તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
સૌરાષ્ટ્રમાં ઘાસચારાની તીવ્ર અછતઃ પશુધન સંકટમાં
ઘાસની કિંમતમાં ઉછાળો, પશુદીઠ રૂા. ૩૦ ની સહાય અપુરતીઃ રાજકોટ સહિતના વિસ્તારોમાં ૧૮૫ ગૌશાળામાં દરરોજ પ૦૦ ટ્રક ઘાસની જરૂરતઃ સરકાર અને ગૌભકતો સાથે મળીને આગોતરૂ આયોજન કરે તેવી અપીલઃ અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી

તસ્વીરમાં ચંદ્રેશભાઇ પટેલ, જયંતીભાઇ નગદિયા, ધીરૂભાઇ કાનાબાર, દેવમુરારી મહારાજ, પ્રતીક સંઘાણી વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૦: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો અને પાલો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઘાસચારાની અછત સાથે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાના કારણે પશુઓની સેવા કરતી સંસ્થાઓ પર આર્થિક ભાર સતત વધી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા વિસ્તારોમાંથી રાજકોટ સહિતના વિસ્તારોમાં સૂકો ઘાસ અને પાલો પહોંચે છે. જોકે હાલની પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં પણ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે. કચ્છમાંથી રાજકોટ તરફ આવતો સૂકો ઘાસ તથા પોરબંદર તરફથી આવતો પાલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ છે. દ્વારકા અને જામખંભાળિયા વિસ્તારમાં પણ પાલાની અછત જોવા મળી રહી છે. પરિણામે રાજકોટની ગૌશાળાઓ અને પાંજરાપોળોને જરૂરી જથ્થામાં ઘાસચારો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૂકા ઘાસચારાના ભાવમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે પશુઓની નિભાવ વ્યવસ્થા વધુ પડકારજનક બની છે.
હાલમાં સૂકા ઘાસચારાના ભાવમાં થયેલા વધારાને કારણે ગૌશાળા અને પાંજરાપોળોની મુશ્કેલી વધી છે. એક તરફ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે અને બીજી તરફ ઊંચા ભાવે પણ પૂરતી માત્રામાં યોગ્ય ગુણવત્તાનો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાઓ માટે પશુઓની દૈનિક જરૂરિયાત પૂરી કરવી સતત આર્થિક પડકાર બની રહી છે.
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો તથા જીવદયાપ્રેમીઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે રિઝર્વ ફોરેસ્ટમાં ઉપલબ્ધ સૂકા ઘાસચારાનો તાત્કાલિક ધોરણે સદુપયોગ કરી જરૂરિયાતમંદ ગૌશાળાઓ અને પાંજરાપોળોને ફાળવવામાં આવે. જો સરકારી તંત્ર પાસે ઉપલબ્ધ સૂકા ઘાસનો જથ્થો સમયસર જરૂરિયાતમંદ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવે તો વર્તમાન ઘાસચારાની અછત દરમિયાન મોટી રાહત મળી શકે છે.
માન્ય પાંજરાપોળો અને ગૌશાળાઓમાં આશ્રય પામેલા દરેક પશુ માટે ઈં ૧૦૦ પ્રતિદિન નિભાવ સહાય તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સહાય માત્ર સંસ્થાને આપવામાં આવતી આર્થિક મદદ નહીં, પરંતુ એક જીવને ઘાસ, પાણી અને જરૂરી સંભાળ પૂરી પાડી તેને ભૂખથી બચાવવાની સહાય તરીકે જોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
ગૌશાળા સંચાલકોના જણાવ્યા મુજબ રાજકોટ સહિતના વિસ્તારોમાં આશરે ૧૮૫ જેટલી ગૌશાળાઓ માટે દરરોજ અંદાજે ૫૦૦ ટ્રક જેટલા ઘાસચારાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. આટલી મોટી જરૂરિયાતને માત્ર વ્યક્તિગત દાન અથવા સંસ્થાકીય પ્રયાસોથી લાંબા સમય સુધી પહોંચી વળવી મુશ્કેલ છે. તેથી સરકાર દ્વારા આગોતરું આયોજન કરીને ઘાસચારાના જથ્થા, વિતરણ અને પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
આ માટે રાજ્યના ૧૮,૧૧૪ ગામોને સક્રિય કરીને પ્રતિ ગામ રૂા. ૧ કરોડનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે આ રકમનો ઉપયોગ પાણી સંગ્રહ, ગૌચર વિકાસ, ઘાસચારા ઉત્પાદન અને પશુધન માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો તથા જીવદયાપ્રેમીઓની સરકાર સમક્ષ મુખ્ય માંગ છે કે રિઝર્વ ફોરેસ્ટમાં ઉપલબ્ધ સૂકા ઘાસનો તાત્કાલિક સદુપયોગ કરવામાં આવે, જરૂરિયાતમંદ ગૌશાળા અને પાંજરાપોળ સુધી સરકારી ઘાસ પહોંચાડવામાં આવે, ઘાસના વધતા ભાવને ધ્યાનમાં રાખીને પશુદીઠ મળતી સરકારી સહાયમાં યોગ્ય વધારો કરવામાં આવે, ઘાસના પરિવહન માટે જરૂરી સહયોગ આપવામાં આવે તથા જિલ્લાવાર ઘાસચારાની જરૂરિયાત મુજબ આગોતરું આયોજન કરવામાં આવે.
આ સાથે સરકાર, જનપ્રતિનિધિઓ, ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો, પશુપાલકો, દાતાશ્રીઓ, સામાજિક સંસ્થાઓ અને સમગ્ર સમાજને સાથે મળીને કામ કરવા અપીલ કરવામાં આવી છે. કારણ કે આ માત્ર ઘાસચારાનો પ્રશ્ન નથી, પરંતુ અબોલ પશુઓના જીવન, પશુપાલકોની આજીવિકા અને સમગ્ર પશુધનના સંરક્ષણ સાથે જોડાયેલો સંવેદનશીલ પ્રશ્ન છે.
સરકાર પાસે સંસાધનો છે અને સમાજ પાસે સેવાભાવ તથા કાર્ય કરવાની શક્તિ છે. બંને સાથે આવે તો ગુજરાતના પશુધનને ઘાસ-પાણીના સંકટમાંથી બચાવી શકાય છે. આ કોઈ વિરોધનું આંદોલન નથી, પરંતુ સરકાર અને સમાજના સહયોગથી પશુધન અને ગામડાંને બચાવવાનું રચનાત્મક રાજ્યવ્યાપી અભિયાન છે. વિશેષ માહિતી માટે મો. ૯૭૧૪૯ ૯૫૯૫૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(2:50 PM IST)










