<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

પીચકારીબાજો - ગંદકી કરનારાઓ સાવધાનઃ તંત્રએ રસ્‍તા સાફ કરાવ્‍યા

મ્‍યુ. કમિશનર બન્‍યા બુલેટ રાજાઃ શહેરના વિવિધ વિસ્‍તારોમાં રૂબરૂ ચકાસણી કરી : સફાઈ માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નહીં, જાહેર સ્‍થળોને સ્‍વચ્‍છ રાખવાની દરેક નાગરિકની પણ ફરજઃ તુષાર સુમેરા

રાજકોટ તા.૯: શહેરને સ્‍વચ્‍છ, સુંદર અને સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી તેમજ સ્‍વચ્‍છતા અંગે જનજાગળતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જાહેર સ્‍થળોએ ગંદકી કરનાર, રસ્‍તા પર કચરો ફેંકનાર, જાહેરમાં થૂંકનાર તેમજ પોતાની દુકાન-લારીની આસપાસ ગંદકી ફેલાવનાર તત્‍વો સામે હવે માત્ર સમજાવટ પૂરતી ન રાખી કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે તા.૦૯ના રોજ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની ટીમ સાથે બુલેટ બાઈક પર સવાર થઈને શહેરના જ્‍યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્‍તારોમાં ફિલ્‍ડમાં નીકળ્‍યા હતા.

મ્‍યુનિસિપલ કમિશનરની આ ફિલ્‍ડ મુલાકાત દરમિયાન માત્ર સફાઈની સ્‍થિતિનું નિરીક્ષણ જ કરવામાં આવ્‍યું નહોતું, પરંતુ જાહેરમાં ગંદકી કરનાર વ્‍યક્‍તિઓને સ્‍થળ પર જ રોકી તેમની સામે રૂબરૂ કાર્યવાહી તેમજ ગંદકી કરનારના હાથે જ સફાઇ કરવામાં આવી હતી.

જ્‍યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ વિસ્‍તારમાં મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ જાતે જ સ્‍થળ પર જઈને રોડ, ફૂટપાથ અને જાહેર જગ્‍યાઓની સફાઈ વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રોડ પર કચરો ફેંકતા, જાહેર જગ્‍યાએ ગંદકી કરતા તેમજ જાહેરમાં થૂંકતા નાગરિકોને મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા રૂબરૂ રોકવામાં આવ્‍યા હતા અને જાહેર સ્‍થળને ગંદુ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સફાઈ ટીમ દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્‍વચ્‍છ રાખે છે ત્‍યારે કોઈ વ્‍યક્‍તિ દ્વારા ક્ષણિક બેદરકારીથી જાહેર રસ્‍તા પર કચરો ફેંકવામાં આવે કે થૂંકવામાં આવે તે ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્‍પષ્ટતા આ કામગીરી દરમિયાન કરવામાં આવી હતી.

જ્‍યુબિલી વન-વે રોડ વિસ્‍તારમાં રોડ પર ઊભા રહેતા લારી-થડાવાળા અને અન્‍ય ધંધાર્થીઓને પણ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્‍થળ પર જ સમજ આપવામાં આવી હતી કે ધંધો કરવાની સાથે પોતાના વ્‍યવસાયના સ્‍થળની સ્‍વચ્‍છતા જાળવવાની જવાબદારી પણ તેમની જ છે. લારી-થડાની આસપાસ કચરો જોવા મળતા સંબંધિત ધંધાર્થીઓને પોતાની જગ્‍યાની સફાઈ ખુદ કરાવવામાં આવી હતી.

સાથે જ સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે લારી, થડો કે દુકાનની આસપાસ કચરો એકઠો કરવો, જાહેર રસ્‍તા પર કચરો ફેંકવો અથવા ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ગંદકી પ્રત્‍યે બેદરકારી દાખવવી ચલાવી લેવામાં આવશે નહીં. વારંવાર ગંદકી કરતા ધંધાર્થીઓ સામે દંડાત્‍મક તેમજ લાગુ પડતી અન્‍ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સફાઈ બાબતે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વલણ કેટલું કડક છે તેનો સ્‍પષ્ટ સંદેશ આપતી ઘટના પણ ફિલ્‍ડ મુલાકાત દરમિયાન બની હતી. જાહેર રસ્‍તા પર થૂંકનાર એક નાગરિકને મ્‍યુનિસિપલ કમિશનરએ રૂબરૂ રોકી, જાહેર સ્‍થળને ગંદુ કરવાની ગંભીરતા સમજાવી અને જે સ્‍થળે ગંદકી કરવામાં આવી હતી તે સ્‍થળની સફાઈ નાગરિક પાસે જ કરાવવામાં આવી હતી.

મ્‍યુનિસિપલ કમિશન તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક વિસ્‍તારમાં નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની ટીમ સતત મહેનત કરી રહી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી સફાઈનો લાભ લઈને ફરીથી જાહેરમાં કચરો ફેંકવો, થૂંકવું કે ગંદકી કરવી એ શહેરની સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાને નુકસાન પહોંચાડે છે.

‘‘સ્‍વચ્‍છ રાજકોટ બનાવવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નથી. શહેરના દરેક નાગરિકે પણ પોતાના વર્તનમાં સ્‍વચ્‍છતા અપનાવવી પડશે. જાહેર રસ્‍તો, ફૂટપાથ, ચોક કે અન્‍ય જાહેર સ્‍થળ કોઈ એક વ્‍યક્‍તિની મિલકત નથી, તે સૌની સામૂહિક મિલકત છે. તેથી જાહેર સ્‍થળે ગંદકી કરનાર સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે.''

મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ સ્‍વચ્‍છતા જાળવવા માટે લાગુ પડતી મહાનગરપાલિકાની જોગવાઈઓ અને સ્‍વચ્‍છતા સંબંધિત નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં સઘન ચેકિંગ અને સ્‍પોટ એક્‍શન હાથ ધરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા માટે શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરની સ્‍વચ્‍છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કચરો જાહેરમાં ન ફેંકે, જાહેરમાં ન થૂંકે, પોતાના વ્‍યવસાયિક સ્‍થળની આસપાસ સ્‍વચ્‍છતા જાળવે અને અન્‍ય લોકોને પણ સ્‍વચ્‍છતા માટે પ્રેરિત કરે.

(3:43 PM IST)