News of Wednesday, 2nd September 2026
રાજકોટમાં શરદપૂનમે છવાશે શબ્બીર કુમારના સૂરોનું સામ્રાજ્ય
વિખ્યાત ગાયક શબ્બીરકુમારના પુત્ર દિલશાદ ‘અકિલા'ના આંગણે : * શબ્બીર કુમારના પુત્ર દિલશાદ શબ્બીર શેખ દ્વારા ‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' હેઠળ આગામી ૨૫ ઓક્ટોબરે હેમુગઢવી ઓડિટોરીયમમાં ધમાકેદાર આયોજન * પ્રખ્યાત ગાયક શબ્બીર કુમારનો લાઈવ ઇન કોન્સર્ટ *રાજકોટના આંગણે શબ્બીર કુમાર પોતાના સદાબહાર ૩૦ જેટલા ગીતોની રમઝટ બોલાવશે * દિલશાદ શબ્બીર શેખ, એ.આર. રહેમનના આસીસ્ટન્ટ છે તેમની સાથે અનેક કાર્યક્રમો કર્યા છે

રાજકોટ : ૧૯૮૦ ના દાયકામાં જેમના અવાજે અમિતાભ બચ્ચન, સની દેઓલ, ઋષિ કપૂર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને અન્ય કલાકારો માટે અનેક લોકપ્રિય ગીતો આપ્યાં અને તેમનો અવાજ મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબ સાથેની સામ્યતા માટે ખૂબ જાણીતો બન્યો હતો તેવા બોલિવૂડના દિગ્ગજ અને લોકપ્રિય પાર્શ્વગાયક શબ્બીર કુમાર આગામી ૨૫ ઑક્ટોબરના રોજ શરદપૂર્ણિમાની રળિયામણી રાત્રે રાજકોટની સંગીતપ્રેમી જનતાને પોતાના સુરીલા અવાજથી ડોલાવવા આવી રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન તેમના પુત્ર અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર તથા સાઉન્ડ એન્જિનિયર દિલશાદ શબ્બીર શેખ દ્વારા પોતાની નવી ઇવેન્ટ કંપની ‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' હેઠળ કર્યું છે.
દિલશાદ શબ્બીર કુમાર શેખ એ અકિલા ખાતે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૬ વર્ષથી ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન સાથે સિનિયર સાઉન્ડ એન્જિનિયર અને કમ્પોઝર તરીકે જોડાયેલા છે. તેમણે ‘જોધા અકબર', ‘રંગ દે બસંતી', ‘કિસના', ‘બ્લૂ', ‘બટવારા' તેમજ આગામી વિશાળ ફિલ્મ ‘રામાયણ' સહિત અનેક જાણીતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તેઓ ‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' દ્વારા સંગીત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે જેમાં તેમની સાથે ફેશન ડિઝાઇનર સોનાલી સિંઘ પણ સહ-ભાગીદાર તરીકે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' દ્વારા પિતા શબ્બીર કુમારના રાજકોટમાં સૌ પ્રથમ ભવ્ય શોનું આયોજન કરાયું છે.
સંગીતની સફર વિશે પૂછતા દિલશાદજીએ જણાવ્યું કે, નાનપણથીજ રફી સાહેબના ગીતો કાને પડ્યા. પછી પિતાના ગીતો સાંભળીને મોટા થયા. સંગીત ત્યારથી લોહીમાં વસી ગયું. પિતા શબ્બીર કુમાર મારા માટે એક નાનકડુ કિ-બોર્ડ લઇ આવ્યા હતા મેં વગાડવાનું શરૂ કર્યું અને મને ગમ્યું. એ પછી તેમણે મને મોટું કિ-બોર્ડ ગીફ્ટ કર્યું એ રીતે યોગ્ય ટ્રેનિંગ લઇ કિબોર્ડમાં આગળ બધ્યો. ગાયનમાં એટલો શોખ નહતો પણ કિબોર્ડ વગાડવા તરફ વધુ ઝુકાવ હોય મ્યુઝિક કમ્પોઝર તરીકે આગળ વધ્યો. દિલશાદ શબ્બીર શેખ જણાવે છે, વર્ષ ૨૦૦૩માં એ.આર. રહેમાનને પિતાજીએ જમવા આમંત્રણ આપેલું ત્યારે તેમને મેં કિબોર્ડ વગાડી અને કમ્પોઝીશન સંભળાવ્યું એ તેમને ગમ્યું અને મને સુભાશ ઘાઇના સ્ટુડિયોમાં બોલાવ્યો ત્યારે ફિલ્મ કિસનાનું બેકગ્રાઉન્ડ સંગીતનું રેર્કોડિંગ ચાલતુ હતુ તેમાં મને તેમણે તક આપી. પછીતો ઘણી ફિલ્મો એ.આર. રહેમાન સાથે કરી. આગળ જતા દિલશાદ શબ્બીર શેખ રહેમનના આસીસ્ટન્ટ બન્યા. વિદેશોમાં ટુર પણ કરી.
‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' શરૂ કરવા અંગે દિલશાદ શેખએ કહ્યું, મારે કંઇક અલગ કરવું હતું. મારી ઇચ્છા શો ઓર્ગેનાઇઝ કરવાની હતી. રહેમાન સાથે અને પિતા સાથે ઘણા શો કર્યા અને ગીતો પણ ગાયા પણ પોતાનો શો ઓર્ગેનાઇઝ કરવાની ઇચ્છા થઇ અને દિલશાદ પરથી ‘દિલ સે એન્ટરટેઇનમેન્ટ' શરૂ કર્યું. સાથે સોનાલી સિંઘ સપોર્ટીંગ પાર્ટનર તરીકે જોડાયા જેમના પિતા સુભાષ સિંઘ બોલીવુડના બહુ મોટા મેકઅપ આર્ટીસ્ટ છે તેઓ જોડાયા છે. તેઓ પણ સારા ફેશન ડિઝાઇનર છે. તેમણે અનેક ફિલ્મોમાં ફેશન ડિઝાઇન કર્યા છે. મુંબઇમાં હેમા માલીનીના ૬૦ વર્ષ નીમિતે એક શો યોજાયો હતો જેમાં ‘દિલ સે એન્ટરટેઇનમેન્ટ' સપોર્ટીંગ પાર્ટનર તરીકે જોડાયા હતા.
રાજકોટમાં પ્રથમ શો કરવાનું કારણ શો? દિલશાદજી કહે છે, રાજકોટ એક તો ખુબજ સંગીત પ્રિય શહેર છે. અહિં સંગીતની ઘણી સંસ્થાઓ આવેલી છે. ઉપરાંત ઘણા સમયથી રાજકોટથી શબ્બીર કુમારને કાર્યક્રમ માટે ઓફર આવતી હતી પણ કોઇને કોઇ કારણોસર તે શકય ન બન્યું એટલે અમે ‘દિલ સે એન્ટરટેઇનમેન્ટ' ના નેજા હેઠળ પહેલો કાર્યક્રમ શબ્બીર કુમારનો અને એ પણ રાજકોટમાં આપવા જઇ રહ્યા છીએ. ૨૫ ઑક્ટોબરે રાજકોટના આંગણે શબ્બીર કુમાર પોતાના સદાબહાર ૩૦ જેટલા ગીતોની રમઝટ બોલાવશે. જેમાં કાર્યક્રમના પહેલા ભાગમાં રફી સાહેબના ગીતો અને બીજા ભાગમાં શબ્બીર કુમારના હિટ ગીતો રહેશે. ઓરકેસ્ટ્રા રાજકોટનું જ રહેશે જેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
રાજકોટમાં પ્રથમ શો આપ્યા બાદ અમદાવાદમાં કાર્યક્રમ યોજાઇ શકે છે. ત્યારબાદ દુબઇમાં શબ્બીર કુમાર અને કુમાર શાનુનો શો યોજાવાનો છે. આ ઉપરાંત મુંબઈમાં બોલિવૂડના દિગ્ગજ ગાયકોના સંતાનોને એક મંચ પર લાવતો વિશેષ કોન્સેપ્ટ શો ‘જેન-ઝી ઓફ લેજન્ડ્સૅ રજૂ કરવામાં આવશે જેમાં સુમિત કુમાર (કિશોર કુમારના પુત્ર), સના અઝીઝ (મોહમ્મદ અઝીઝની પુત્રી), માહી (શાનના પુત્ર), નીલ નીતિન મુકેશ, સિધ્ધાર્થ ભોંસલે (સુદેશ ભોંસલેના પુત્ર) અને દિલશાદ શબ્બીર કુમાર એકસાથે પરફોર્મ કરશે.
