<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

શાપરને સ્‍વતંત્ર નગરપાલિકા જોઇએ છેઃ વેરાવળને રાજકોટ સાથે જોડાવાની ઇચ્‍છાઃ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં દરખાસ્‍ત

તા.ર૧ મીની સામાન્‍ય સભા માટે હજુ સુધી કોઇ સભ્‍યનો પ્રશ્ન નહિ : સોમવાર સુધી પ્રશ્ન પૂછી શકશે

રાજકોટ, તા.૧૦: જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા તા.૨૧મીએ સવારે ૧૧.૩૦ વાગ્‍યે પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળિયાની અધ્‍યક્ષતામાં મળનાર છે. નવા શાસકોએ શાસન સંભાળ્‍યા પછી પ્રશ્નોતરી સાથેની પ્રથમ સામાન્‍ય સભા  આવી રહી છે. નિયમ મુજબ સામાન્‍ય સભા પૂર્ર્વના ૭ દિવસ સુધી એટલે કે આ વખતે તા.૧૪ સપ્‍ટેમ્‍બર સુધી ચૂંટાયેલા સભ્‍યો પ્રશ્નો પૂછી શકે છે.

આજે બપોર સુધીમાં કોઇ સભ્‍યોએ કોઇ પ્રશ્ન રજુ કરેલ નથી  છેલ્લા એક-બે દિવસમાં અમૂક સભ્‍યોનાં પ્રશ્નો આવવાની શકયતા છે. શાપર-વેરાવળ ગ્રામ પંચાયતના ઠરાવ અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે.

સામાન્‍ય સભામાં જુદી જુદી સમિતિઓની બેઠકમાં થયેલ કાર્યવાહી બહાલી માટે રજુ થશે ૧૫માં નાણાપંચના જિલ્લા કક્ષાના આયોજન અને ૧૬માં નાણાપંચના જિલ્લા કક્ષાના આયોજન અંગે ચર્ચા થશે.

જાણવા મળેલ વિગત મુજબ શાપર-વેરાવળન અલગ-અલગ અથવા સંયુકત નગરપાલિકાનો દરજજો આપવાની વાત લાંબા સમયથી ચાલે છે. શાપર ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજજો મેળવવા ઠરાવ કર્યો છે. વેરાવળ ગ્રામ પંચાયતે રાજકોટ શહેર સાથે જોડાવાની તરફેણ કરી છે. બન્ને ગ્રામ પંચાયતોના ઠરાવ પછી કોટડાસાંગાણી તાલુકા પંચાયતે પસંદગીના વિકલ્‍પો (સંયુકત અથવા સ્‍વતંત્ર નગરપાલિકા) આપતો ઠરાવ કર્યો છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ઠરાવ પછી જિલ્લા પંચાયતનો ઠરાવ થવો જરૂરી છે. જિલ્લા પંચાયતમાં તા. ર૧ સપ્‍ટેમ્‍બરે સામાન્‍ય સભા મળનાર છે. તેના એજન્‍ડામાં ૯.ર ક્રમ પર આ દરખાસ્‍ત છે. શાપર અને વેરાવળ ગ્રામ પંચાયતના ઠરાવ અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે જિલ્લા પંચાયતનો ઠરાવ રાજય સરકારમાં મોકલાશે. બન્ને ગ્રામ પંચાયતના ભાવિ દરજજા અંગે  સરકાર કક્ષાએ નિર્ણય કરવા પાત્ર છે.

(3:36 PM IST)