<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રૈયા રોડના શિવપરાના રૂમિલ, સાહિલ અને રાજસ્‍થાની સપ્‍લાયર શ્‍યામલાલને એસઓજીએ ‘એમડી' સાથે દબોચ્‍યા

પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમનો એરપોર્ટ ફાટક પાસે દરોડો : હેડકોન્‍સ. શબ્‍બીરખાન મલેક, કરણભાઇ મારૂ અને કોન્‍સ. રવિરાજભાઇ ધગલની બાતમી : ઇરફાન ઉર્ફે રોમીયાએ રૂમિલનો સંપર્ક રાજસ્‍થાનના શિવરાજ સાથે કરાવ્‍યો હતોઃ રોમીયાો અને શિવરાજની શોધખોળ

રાજકોટ તા. ૩: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરી અટકાવી છે. એરપોર્ટ ફાટક પાસે રૈયા રોડ શિવપરાના બે શખ્‍સોને એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત આ બંનેને ડ્રગ્‍સ સપ્‍લાય કરી રાજસ્‍થાન જવા રેલ્‍વે સ્‍ટેશને પહોંચેલા રાજસ્‍થાની શખ્‍સને પણ પકડી લીધા છે. હજુ વધુ  રાજકોટ અને રાજસ્‍થાનના શખ્‍સોના નામ ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શહેર વિસ્‍તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્‍સ પદાર્થોનું વેચાણ અટકાવવા હાથ ધરવામાં આવેલા કે નો ટુ ડ્રગ્‍સ મિશન અંતર્ગત નાર્કોટિક્‍સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્‍સો કડક કાર્યવાહી કરવાની સુચના આધારે એસઓજીએ વધુ એક ડ્રગ્‍સની હેરાફેરીનો કેસ શોધી કાઢયો છે. હેડકોન્‍સ. શબ્‍બીરખા મલેક, કરણભાઇ મારૂ અને કોન્‍સ. રવિરાજભાઇ ધગલને મળેલી બાતમી પરથી એરપોર્ટ ફાટકર પાસે જૈન દેરાસર રોડ પર વોચ રાખી જીજે૨૩ઝેડ-૯૬૭૩ નંબરની રિક્ષા આંતરી લેવાઇ હતી.  તેમાં બે શખ્‍સો બેઠા હોઇ પુછતાછ કરતાં પોતાના નામ રૂમિન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઇ જુણેજા (ઉ.વ.૨૬-રહે. વસીલા મંજીલ, શિવપરા-૪, મદ્રેસાની સામે રૈયા રોડ) તથા સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઇ કાદરી (ઉ.વ.૩૪-રહે. રૈયા રોડ કનૈયા ચોક, મયુર પાનવાળી શેરી બાગે ખ્‍વાજા) જણાવ્‍યા હતાં. સાહિલ રિક્ષા ચલાવતો હતો અને રૂમિલ બેઠો હતો. તેની તલાશી લેતાં એમડી ડ્રગ્‍સ મળી આવ્‍યું હતું. એફએસએલ અધિકારી સમીર જોષીએ પરિક્ષણ કર્યા બાદ રૂા. ૧,૪૯,૧૦૦નું ૪૯.૭૦ ગ્રામ એમડી ડ્રગ્‍સ, મોબાઇલ, રિક્ષા મળી ૩,૧૦,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. રૂમિની ઉર્ફે રૂમલાએ પુછતાછમાં કબુલ્‍યું હતું કે રાજકોટના ઇરફાન ઉર્ફે રોમીયો હનીફભાઇ ચાનીયા મારફત તેનો સંપર્ક રાજસથાન કોટાના શિવરાજ સાથે થયો હતો. તેના મારફત કોટાનો શ્‍યામલાલ બાબુલાલ નાયક રાજકોટ ખાતે આ એમડી ડ્રગ્‍સ આપી ગયો હતો. આ શખ્‍સ રેલ્‍વે સ્‍ટેશન તરફ ગયો હોવાનું તેણે કહેતાં એસઓજીની ટીમે તેને પણ સકંજામાં લઇ લીધો હતો. બીજા બે શખ્‍સો રોમીયો અને શિવરાજની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, શબ્‍બીરખાન મલેક, જયદિપસિંહ જાડેજા, કોન્‍સ. જયપાલસિંહ જાલા, રવિરાજભાઇ ધગલ, ડ્રા. કોન્‍સ. નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલા, કોન્‍સ. મોનાબેન બુસાએ આ કામગીરી કરી છે.

(3:46 PM IST)