News of Saturday, 20th June 2026
શાપરમાં વૃધ્ધને બંધક બનાવી અઢી કરોડની લૂંટ
લૂંટનો ભોગ બનેલા વૃધ્ધના પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ ધરાવે છેઃ તેઓ પરિવાર સાથે રાજકોટ રહે છેઃ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, એસીપી વિજયસિંહ ગુર્જર, ગોંડલ ડીવાયએસપી કે. જી. ઝાલા, રૂરલ એલસીબી, એસઓજી, શાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી : પાંચ લૂંટારાનું પગેરૂ શોધવા, ફુટેજ મેળવવા ટીમો કામે લાગતાં પારડી નજીકના કેમેરામાં શકમંદો નજરે ચડયા : ૭૭ વર્ષના જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ શાપરમાં હાલ બીનખેતીની જમીન વેંચવાનું ચાલુ કર્યુ હોઇ તેની રકમ શાપરના ઘરે જ રાખતાં હતાં અને પોતે પણ અહિ જ રહેતાં હતાં: જીલ્લાભરની પોલીસ કામે લાગીઃ નાકાબંધી કરાવાઇઃ લૂંટારાઓ જાણભેદુ હોવાની શંકાએ પણ તપાસનો ધમધમાટ : ૨ કરોડ ૪૭ લાખ રોકડા, ૭થી ૮ તોલા સોનાના દાગીના અને ૩૨ બોરની રાયફલ, મોબાઇલ ફોન લૂંટી ગયા : મધરાતે ઘટનાથી ખળભળાટ : રાતે દરવાજા તોડી ઘરમાં ઘુસેલા લૂંટારૂઓ પૈકી ઍક વૃધ્ધ જીતેન્દ્રસિંહની છાતી પર ઉભો રહી ગયોઃ બીજા ચારે લૂંટ કરીઃ પછી તેમને રૂમમાં પુરીને ભાગી ગયા

ભોગ બનેલા ગીરાસદાર પરિવારના ભોમી જીતેન્દ્રસિંહ જાડેજા : સનસનાટીભરી લૂંટની ઘટના શાપરમાં જે સ્થળે બની ત્યાંની તસ્વીરો જોઇ શકાય છે. પડકારરૂપ અને ખળભળાટ મચાવતી આ લૂંટની ઘટનાને પગલે રાજકોટ જીલ્લાની સમગ્ર પોલીસમાં દોડધામ મચી ગઇ છે (તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર)
રાજકોટ તા. ૨૦: જીલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં મધરાતે લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. શાપર સ્થિત ગીરાસદાર પરિવારના મોભી એવા ૭૭ વર્ષના વૃધ્ધ શાપરમાં રાતે એકલા ઘરમાં હતાં ત્યારે દરવાજો તોડીને ઘુસી ગયેલા પાંચ બુકાનીધારી લૂંટારૂઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂા. ૨ કરોડ ૪૯ લાખની માલમત્તાની લૂંટ ચલાવી લેતાં સનસનાટી મચી ગઇ છે. લૂંટારાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બાર બોરની પરવાનાવાળી રાયફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં જીલ્લાભરની પોલીસ ભેદ ઉકેલવા કામે લાગી છે. લૂંટની આ ઘટનાને પગલે જીલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે. લૂટારાઓનું પગેરૂ મેળવવા રૂરલ એસઓજી, એલસીબી, શાપર પોલીસ, ગોંડલ ડીવાયએસપીની ટીમો કામે લાગી છે. પારડી નજીક શકમંદો કેમેરામાં કેદ થતાં તપાસ આગળ ધપાવાઇ છે. લૂંટનો ભોગ બનેલા શાપર સ્ટેટના મોભીને લૂંટ કર્યા બાદ લૂંટારા રૂમમાં પુરીને ભાગી ગયા હતાં. તેમણે કોઇપણ રીતે દરવાજો ખોલી બીજા રૂમમાં ધર્મપત્નિનો ફોન હોઇ તેમાંથી રાજકોટ દિકરાને જાણ કરી હતી.
જાણવા મળ્યા મુજબ શાપરમાં રહેતાં ગીરાસદાર પરિવારના મોભી તરીકે નામના ધરાવતાં જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૭૭) રાતે શાપર ખાતેના પોતાના નિવાસસ્થાને એકલા સુતા હતાં ત્યારે રાતે એકાદ વાગ્યે અચાનક તેમના રહેણાંકનો દરવાજો તોડીને પાંચ બુકાનીધારી લૂંટારા અંદર ઘુસી આવ્યા હતાં. જીતેન્દ્રસિંહ અવાજ થતાં જાગી ગયા હતાં. પરંતુ તેઓ કંઇ સમજે એ પહેલા જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢુ દબાવી દીધુ હતું. આ લૂંટારો કંઇપણ બોલ્યો નહોતો. બાકીના ચાર લૂંટારાઓએ ઘરના તિજોરી-કબાટ તોડી નાંખ્યા હતાં અને તેમાંથી રોકડ-દાગીના લૂંટી લીધા હતાં.
