News of Tuesday, 3rd November 2026
ઢેબર રોડ વિસ્તારમાં ગેસના બાટલાઓનું રીફીલીંગ કરી કાળાબજાર કરવાના ગુનામાં સાત આરોપીના જામીન મંજૂર

રાજકોટ, તા.૩: રાજકોટ શહેરના ઢેબર રોડ સાઉથ નહેરુનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એલપીજી ગેસના બાટલાઓનું રિફિલિંગ કરી લાઇસન્સ વિના કાળા બજારમાં વેચાણ કરવાના કૌભાંડમાં પકડાયેલા સાત આરોપીઓને રાજકોટની અદાલતે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ગાંધીનગરની ટીમે દરોડા દરમિયાન ૫૧૪ ગેસ બાટલા સહિત રિફિલિંગના સાધનો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસની વિગત મુજબ એસએમસીની ટીમ રાજકોટમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે નહેરુનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં હરદેવભાઈ કાનાભાઈ ચાવડા, મેરામભાઈ કરશનભાઈ ચાવડા, અમિતભાઈ ધીરુભાઈ ડાંગર સહિતના આરોપીઓ પોતાના માલિકીના તેમજ ભાડાના ગોડાઉનોમાં એલપીજી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા હોવાનું અને લાઇસન્સ વિના કાળા બજારમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૫૧૪ જેટલા ગેસ બાટલા, રિફિલિંગ પાઇપ, ઇલેક્ટ્રોનિક તથા સાદા વજનકાંટા, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં કુલ ૨૦ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫, ૨૮૭, ૫૪, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની કલમ ૩ અને ૭ તથા વિસ્ફોટક અધિનિયમની કલમ ૯(બી)(૧)(બી) હેઠળ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભક્તિનગર પોલીસ મથકમાં બે અલગ-અલગ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેમાં પકડાયેલા સાત આરોપીઓને રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવતા તેમણે જામીન અરજી કરી હતી. આરોપીઓના વકીલોએ દલીલ કરી હતી કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. આરોપીઓને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫ મુજબની નોટિસ આપવામાં આવી ન હોવાનું તેમજ તેમની સામે પ્રથમદર્શનીય પુરાવા ન હોવાનું રજૂ કર્યું હતું.
બીજી તરફ તપાસ અધિકારી અને સરકારી વકીલે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ જામીનનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોની દલીલો તથા પોલીસ પેપર્સ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લીધા બાદ અદાલતે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાતેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ રાકેશ દોશી, સ્તવન મહેતા, નિકુંજ શુક્લા, ગૌતમ ગાંધી, બ્રિજેશ ચૌહાણ, પ્રદીપ પરમાર, નિરંજન ભટ્ટી, નીલરાજ રાણા, અભય લખતરીયા, સનમ શેખ, દીપક રાઠોડ, ક્રુપાબેન મોરી તથા મદદનીશ તરીકે નિશાંત ચાવડા, સત્યજીતસિંહ ઝાલા, ઉત્સવ રાઠોડ, વ્રજેશ મકવાણા, વાસુ વાડોદરિયા તથા અંજલિ વૈષ્ણવ રોકાયા હતા.
રાકેશ દોશી અને સ્તવન મહેતા આરોપીઓના વકીલ
(3:46 PM IST)










