તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
સપ્ટેમ્બર માસનો પૂરવઠાનો જથ્થો અનેક જીલ્લામાં મોડો પહોંચ્યો છેઃ વિતરણની મૂદત ૫ ઓકટોબર સૂધી લંબાવો
આર.ડી.ની સુવિધા પણ ચાલૂ રાખોઃ પૂરવઠામંત્રીને પત્ર પાઠવતુ ફેર પ્રાઇઝ એસો.

રાજકોટ તા.૧: ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસો.ના શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને હિતુભા જાડેજાએ પૂરવઠા મંત્રીને પત્ર પાઠવી સપ્ટેમ્બર-૨૦૨૬ માસનાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળના અનાજના વિતરણની મુદત તા. ૫ ઓક્ટોબર સુધી લંબાવવા તથા રાજ્યમાં ઇસ્યુ કામગીરી સમયસર પૂર્ણ ન થાય ત્યાં સુધી RD (રિમાઇન્ડર ડિસ્ટ્રિબ્યુશન)ની સુવિધા ચાલુ રાખવા માંગણી કરી છે.
પત્રમાં ઉમેર્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર માસના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજના જથ્થાની ઇસ્યુ તથા વિતરણ કામગીરીમાં આ માસ દરમિયાન નોંધપાત્ર વિલંબ જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ગોડાઉન પર અનાજનો જથ્થો તા. ૨૫ સપ્ટેમ્બર બાદ પહોંચ્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે.
ડાંગ, ગીર સોમનાથ, દાહોદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં કેટલાક ગોડાઉન ખાતે તા. ૨૫ બાદ પણ જથ્થો ઇસ્યુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં માત્ર DC (ડિલિવરી ચલણ )બનાવી ઇસ્યુ કામગીરી પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું હોવા છતાં વાસ્તવિક રીતે જથ્થો ગોડાઉનમાંથી રવાના થવાની કામગીરી બાદમાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરિણામે કાગળ પર ઇસ્યુ કામગીરી પૂર્ણ થયેલી દર્શાવાય છે, પરંતુ વાસ્તવિક જથ્થો વિતરણ વ્યવસ્થા સુધી સમયસર પહોંચતો નથી.
આથી, વિનંતી છે કે આ બાબત સીધી રીતે રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોના હિત સાથે સંકળાયેલી હોવાથી, સપ્ટેમ્બર માસના વિતરણ માટે તાત્કાલિક તા. ૫ ઓક્ટોબર સુધી મુદત વધારવા તથા જરૂરી હોય ત્યાં સુધી RD સુવિધા ચાલુ રાખવા અંગે તાત્કાલિક હુકમ કરવા વિનંતી છે
(3:38 PM IST)










