તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ. ૪,૮૭,૦૫૦ના ગાંજા સાથે બિહારનો શૈલેન્દ્રસિંહ અને મોરબીનો આરીફ પકડાયા : જુઓ વિડીયો
દિવાળી તહેવાર ટાણે 'SAY NO TO DRUGS' અભિયાન અંતર્ગત રેલવેના ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઈ બી.જે. જાડેજા અને ટીમની કામગીરી મોરબી રહેતા આરીફની અનેક ગુનાઓમાં સંડોવણી

રાજકોટ: શહેર રેલવે પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવાળી તહેવારોના અનુસંધાનમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે "SAY NO TO DRUGS" અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવે) ગુજરાત રાજ્ય અમદાવાદના કે. એન. ડામોર, પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદના યશપાલ જગાણીયા તથા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી પ.રે. રાજકોટના એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર બી. જે. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સવારે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર હાજર હતા. તે દરમિયાન બાતમીના આધારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૧/બી જામનગર તરફના છેડા પાસેથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં શૈલેન્દ્રકુમાર ધરમવિર કુશવાહા (ઉ.વ.૩૩, ધંધો, સવીનો સિરામિક કંપનીમાં સુપરવાઈઝર, મોરબી, મૂળ રહે. ગામ પીપરાઠ, પોસ્ટ કડસર, તા. નવા નગર, જી. બક્સર, રાજ્ય બિહાર) અને આરિફ આલમશા સાયદ (ઉ.વ.૩૩, ધંધો: રીક્ષા ડ્રાઈવીંગ, રહે. ફુલગલી ખાટકીવાસ કુબેરનાથ રોડ મોરબી, તા.જી.મોરબી) નો સમાવેશ થાય છે. આ પૈકી આરોપી આરિફ આલમશા સાયદ વિરુદ્ધ અગાઉ જૂનાગઢ શહેર બી-ડીવી., મોરબી તાલુકા, વાંકાનેર શીટી અને મોરબી શીટી બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં ખૂનના પ્રયાસ (કલમ-૩૦૨) તેમજ પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસની રેડ દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી ૮.૭૫૦ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, જેની કિંમત રૂ. ૪,૩૭,૪૦૦થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસેથી રૂ. ૧૭,૦૦૦ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન અને રૂ. ૩૨,૫૫૦ની રોકડ રકમ મળીને કુલ રૂ. ૪,૮૭,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એમ. રાણા, પો.સબ ઇન્સ્. બી. જે. જાડેજા તથા કે.યુ. વાળા, પો.હેડ કોન્સ. જયવિરસિંહ વનરાજસિંહ, યશપાલસિંહ કીરીટસિંહ, વિપુલ નરસંગ, પો.કોન્સ. દેવેન્દ્ર રામ તથા સાગર સુભાષ તેમજ ANTF સ્કવોડના હેડકોન્સ. જયેશભાઈ અને કોન્સ. બિહારીદાન દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ FSL અધિકારી સમીર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેસમાં આગળની વધુ તપાસ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્. કે.યુ. વાળા ચલાવી રહ્યા છે.
(9:41 PM IST)










