તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
કોઠારીયા રોડની મારૂતિ સોસાયટીમાં શિલ્પાબેન મકવાણાનો ઝેર પી આપઘાત
ચાર મહિના પહેલા જ દિકરા-દિકરીના લગ્ન કર્યા હતાં: પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ પર આવેલી સોસાયટીમાં રેહતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ચાર મહિના પહેલા જ આ પરિવારમાં દિકરા-દિકરીના લગ્નની શરણાઇઓ ગુંજી હતી. અચાનક જ મહિલાએ આ પગલુ ભરી લેતાં પરિવારનો માળો વેરણ છેરણ થઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સેલીબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ મારૂતિ સોસાયટીમાં રહેતાં શિલ્પાબેન સુભાષભાઇ મકવાણા (ઉ.વ.૪૭) નામના મહિલાએ સાંજે સાતેક વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. સાંજે આડોશી પાડોશી મહિલાઓ ઘરની ડેલી પાસે બેઠા હતાં. બાદમાં શિલ્પાબેન ઘરમાં ગયા હતાં અને થોડીવારમાં જ ઉલ્ટી ઉબકા કરતાં બહાર આવ્યા હતાં. ઘરના સભ્યોને જાણ થતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જો કે ટુંકી સારવારને અંતે મોડી રાતે શિલ્પાબેને દમ તોડી દીધો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરી હતી. આપઘાત કરનાર શિલ્પાબેનને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. આ બંનેના હજુ ચાર મહિના પહેલા જ લગ્ન કરાવ્યા છે. શિલ્પાબેનના પતિ બસ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. કલેશને કારણે તેમણે આ પગલુ ભર્યુ કે અન્ય કારણે? તેની તપાસ આજીડેમ પોલીસે હાથ ધરી છે.
(2:29 PM IST)










