તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
વ્યાજખોરીમાં ફસાઇ જવાથી શિવમ્ પાર્કના કારખાનેદાર સંદિપભાઇએ ફિનાઇલ પીધુંં
ચારેક લોકો પાસેથી ધંધાના કામે દસથી બાર લાખ લીધા હતાં: એક વર્ષથી વ્યાજ ભરે છે, હવે રકમ ચુકવી ન શકતાં ટેન્શનને લીધે ઘરેથી નીકળી અટલ સરોવર પાસે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૨: વ્યાજખોરીમાં ફસાઇ જતાં રામાપીર ચોકડી પાસે શિવમ્ પાર્કમાં રહેતાં કારખાનેદારે અટલ સરોવર પાસે જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયા છે. ૧૦થી ૨૦ ટકા લેખે ચારેક શખ્સો પાસેથી દસથી બાર લાખ લીધા બાદ તે એકાદ વર્ષથી નિયમીત વ્યાજ ચુકવતાં હતાં. હાલમાં વ્યાજ ચુકવી શકતાં ન હોઇ તેના ટેન્શનમાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ રામાપીર ચોકડી નજીક ધર્મેશ્વર મહાદેવર મંદિર પાસે શિવમ્ પાર્ક-૪માં રહેતાં સંદિપભાઇ જનકભાઇ પોપટ (ઉ.વ.૩૯) નામના કારખાનેદાર યુવાને સાંજે અટલ સરોવર પાસે જઇ ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
સંદિપભાઇ ત્રણ ભાઇમાં મોટા છે અને સંતાનમાં બે દિકરી છે. તેમને હરીપર પાળ ગામે ઘઉના લોટ પેકીંગની ફેકટરી છે. સંદિપભાઇએ જણાવ્યું હતું કે ધંધાના કામે એક વર્ષ પહેલા અલગ અલગ ચારેક જણા પાસેથી દસથી બાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. એક વર્ષથી તે આ લોકોને દસથી વીસ ટકા વ્યાજ ભરતા આવ્યા છે. હાલમાં વ્યાજ ભરી શકાય તેવી હાલત ન હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. જો કે વ્યાજ માટે કોઇ તરફથી ધાકધમકી મળી હોવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:19 PM IST)