નોંધનીય બાબત એ છે કે રાજકોટના પ્રોગ્રામમાં શબ્બીર કુમારની દીકરીની દીકરી એટલે કે દોહિત્રી ‘શિફા રૂબી' કે જે ખુબજ સારી ગાયિકા છે જેણે એ.આર.રહેમાન, સુખવિંદર સિંઘ વગેરે સાથે ગીતો ગાયા છે તે પણ ગીતો ગાઇ સાથ આપશે. ખાસ વાત એ છે કે,‘રાત' ગીત જે ખુબ લોકપ્રિય થયું છે જેમાં શબ્બીર કુમારે પહેલીવાર ગીતો લખ્યા છે, દિલશાદ શેખ દ્વારા કમ્પોઝ કરાયા છે અને શિફા દ્વારા ગવાયા છે એટલે ત્રણ પેઢીએ એક સાથે કલા રજુ કરી છે. આગામી તા. ૨૫ ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે શબ્બીર કુમારનો ભવ્ય લાઇબ ઇન કોનસર્ટ યોજાશે. જેનું આયોજન તેમના પુત્ર દિલશાદ શેખ ‘દિલ સે એન્ટરટેઈનમેન્ટ' દ્વારા કરી રહ્યા છે. રાજકોટમાં આ ઐતિહાસિક સંગીતમય સાંજને માણવા માટે સંગીત રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (૩૬.૧૧)
મંચ પર જ મનાવાશે શબ્બીર કુમારનો જન્મદિન
શબ્બીર કુમારે અનેક દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું. જેમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આર.ડી. બર્મન, કલ્યાણજી-આણંદજી, ઉષા ખન્ના, બપ્પી લાહિરી, અનુ મલિક, રાજેશ રોશન, રવિન્દ્ર જૈન, નદીમ-શ્રવણ, આનંદ-મિલિંદ, જતિન-લલિત વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટમાં તેમના ગીતો ગુંજી ઉઠશે ત્યારે રાજકોટવાસીઓ માટે વધુ એક સરપ્રાઇઝ પણ મળશે જેમાં ૨૬ ઑક્ટોબરે શબ્બીર કુમારનો જન્મદિન હોવાથી ૨૫મીની મધ્યરાત્રિએ સ્ટેજ પર જ તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાશે. આ અગાઉ ૧૯૯૦માં યુએસએ ખાતે સ્ટેજ પર તેમનો જન્મદિન ઊજવાયો હતો. ત્યારબાદ વર્ષો પછી આ લ્હાવો રાજકોટને મળશે. દિલશાદ શેખ જણાવે છે કે, પિતા શબ્બીર કુમાર અને સ્વ. માતા મહેતાબનો જન્મદિવસ એકજ દિવસે આવે છે. હવે માતા તો હયાત નથી એટલે પિતા શબ્બીર કુમારનો ૭૨મો જન્મદિવસ પણ સંગીતપ્રેમી રાજકોટવાસીઓ વચ્ચે ઉજવાશે અને એ પણ ગીતોની રમઝટ સાથે.
ઉત્કળષ્ટ પેઇન્ટર અને સ્કેચ આર્ટિસ્ટ પણ છે શબ્બીર કુમાર..!
શબ્બીર કુમાર એક ગાયકની સાથે એક ઉત્કળષ્ટ પેઇન્ટર અને સ્કેચ આર્ટિસ્ટ પણ છે. તેમની આ અજાણી કળા વિશે યાદ કરી દિલશાદજીએ એક કિસ્સો જણાવ્યો હતો. શબ્બીર કુમારના સંઘર્ષના સમયમાં તેઓને એક સમયે મહોમ્મદ રફી સાહેબને મળવાની ઇચ્છા હતી. તેઓ એક સ્ટુડિયોમાં જઇ ચડ્યા જ્યાં રફી સાહેબ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. એ સમયે તેમના કોઇ ઓળખીતા વાયોલીન વાદકે તેમને સ્ટુડિયોમાં અંદર જઇ એક જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરી આપી. એ વખતે શબ્બીર કુમાર હંમેશા પોકેટ ડાયરી અને પેન્સીલ સાથે રાખતા તેમને સ્કેચ બનાવવાનો જબરો શોખ હતો. મોહમ્મદ રફી સાહેબ રેર્કોડિંગ કરતા હતા એ સમયે શબ્બીર કુમારે ડાયરી કાઢી રફી સાહેબનો સ્કેચ બનાવ્યો. રફી સાહેબ રેકોર્ડીં પુરૂ કરી બહાર આવ્યા ત્યારે તેમનો જીવંત સ્કેચ બનાવીને તેમની સામે ધરી દીધો. એ સમયે પહેલીવાર તેઓ રફી સાહેબને મળ્યા અને પોતાનું સ્કેચ જોઇ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શબ્બીર કુમારે જવાહરલાલ નેહરુ, સલમાન ખાન અને દિલીપ કુમાર જેવા દિગ્ગજોના બનાવેલા મૂળ સ્કેચ પણ તેમણે સાચવી રાખ્યા છે
(2:56 PM IST)










