તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોના અસંતોષનો પડધોઃ સંઘર્ષ નિવારવા સાંજે અધિકારીઓ સાથે સંકલન બેઠક
પ્રજાકીય કાર્યોમાં કેટલાય અધિકારીઓ પ્રતિસાદઆપતા નથી તેવી સભ્યોની ફરીયાદના પગલે સંઘર્ષ નિવારવા ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખની સંયુકત બેઠક યોજતા પ્રમુખ સંજય પીપળિયાઃ તમામ સભ્યોને તેડું: જરૂર પડયે ગાંધીનગર ‘અવાજ' પહોંચાડાશે.

રાજકોટ, તા. ૨૩: જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખે શાસન સંભાળ્યાના છ મહિના પણ પુરા નથી થયા ત્યાં વહીવટી પાંખ સાથે સંઘર્ષના એંધાણ દેખાવા લાગ્યા છે. ભાજપના ચૂંટાયેલા ૩૪ પૈકી મોટાભાગના સભ્યોએ કેટલાય ઉચ્ચ અધિકારીઓ લોકોના પ્રશ્નોની રજૂઆતનો સાનુકૂળ જવાબ ન આપતા હોવાની ફરિયાદ કરતા વહીવટી તંત્ર સાથેનો સંઘર્ષ નિવારવા અને વિકાસ કામોને વેગ આપવા જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાએ આજે સાંજે ૪ વાગે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાખની સંયુક્ત બેઠક યોજી છે .
આ બેઠકમાં અમુક મુદ્દે ગરમાગરમી થાય તેવી શકયતા નકારાતી નથી .અમુક સભ્યો જે તે અધિકારીના નામ જોગ રજૂઆત કરવાની તૈયારીમાં છે. પ્રમુખે પંચાયતના તમામ સભ્યોને આમંત્રણ આપ્યાના વાવડ છે .
જિલ્લા પંચાયતમાં ભાજપ તોતીંગ બહુમતીથી સત્તા પર છે. લોકોના પ્રશ્નો માટે સભ્યો દ્વારા અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત થતી રહે છે. ઘણા સભ્યોનું કહેવું એમ છે કે કેટલાય અધિકારીઓ અમને ગણતા જ નથી.અમારા પ્રશ્નનો પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. અમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોના કામ ન કરાવી શકીએ તો લોકો વચ્ચે જવાનું મુશ્કેલ બની શકે છે. ગ્રામ પંચાયતો અને સરપંચની ચૂંટણી નજીક આવી રહી છે .૨૦૨૭ના વર્ષમાં ધારાસભાની ચૂંટણી છે આ બધું ધ્યાને રાખીને પંચાયતનું તંત્ર વ્યવસ્થિત ચાલે તે જરૂરી છે.
સભ્યોએ પ્રમુખને થોડા દિવસ પહેલા અસંતોષ ભરેલી રજૂઆત કરેલ. તેના અનુસંધાને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષે આજે ડીડીઓ ત્રણેય ડેપ્યુટી ડીડીઓ અને શાખા અધિકારીઓને હાજર રહેવા જણાવી તમામ સભ્યોની સંયુક્ત બેઠક યોજેલ હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં કોઈ અધિકારી કોઈ સભ્યને ઓળખતા હોય ન તો પરિચય કરાવવા તેમજ તેમને ફોનમાં રૂબરૂ અને લેખિત રજૂઆતનો યોગ્ય પ્રતિભાવ આપવા સૂચના અપાશે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે અસંતોષ વધે તો સંઘર્ષના મંડાણ થઈ શકે .જેનાથી પંચાયતની કામગીરી અને શાસક પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે આવી સંભવિત પરિસ્થિતિ નિવારવા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી નિખાલસ ચર્ચા કરી લેવાનું નક્કી કર્યું છે.
જિલ્લા પંચાયતના કયા સભ્યોની કઈ ફરિયાદમાં કેટલું તથ્ય છે તેની પણ આજની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. ફરિયાદ કરનાર સભ્યો અને જેની સામે ફરિયાદ હોય તે અધિકારીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાશે. જિલ્લા પંચાયતમાં અધિકારીઓને ચૂંટાયેલા સભ્યો સંકલનથી કામ કરી વિકાસને આગળ વધારે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અમુક સભ્યોએ જરૂર પડે તો ગાંધીનગર સુધી પોતાની હૈયાવરાળ ઠાલવવાની તૈયારી રાખ્યાનુ બહાર આવેલ છે. સાંજની બેઠકમાં સાનુકૂળ વાતાવરણ સર્જાય તે માટે બંને તરફથી કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે.
દરમિયાન આ બાાબતે જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાને પુછતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અધિકારીઓ અને ચુંટાયેલા સભ્યો વચ્ચે સંકલન જળવાઇ રહે અને વિકાસ કામોને વધુ વેગ મળે તથા કોઇ સભ્યોને કોઇ અધિકારી વચ્ચે પરિચય ન હોય તો પરિચય થાય તે હેતુથી આજની બેઠક બોલાવામાં આવી છે. કોઇ સભ્ય કે અધિકારી વચ્ચે કંઇ ગેરસમજણ હશે તો દુર કરવા પ્રયાસ કરાશે.
પ્રમુખ સંજય પીપળિયા
(3:27 PM IST)










