<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દુકાન કપાતમાં ગઈ હોવાથી નિયમ મુજબ આવાસ મળ્‍યું: ગેરરીતિના આક્ષેપો ખોટાઃ દક્ષાબેન વસાણી

નટરાજનગર ઝૂંપડપટ્ટી વિસ્‍તાર ખાલી કરાવતી વખતે દુકાન કપાતમાં જતાં મનપાએ ડેપ્‍યુટી મેયરને રાજીવ આવાસ યોજનામાં ક્‍વાર્ટર ફાળવ્‍યુ હતુ

રાજકોટ તા.૧૮: નટરાજનગર ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં આવાસ યોજના બનાવવા માટે વિસ્‍તાર ખાલી કરાવવામાં આવ્‍યો ત્‍યારે પોતાની દુકાન કપાતમાં ગઈ હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામેના વિસ્‍તારમાં આવેલી રાજીવ આવાસ યોજનામાં ક્‍વાર્ટર ફાળવવામાં આવ્‍યુ હોવાનું ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણીએ સ્‍પષ્ટ કર્યું છે. તેમણે આવાસની ફાળવણી અંગે થઈ રહેલા ગેરરીતિના આક્ષેપોને ખોટા ગણાવ્‍યા છે.

દક્ષાબેન વસાણીના જણાવ્‍યા અનુસાર નટરાજનગર વિસ્‍તારમાં તેઓએ ૨૦૦૧માં દુકાન લીધી હતી. મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૨માં આવાસ યોજનાની કામગીરી માટે વિસ્‍તાર ખાલી કરાવવામાં આવ્‍યો. ત્‍યારે તેમની દુકાન પણ કપાતમાં આવી હતી. તેના બદલામાં મહાનગરપાલિકા દ્વારા સામેના રોડ પર આવેલી રાજીવ આવાસ યોજનામાં ૨૦૧૫માં ક્‍વાર્ટર ફાળવવામાં આવ્‍યુ હતું.

દક્ષાબેનનું કહેવું છે કે, તેમણે કોઈ ખોટી રીતે કે એકથી વધુ લાભ મેળવવાના હેતુથી આવાસ મેળવ્‍યુ નથી. દુકાન કપાતમાં જવાના બદલામાં જ મનપાની પ્રક્રિયા અંતર્ગત આવાસની ફાળવણી કરવામાં આવી હતી. આથી તેમણે ગેરરીતિથી આવાસ મેળવ્‍યો હોવાના દાવા હકીકતવિહોણા હોવાનું જણાવ્‍યું હતું.

તેમણે વધુમાં જણાવ્‍યું કે, આવાસ ફાળવણી સંબંધિત હકીકતો અને તે સમયની મનપાની કાર્યવાહી ચકાસવામાં આવે તો સમગ્ર બાબત સ્‍પષ્ટ થઈ શકે છે. પોતાના તરફથી કોઈ માહિતી છુપાવવામાં આવી નથી અને દુકાન કપાતમાં જવાના કારણે જ ક્‍વાર્ટર મળ્‍યુ હોવાનું દક્ષાબેન વસાણીએ જણાવ્‍યું હતું.

(3:41 PM IST)