News of Tuesday, 21st April 2026
યુવરાજનગરમાં છોકરાઓની તકરારમાં પાડોશી વચ્ચે લાકડીઓ ઉડીઃ બે ઘવાયા
કાજલબેન ચોૈહાણ અને સામા પક્ષે જયકિશોર અરજનને ઇજા

રાજકોટ તા. ૨૧: આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં છોકરાઓની તકરારમાં પાડોશીઓ વચ્ચે મારામારી થતાં એક બીજા પર લાકડીથી હુમલો કર્યો હતી. આ મારામારીમાં એક પરિણીતા અને સામા પક્ષે એક પ્રોૈઢને ઇજા થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ યુવરાજનગરમાં રહેતી કાજલબેન બબલુસિંગ ચોૈહાણ (ઉ.વ.૨૦) સાંજે આઠેક વાગ્યે ઘરે હતી ત્યારે પાડોશી સોનુભાઇ અને તેના પુત્રો રૂપેશ, કિશોર સહિતે ઝઘડો કરી લાકડી-ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કાજલબેને કહ્યું હતું કે તેની પાંચ વર્ષની દિકરીને ઘર પાસેથી ચાલવા બાબતે પાડોશીએ મારકુટ કરી લીધી હોઇ પોતે બાળકી સાથે આવુ વર્તન ન કરાય તેમ સમજાવવા જતાં પોતાના પર હુમલો કરાયો હતો.
બીજી તરફ સામા પક્ષના જયકિશોર મુનેશ્વરરામ અરજન (ઉ.વ.૫૦) પણ પોતાના પર પાડોશી રાજુ, કાજલબેન, મીનાબેન સહિતે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. છોકરાઓની તકરારમાં ઉપરાણુ લઇ આ બધાએ હુમલો કર્યાનો આક્ષેપ જયકિશોરે કર્યો હતો. બંને પરિવારો મુળ યુપીના વતની છે. અને છુટક મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(3:34 PM IST)










