તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અત્યાધુનિક ઓડિટોરિયમ હવે સામાન્ય જનતાને ભાડે આપવામાં આવશે.
આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ સ્ટેજ અને 150 કારના પાર્કિંગની સુવિધા ધરાવતું સભાગૃહ વિવિધ સુવિધાઓથી સજ્જ: ભાડે આપવા કુલપતિએ તૈયારી દર્શાવી:એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી બાદ ખુલ્લું મુકાશે

રાજકોટ શહેરના કલાપ્રેમીઓ અને સંસ્થાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં તૈયાર થયેલું નવું ઓડિટોરિયમ હવે જાહેર જનતા માટે ભાડે આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. હેમુ ગઢવી હોલ બાદ આ સભાગૃહ રાજકોટ શહેરનું બીજું સૌથી મોટું અને સુવિધાજનક સભાગૃહ બની રહેશે.
આ વિશાળ ઓડિટોરિયમ રૂપિયા 11.91 કરોડના માતબર ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં એકસાથે 953 લોકો આરામથી બેસી શકે તેવી ઉત્તમ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર ઓડિટોરિયમ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ (AC) બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં વિશાળ સ્ટેજ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને કલાકારો માટે સુવિધાજનક ગ્રીન રૂમ પણ તૈયાર કરાયા છે.
કાર્યક્રમમાં આવતા મુલાકાતીઓને પાર્કિંગની કોઈ સમસ્યા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં એકસાથે 150 થી વધુ કાર અને 300 ટુ-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે તેવી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. હાલમાં ઓડિટોરિયમ પરિસરની સુંદરતા વધારવા માટે લેન્ડસ્કેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
યુનિવર્સિટીના કુલપતિએ આ અદ્યતન ઓડિટોરિયમ જાહેર જનતાને ભાડે આપવા અંગે સકારાત્મક તૈયારી વ્યક્ત કરી છે. જોકે, તેને સામાન્ય નાગરિકો અને સંસ્થાઓ માટે ખુલ્લું મૂકવા સક્ષમ સત્તામંડળની મંજૂરી લેવી જરૂરી છે. આગામી સમયમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
.
(2:33 PM IST)










