News of Friday, 15th May 2026
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે રાજકોટમાં યુપીએસસી - જીપીએસસી ફ્રી ગાઇડન્સ સેમિનાર
તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે : સર્વજ્ઞાતિના ધો. ૧ર પાસ અને કોલેજના વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ ર૦૧૦ થી યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગો નિષ્ણાત ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના લોકો માટે ચાલી રહેલ છે અને અત્યાર સુધી આશરે રપ૦૦થી વધારે યુવક-યુવતીઓ સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરીમાં સેવારત છે. ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (એસપીસીએફ, રાજકોટ) દ્વારા નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના ધો. ૧ર પાસ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેના ફ્રી સેમીનારનું તા. ૧૭ રવિવારના રોજ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (એસપીસીએફ), માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, ન્યુ ચંદ્રનગર મેઇન રોડ, મવડી, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ માર્ગદર્શક સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ શ્રી હેતલબેન પટેલ, (ડીસીપી રાજકોટ શહેર) શ્રી ભાવિનભાઇ કથીરીયા (ડેપ્યુટી કલેકટર, પોરબંદર) શ્રી નિલેશભાઇ ઘેટીયા (પોલસ ઇન્સ્પેકટર), શ્રી તેજ બાણુગરીયા (સર્કલ ઓફિસર, રાજકોટ તાલુકા) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે.
જેમાં સિવિલ સર્વિસીઝની તૈયારી શરૂ કરવાનો યોગ્ય સમય કયો? શા માટે કોલેજ સમયથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી જોઇએ ? યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી સાથે થઇ શકે કે અલગ ? સિવિલ સર્વિસીઝમાં કયા હોદ્દાઓનો સમાવેશ થાય ? વગેરે જેવા પ્રશ્નોનું સમાધાન આ માર્ગદર્શક સેમિનારમાં મળશે. તે ઉપરાંત, સૌ વિદ્યાર્થીઓને માહિતી પુસ્તીકા તેમજ યુપીએસસી, જીપીએસસી અભ્યાસક્રમનો સિલેબસ પણ આપવામાં આવશે. આ નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
જેમાં મો. ૭૦૬૯૯ર૯ર૯પ, ૭૪૮૬૦૩૯૩૪૪ નેબર પર વિદ્યાર્થીનું પુરૂ નામ અને યુપીએસસી, જીપીએસસી સેમિનાર લખીને વ્હોટસએપ મેસેજ કરવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી ભરતીઓના સંદર્ભે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અર્થે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજમાં રાહત દરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ, સમૃદ્ધ લાઇબ્રેરી, તેમજ આધુનિક સગવડ સાથેના કલાસરૂમ ફુલ ટાઇમ રીડીંગ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં શ્રી જી. એલ. રામાણી (માનદ મંત્રી), શ્રી વિજયભાઇ શિયાણી (સહમંત્રી) શ્રી પીનલબેન સાવલીયા (એકેડેમીક સભ્ય), શ્રી ભાલાળા નિરવ (એકેડેમીક મેનેજર) નજરે પડે છે. (તસ્વીર : અભિજિત બગથરીયા).
(3:11 PM IST)










