તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
બીજે બધે સોડાના ૩૫ રૂપિયા છે, તું કેમ ૪૦ લે છે? કહી પોપટપરામાં દૂકાનદાર આસિફ શેખ પર હુમલો
વિસ્તારમાં રહેતાં પ્રોૈઢ યાકુબભાઇ માથાકુટ કરી જતાં આસિફ તેના માતા-બહેનને લઇ સમજાવવા જતાં યાકુબભાઇએ પુત્ર ફૈઝલ સાથે મળી ધોકાવાળી કરીઃ સગર્ભા બહેનને પણ ધક્કો માર્યોઃ પ્ર.નગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૧: પોપટપરામાં રહેતાં અને ઘર નજીક પ્રોવીઝન સ્ટોર-કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવતાં યુવાન સાથે તેના જ વિસ્તારમાં રહેતાં પ્રોૈઢ સોડાની બોટલ લેવા આવતાં યુવાને રૂપિયા ચાલીસ માંગતા આ પ્રોૈઢે બીજે બધે તો પાંત્રીસ લે છે, તું કેમ ચાલીસ માંગે છે કહી ગાળાગાળી કરતાં બાદમાં આ દુકાનદાર યુવાન તેના માતા, બહેનને લઇ આ પ્રોૈઢના ઘરે સમજાવવા જતાં તેણે પુત્ર સાથે મળી ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર લેવી પડી છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે પોપટપરા શેરી નં. ૧૪ ઇમામ ચોક આસિફ મંજીલમાં રહેતાં આસિફ મોહમદભાઇ શેખ (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી પોપટપરા-૧૧માં રહેતાં યાકુબ હાસમભાઇ રાઠોડ (ઉ.વ.૫૯) અને તેના દિકરા ફૈઝલ યાકુબભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આસિફ પોપટપરામાં સર્વોદય કોલ્ડ્રીંક્સ નામે સિઝનલ ધંધો કરે છે અને પ્રોવીઝન સ્ટોર ચલાવે છે. તે માતા, પિતા સાથે રહે છે અને બહેન બજરંગવાડીમાં સાસરે છે. આસિફે જણાવ્યું છે કે મંગળવારે સાંજે આઠેક વાગ્યે હું મારી દુકાને હતો ત્યારે યાકુબભાઇ રાઠોડ આવ્યા હતાં અને સોડાની બોટલ માંગી હતી. જેથી મેં બોટલ આપી રૂા. ૪૦ માંગતા તેણે કહેલું કે બીજે બધે તો ૩૫ રૂપિયા લે છે, તું કેમ ૪૦ રૂપિયા માંગે છે. આમ કહી તે ગાળો દેવા માંડતાં તેને ગાળો નહિ બોલવા સમજાવતાં તેણે વધુ ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન મેં મારા પિતાને ફોન કરી જાણ કરી હતી. ત્યાં મારા માતા રેહાનાબેન અને બહેન રેશ્માબેન પણ આવી ગયા હતાં. આ પછી અમે સાથે મળી અમારા ઘરથી બે શેરી દૂર રહેતાં યાકુબભાઇના ઘરે તેને સમજાવવા જતાં યાકુબભાઇનો પુત્ર ફૈઝલ પણ ત્યાં હાજર હોઇ અમે તેને તેના પિતા ઝઘડો ન કરે તે બાબતે સમજાવવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી. એ દરમિયાન યાકુબભાઇએ ધોકો લાવી ફૈઝલને આપતાં ફૈઝલે મને ધોકાથી માર મારતાં પગ, કમરમાં ઇજાઓ થઇ હતી. મારા બહેન રેશ્માબેન જે સગર્ભા છે તે વચ્ચે પડતાં તેને ધક્કો લાગી જતાં તે પડી ગયા હતાં. આ પછી અમે ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. તેમ વધુમાં આસિફે કહેતાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










