News of Thursday, 5th November 2026
શાપરના પારડીમાં પેટની બિમારીથી કંટાળી સોનલબેન સોલંકીએ આત્મહત્યા કરી
પરિણીતાના મોતથી એક દિકરો મા વિહોણોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: શાપર વેરાવળના પારડીમાં રહેતી એક પરિણીતાએ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પેટના દુઃખાવાથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપરના પારડીમાં રહેતાં સોનલબેન હરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૭) નામના પરિણીતાએ ૨૨મીએ ઘરે અસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તેણીનું રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ દ્વારા શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનારના લગ્ન અગીયાર વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર રાજકોટ રૈયાધારમાં રહે છે. આ બનાવથી એક માસુમ દિકરો મા વિહોણો થયો છે. સોનલબેનના પતિ છુટક મજૂરી કરે છે. પેટનો દુઃખાવો રહેતો હોઇ દવા સારવાર છતાં ફરક ન પડતાં આ પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:52 AM IST)










