<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ઘનશ્‍યામનગરમાં સાત વર્ષ જુના મનદુઃખમાં ગાળાગાળીઃ દંપતિ પર ઇંટ-પથ્‍થર, કાચથી હુમલોઃ સામા પક્ષે એકને ઇજા

કિંજલબેન વાઘેલાની ફરિયાદ પરથી પાડોશી લાલાભાઇ, તેની બહેન હેતલ, પત્‍નિ કલીબેન, ભાણેજ ભુરી સામે ગુનોઃ લાલા ઉર્ફે આકાશના પિત્રાઇ પરેશભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી કિંજલબેન અને તેના પતિ પંકજભાઇ વાઘેલા વિરૂધ્‍ધ ગુનો દાખલઃ રાત્રે બનાવને પગલે પોલીસને બંદોબસ્‍ત ગોઠવવો પડયો

 

રાજકોટ તા. ૪: કોઠારીયા રોડ પર ઘનશ્‍યામનગરમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં યુવાનને તે રાતે ઘર નજીક પાનની દુકાને પાન ફાકી ખાવા ગયો ત્‍યારે પાડોશી શખ્‍સે છ વર્ષ જુના મનદુઃખને કારણે ગાળો દેતાં આ યુવાનના પત્‍નિ સમજાવવા જતાં ગાળો દઇ રહેલા શખ્‍સે તેને પણ ગાળો દઇ બાદમાં આ પતિ-પત્‍નિ ફરિયાદ કરવા જતાં હોઇ આ શખ્‍સે પોતાની બહેન, પત્‍નિ, ભાણેજ સીહતની સાથે મળી ફરી ગાળો ભાંડી ઇંટ-પથ્‍થરના ઘા કરી કાચની વસ્‍તુથી પરિણીતાને ઇજા પહોંચાડી દેતાં દેકારો મચી ગયો હતો. સામા પક્ષે પણ એકને પથ્‍થરના ઘાથી ઇજા થતાં પોલીસ દોડી ગઇ હતી. આ માથાકુટમાં ત્રણને ઇજા થતાં સામ-સામે ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે  ઘનશ્‍યામનગર-૧૬માં રહેતાં અને ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરતાં કિંજલબેન પંકજભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી પાડોશી લાલાભાઇ કાળુભાઇ સાગઠીયા, તેની બહેન હેતલબેન કાળુભાઇ, પત્‍નિ કલીબેન અને ભાણેજ ભુરીબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

 કિંજલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અને મારા પતિ ઇમિટેશનનું કામ કરીએ છીએ. અમારે સંતાનમાં ત્રણ દિકરી છે. રવિવારે રાત્રીના સાડા દસેક વાગ્‍યે મારા પતિ બહાર દુકાને પાન ફાકી ખાવા નીકળેલ હતા ત્‍યારે અમારી બાજુમાં રહેતા લાલાભાઈ કાળુભાઈ સાગઠીયા મારા પતિને જોઈ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્‍યા હતાં. દેકારો થતાં હું બહાર ગઇ હતી અને તેને ગાળો નહિ બોલવા સમજાવી જે હોય તે સવારે જોઇ લઇશું તેમ કહી માથાકુટ ન કરવા કહ્યું હતું. આમ છતાં લાલાભાઈ જેમ ફાવે તેમ બોલવા લાગેલ જેથી મારા પતિએ મને પોલીસ સ્‍ટેશનને ફરિયાદ કરવા જવું છે તેમ કહેતાં અમે બંને ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળતાં લાલાભાઇ, તેની બહેન  હેતલ કાળુભાઈ, પત્‍નિ કલીબેન, લાલાભાઇની બીજી બહેન કિરણબેનની છોકરી ભુરી સહિતના શેરીમાં ભેગા થઇ અમને ફરી ગાળો દેવા માંડયા હતાં.

ગાળો બોલવાની ના પાડતાં લાલાએ ઉશ્‍કેરાઇ જઇ કાચની ધારદાર વસ્‍તુ લાવી મારા માથામાં મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં. તેની બહેન, પત્‍નિ, ભાણેજ સહિતે પથ્‍થર-ઇંટના ઘા કર્યા હતાં. મને લોહી નીકળતાં હોઇ મારા પતિ ઘરમાં લઈ ગયેલ અને ત્‍યાં દેકારો રાડા રાડીનો અવાજ થતાં આ બધા ભાગી ગયા હતાં. આ પછી અમે પોલીસ સ્‍ટેશને ગયા હતાં. પણ માથામાં તથા હાથમાંથી લોહી નીકળતું હોઇ ૧૦૮ બોલાવી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી.  આ માથાકુટનું કારણ એ છે કે સાત આઠ વર્ષ પહેલાં મારા જેઠ દીપકભાઈ તથા આ લાલાના ભાઈ પરે શ ઉર્ફે દડો સાગઠીયા વચ્‍ચે ઝઘડો થયો હતો.

તેનો ખાર રાખી લાલાભાઇ વારંવાર અમને ગાળો દે છે. ગત રાતે પણ મારા પતિને કારણ વગર ગાળો દીધી હોઇ હું સમજાવવા જતાં મારી સાથે પણ માથાકુટ કરી હતી. બાદમાં બધાએ ભેગા મળી ફરી ગાળો દઇ ઇંટ-પથ્‍થરથા ઘા કર્યા હતાં. તેમજ કાચની વસ્‍તુથી મને ઇજા પહોંચાડી હતી.

સામા પક્ષે ઘનશ્‍યામનગર- ૧૭ આનંદ સર્વિસ સ્‍ટેશન આંબેડકર ભવન પાસે રહેતાં પરેશભાઇ ચંદુભાઇ સાગઠીયા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી કિંજલબેન વાઘેલા અને તેણીના પતિ પંકજભાઇ જીતુભાઇ વાઘેલા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે. પરેશભાઇએ   જણાવ્‍યું છે કે હું મારા ઘર પાસે ગાડી સર્વિસ કરવાનો ધંધો કરુ છું. રાતે સાડા બારેક વાગ્‍યે હું ઘરમાં જમતો હતો ત્‍યારે બહાર દેકારો થતાં હું બહાર જતાં મારા કાકાનો દિકરો આકાશ ઉર્ફે લાલો રસિકભાઇ સાઠીયા મારા ઘરથી એક ઘર પછી રહેતાં કિંજલબેન પંકજભાઇ વાઘેલા સાથે બોલાચાલી કરતો હતો. જેથી હું સમજાવવા જતાં કિંજલબેન તેના ઘરની અગાસીએ જતાં રહ્યા હતાં અને ત્‍યાંથી પથ્‍થરનો ઘા કરતાં મને માથામાં લાગી ગયો હતો. તેણીના પતિ પંકજભાઇએ પણ કાચના અને પથ્‍થરના છુટા ઘા કર્યા હતાં. મને ઘા લાગતાં નીચે પડી જતાં કોઇએ ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી હતી અને ૧૦૮ મારફત મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. મારા કાકાના દિકરા લાલા સાથે થઇ રહેલી માથાકુટમાં હું વચ્‍ચે પડતાં પથ્‍થર, કાચના ઘા કરી મને ઇજા પહોંચાડાઇ હતી.

આ બનાવને પગલે ભક્‍તિનગર પોલીસના સ્‍ટાફે રાતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પીઆઇ જયદિપસિંહ ડી. પરમારની રાહબરીમાં હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવીએ બંને ફરિયાદ દાખલ કરી હતી.

(2:37 PM IST)