તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
નાસ્તો કરવા આવેલા ૪ શખ્સોનો દૂકાનદાર અને તેના મિત્ર પર પથ્થર-ગ્લાસથી હુમલો
લોધાવાડ ચોકમાં હરિયોગી લાઇવ પફ નામની ગોૈરવ રૂપારેલીયાની દુકાનમાં બનાવ : દૂકાન અંદર સિગારેટ પીવાની ના પાડતાં ડખ્ખોઃ રામનગરના કરણ ઉનડકટની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૮: લોધાવાડ ચોકમાં આવેલી એક લાઇવ પફ-નાસ્તાની દુકાને વહેલી સવારે નાસ્તો કરવા આવેલા ચાર અજાણ્યા શખ્સોને દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને દુકાનદાર અને તેની સાથે કામ કરતાં તેના મિત્ર પર પથ્થર અને સ્ટીલના ગ્લાસ વડે હુમલો કરતાં બંનેને ઇજાઓ થઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ પીડીએમ પાછળ રામનગર-૧માં ક્રિષ્ના મકાનમાં રહેતાં કરણ હરિશભાઇ ઉનડકટ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કરણ પરિવાર સાથે રહે છે અને તેના મિત્ર ગોૈરવ પ્રકાશભાઇ રૂપારેલીયાની લોધાવાડ ચોક ખાતે હરિયોગી લાઇવ પફ નામની નાસ્તાની દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવે છે. કરણે ફરિયાદમાં જણાવ્યું છે કે ૭મીએ વહેલી સવારે આશરે સાડા ત્રણેક વાગ્યે પોતે અને તેનો મિત્ર ગૌરવ દુકાને હાજર હતા. આ સમયે સિલ્વર કલરના એક્સેસ મોટરસાયકલ પર ચાર અજાણ્યા શખ્સો નાસ્તો કરવા આવ્યા હતા. તેઓએ બે મેગી, ત્રણ પફ અને ત્રણ કોલ્ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મુજબનો નાસ્તો આપ્યા બાદ બે શખ્સોએ કાઉન્ટર પાસે આવીને સિગારેટ પીવા માટે માચીસ માંગી હતી.
કરણએ દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા જ ચારેય શખ્સો ગાળો ભાંડી ઝગડો કરવા લાગ્યા હતા. આથી ગોૈરવે વચ્ચે પડી ઝઘડો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે એક શખ્સે ઉશ્કેરાઇ કરણને ઝાપટ મારી લીધી હતી. બાદમાં ચારેય શખસોએ મળી કરણ અને ગોૈરવને ઢીકપાટુનો મા માર્યો હતો. આ પછી એક શખ્સ દુકાનની બહારથી મોટો પથ્થર લાવ્યો હતો અને કરણના માથામાં ફટકારી દીધો હતો, જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યારે બીજા એક શખ્સે પાણીના જગ પર રાખેલો સ્ટીલનો ગ્લાસ ઉપાડીને કરણ અને ગોૈરવ બંનેના માથાના ભાગે ઘા ઝીંકી દીધા હતાં.
હુમલા બાદ ચારેય અજાણ્યા શખ્સો પોતાના એક્સેસ પર બેસીને ત્યાંથી નાસી છૂટયા હતા. હુમલામાં કરણને માથામાં, જમણા હાથ અને ડાબા ગાલના ભાગે મૂંઢ ઈજા થઈ હતી. જ્યારે ગૌરવને માથામાં તેમજ પીઠ અને બંને પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકો ભેગા થઇ ગયા હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી જતાં સારવાર માટે ખસેડાયા હતાં. સારવાર બાદ હવે ફરિયાદ નોંધાવતાં એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. પી. જી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:40 PM IST)










