<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકોટ ભાજપમાં 'સ્માર્ટ' જાસૂસી: એઆઈ કેમેરાવાળા ચશ્માથી નેતાઓનું છુપું રેકોર્ડિંગ ?

ખાનગી બેઠકોથી લઈને બૂથ સભા સુધી છુપો કેમેરો ઘુમતો રહે છે: અગાઉ પદાધિકારીની કારમાં જીપીએસ લગાવનાર આ 'ટેક્નોક્રેટ' નેતાથી પાર્ટીમાં ફફડાટ ?

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે શાસક પક્ષમાં આંતરિક જાસૂસીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહત્વના સ્થાને રહી ચૂકેલા મનાતા આ કહેવાતા ટેક્નોક્રેટ આગેવાન હાઇટેક એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ચશ્મા પહેરીને અન્ય નેતાઓની ખાનગી વાતો, ફોટા અને વિડિયો ઉતારી રહ્યા હોવાની જોરદાર ચર્ચાથી સંગઠનમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભૂતકાળમાં પણ આ જ મહાશયે એક પદાધિકારીની કારમાં છુપું જીપીએસ લગાવ્યું હોવાની ઘટના પણ ચર્ચામાં રહી છે.

 

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે શાસક પક્ષ ભાજપની અંદર જ એઆઈ ટેકનોલોજીનો એક આગેવાન દ્વારા ભરપૂર અને અત્યંત શંકાસ્પદ ઉપયોગ થઈ રહ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. નેતાઓ ને લોકોની વાતચીત આ રીતે વિડીયો કે ટેપ કરી લઈ ઉપર સુધી પહોંચાડી નેતાઓને વધેરી નાખવાની આ હિલચાલની રાજકીય રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ગરમાગરમ ચર્ચા મુજબ, રાજકોટના આ કહેવાતા પીઢ ભાજપી આગેવાન એઆઈ કેમેરાવાળા સ્માર્ટ ચશ્મા પહેરીને ફરતા જોવા મળે છે. આ ચશ્માની ખાસિયત એ છે કે તેમાં અત્યાધુનિક છુપો કેમેરો લગાવેલો છે. આ મહાશય પક્ષના અન્ય નેતાઓના ઓડિયો, વિડિયો અને ફોટોગ્રાફી સાથેનું ખાનગી શૂટિંગ ઉતારી રહ્યાની પણ ભારે હવા છે અને આ તમામ અત્યંત સંવેદનશીલ આંતરિક માહિતીઓ પોતાના અંગત સ્ટોરેજમાં એકત્રિત કરી રહ્યા છે. નામ લીધા વિના પણ કોર્પોરેશનની લોબીમાં સૌ કોઈ આ કહેવાતા ટેક્નોક્રેટ આગેવાનને બરાબર ઓળખી ગયા છે.

 

હાલમાં ભાજપની જ્યાં પણ બૂથ સભાઓ કે આંતરિક બેઠકો યોજાય છે, ત્યાં આ આગેવાન પોતાના આ જાસૂસી ચશ્મા પહેરીને પહોંચી જાય છે અને ત્યાંની પણ તમામ ગતિવિધિઓ રેકોર્ડ કરી લે છે એવી  વાત પણ ચાલે છે કાર્યકર્તાઓ અને નેતાઓમાં એવી જબરદસ્ત ચર્ચા જાગી છે કે, પક્ષના આગેવાનોની આ આંતરિક વાતોના વિડિયો આવનાર દિવસોમાં આ આગેવાન વાઇરલ કરશે કે પછી તેમની પાછળ કોઈ મોટો ખેલ પાડવાનો અને એવો કોઈ ઇરાદો છે? આ શંકાને પગલે રાજકોટ ભાજપના અન્ય આગેવાનોએ આ 'હાઇટેક' નેતાથી અંતર જાળવવું અને ચેતતા રહેવું અત્યંત આવશ્યક બની ગયું છે.

(1:59 PM IST)