરણ, દૂષિત પાણી, ભેજનું પ્રમાણ અને વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતામાં બેદરકારીને કારણે આવા રોગોના કેસોમાં વધારો થતો હોવાનું નિષ્‍ણાતોનું માનવું છે.

મચ્‍છરજન્‍ય રોગોને નિયંત્રણમાં રાખવા માટે પણ મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ એક સપ્તાહ દરમિયાન ૩૪,૫૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી, જ્‍યારે ૧૪૦ સ્‍થળોએ ફોગિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. વધુ મચ્‍છરજન્‍ય વિસ્‍તારો, સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર માર્ગો અને વધુ માનવ અવરજવર ધરાવતા વિસ્‍તારોમાં વાહન આધારિત ફોગિંગ મશીનો દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી.

મચ્‍છરની ઉત્‍પત્તિ રોકવા માટે રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોમાં તપાસ અભિયાન પણ ચલાવવામાં આવ્‍યું હતું. આ અંતર્ગત કુલ ૫૯૭ પ્રિમાઇસિસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મચ્‍છરની ઉત્‍પત્તિ મળી આવતા ૧૪૧ રહેણાંક અને ૨૩૫ કોમર્શિયલ મિલકતોને મળીને કુલ ૩૭૬ નોટિસ ફટકારવામાં આવી હતી અને બાયલોઝ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મચ્‍છરજન્‍ય રોગોની સ્‍થિતિની વાત કરીએ તો રાહતના સમાચાર એ છે કે તા. ૬થી ૧૨ જુલાઈ દરમિયાન ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાનો એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે વર્ષ દરમિયાન અત્‍યાર સુધીમાં મેલેરિયાના ૭, ડેન્‍ગ્‍યુના ૧૮ અને ચિકુનગુનિયાનો ૧ કેસ નોંધાઈ ચૂકયો છે.

પાણીજન્‍ય રોગો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં કુલ ૨,૦૭૪ ક્‍લોરીન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. આરોગ્‍ય વિભાગે નાગરિકોને માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવાની, મચ્‍છરના પ્રજનન સ્‍થળો નાબૂદ કરવાની તેમજ તાવ, શરદી, ઉધરસ કે ઝાડા-ઉલ્‍ટીના લક્ષણો જણાય તો તાત્‍કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરી છે.

(2:56 PM IST)