લૂંટ ચલાવ્યા બાદ પાંચ બુકાનીધારી લૂંટારા જીતેન્દ્રસિંહ જાડેજાને બાજુના બીજા રૂમમાં પુરી દઇ ભાગી ગયા હતાં. આ પછી જીતેન્દ્રસિંહ કોઇપણ રીતે દરવાજાના બોલ્ટ ખોલીને દરવાજો ખેડવી બહાર આવ્યા હતાં. તેમણે તપાસ કરતાં લૂંટારા કબાટમાંથી રોકડા રૂા. ૨ કરોડ ૪૭ લાખ, ૭થી ૮ તોલા સોનાના દાગીના તેમજ તેમનો મોબાઇલ ફોન અને એક બાર બોરની રાયફલ ગાયબ હતાં.
આ પછી જીતેન્દ્રસિંહ અન્ય એક રૂમમાં ગયા હતાં જ્યાં તેમના પત્નિનો મોબાઇલ ફોન રાખ્યો હોઇ તેમાંથી રાજકોટ ભક્તિનનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતાં પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાને ઘટનાની જાણ કરતાં તેઓ તથા બીજા પરિવારજનો તુરત જ શાપર પહોંચ્યા હતાં અને રૂરલ પોલીસને જાણ કરી હતી.
જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજાને શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ છે અને રીયલ એસ્ટેટના ધંધામાં પણ મોટુ નામ ધરાવે છે. હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ ચાલુ કર્યુ હોઇ તેની રકમ આવે તે શાપર ખાતેના ઘરમાં જ રાખવામાં આવતી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણનું કામ ચાલુ હોવાથી જીતેન્દ્રસિંહ જાડેજા શાપરના આ ઘરે જ એકલા રહેતાં હતાં. તેમના દિકરા સહિતના બીજા પરિવારજનો રાજકોટ રહે છે. જીતેન્દ્રસિંહના ધર્મપત્નિને પણ પગમાં ઓપરેશન હોઇ કેટલાક દિવસથી તેઓ રાજકોટ હતાં. રાતે જીતેન્દ્રસિંહ એકલા જ અહિ હતાં. જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ઘટનાની જાણ થતાં જ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, ગોડલ ડીવાયએસીપી કે. જી. ઝાલા, શાપર પોલીસ ઇન્સપેકટર આર. બી. રાણા, રૂરલ એસઓજી પીઆઇ એસ. એન. પારઘી, રૂરલ એલસીબી પીઆઇ જે. પી. રાવ અને તથા તેમની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ, ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો હતો. રૂરલ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું અને લૂંટારૂઓનું પગેરૂ શોધવા મહેનત આદરી હતી. પારડી નજીક કેટલાક શકમંદ કેમેરામાં કેદ થયાની માહિતી મળતાં તે તરફ તપાસ આગળ વધારાઇ હતી. લૂંટારા રાતે એકાદ વાગ્યા પછી ચાલીને આવ્યા હતાં અને લૂંટ કરીને ભાગી ગયા હતાં.
જીતેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જણાવ્યું હતું કે લૂંટારા કંઇપણ બોલ્યા નહોતાં. બધાએ મોઢે બુકાની બાંધેલી હતી. પોલીસે નાકાબંધી કરાવવા પણ તજવીજ કરી હતી. જીલ્લાભરની પોલીસને એલર્ટ રહેવા સુચના આપી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શાપર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભેદ ઝડપથી ઉકેલવા જીલ્લા પોલીસની તમામ ટીમો કામે લાગી ગઇ છે.
જાણભેદુઓ હોવાની શંકાઃ રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા
રાજકોટઃ જમીન વેîચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃધ્ધ ઍકલા જ અહિ હોવાની વિગતોથી લૂંટારા કદાચ વાકેફ હોઇ તે જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાતી નથી. રેકી કર્યા બાદ ઘટનાઍ અંજામ અપાયાની પણ પુરી શક્યતા છે. લૂંટારાઓને શોધી કાઢવા જીલ્લાભરની પોલીસ ઍસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં ભેદ ઉકેલવા રૂરલ ઍલસીબી, રૂરલ ઍસઓજી અને શાપર પોલીસની ટીમોઍ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૯)
(2:46 PM IST)










