તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 8th September 2026
પુરવઠા તંત્ર ફોર્ટિફાઇડ ‘‘મીઠા'' અંગે કોઇ દરકાર લેતુ નથી અનેક દુકાનોમાં સ્ટોક સરપ્લસ હોય છે : બગડવાનો ભય
પરાણે મીઠુ ન ધાબડો : સસ્તા અનાજના દુકાનદાર એસો.ના હિતુભા જાડેજાની અપીલ

રાજકોટ, તા. ૮: ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હિતુભા જાડેજાએ જણાવ્યું છે કે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે ICDS જેને આપણે બાલમંદિર, નંદઘર, આંગણવાડી આવા નામથી ઓળખીએ છીએ. સરકારના આ સંકલિત બાળ વિકાસ પ્રોગ્રામ હેઠળ જે ફોર્ટિફાઇડ નમક આપવામાં આવે છે, ખાસ કરીને સગર્ભા બહેનો હોય, ધાત્રી બહેનો હોય અને કિશોરીઓ હોય, આ ત્રણ કેટેગરીની મહિલાઓને ફોર્ટિફાઇડ નમક આપવામાં આવે છે.
આ ICDS કાર્યક્રમનું લગભગ ૮૯૯ ટન જેટલું મીઠું ખરાબ થઈ ગયું, એ પણ માત્ર અમુક અધિકારીઓની બેદરકારીના કારણે ફક્ત ICDS આ એક સ્કીમનું જ નહીં, પણ PDS મારફત પણ જે ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકો છે, જે અગ્રતાક્રમના રેશનકાર્ડ ધરાવે છે, અન્ન સુરક્ષા કાયદા હેઠળ જેનો સમાવેશ થયો છે, તેને પણ રાજ્ય સરકાર ફોર્ટિફાઇડ નમક આપે છે. ત્યારે આ નમકની સરકાર જાળવણી કરી શકતી નથી. અને વેપારી ભાઈઓને, વ્યાજબી ભાવના જે દુકાનદારો છે, તેને આ નમકની ૫૦% ફરજિયાત ફાળવણી કરવામાં આવે છે.
જ્યારે દુકાન ખાતેથી પૂરેપૂરું નમક વેચાતું ન હોય, ત્યારે આવો સ્ટોક દુકાનમાં સરપ્લસ પડ્યો રહે છે. પરિણામે આ જથ્થો એક્સપાયરીને આંબી જાય છે. માટે અમારા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપે આ માટે વારંવાર લેટર લખી અને નિગમને અને વિભાગને જાણ કરી છે. પરંતુ સરકારી અધિકારીઓ કે આ વિભાગ કયારેય પણ આની દરકાર લેતું નથી.
આ કિંમતી મીઠું જેની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, આટલા રૂપિયા ખર્ચી અને આ જે ફોર્ટિફાઇડ જે કુપોષણ સામે લડી શકાય એવું મીઠું તૈયાર કરે છે, આ મીઠાનો સદુપયોગ થાય અને સાચા લાભાર્થી પાસે પહોંચે, અને જો આ મીઠાનો ઉપયોગ ન કરવાનો હોય તો પરાણે આ મીઠું આપવામાં ન આવે, એવી અમે સરકારને, પુરવઠા વિભાગને, નિગમને, બધાને અરજ કરીએ છીએ.
(3:44 PM IST)










