તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
રાજકોટ રેલવે પોલીસનો કડક નિર્ણય: વાયરલ વીડિયો મામલે એએસઆઈ કામિનીબેન સસ્પેન્ડ, ગણતરીના કલાકોમાં ગુમ કિશોરને દ્વારકાથી શોધી પરિવારને સોંપાયો : જુઓ વિડિયો
પીઆઈ એચ.એમ. રાણા, સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ બી.જે. જાડેજા, પીએસઆઈ જે.બી. કુરેશી, એલસીબી પીએસઆઈ જે.એમ. પરમાર સહિતની કામગીરી

રાજકોટ: રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ કામિનીબેનને આ કેસ સંબંધિત કથિત વીડિયો વાયરલ થયા બાદ અયોગ્ય જવાબ આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકોટ રેલવે પોલીસે ત્વરિત અને સઘન કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ગુમ થયેલા ૧૩ વર્ષીય કિશોરને દ્વારકાથી શોધી કાઢીને સહીસલામત તેના પરિવારને સોંપ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગત વહેલી સવારે રાજકોટ શહેરના ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ ભગતરામ ભખતીયાપુરી અને કવિતાબેનનો ૧૩ વર્ષીય પુત્ર રાત્રે મોડે સુધી મોબાઈલ ફોનમાં વીડિયોગમ રમતો હતો. આ બાબતે માતા કવિતાબેને ઠપકો આપતા કિશોર રીસાઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન પરથી માતાને ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. હરેશભાઈ સુરત ખાતે ધંધા અર્થે ગયેલા હોવાથી માતાએ તેમના ભાઈ મુરલી વિનોદભાઈ ભાવનાણીને આ અંગે જાણ કરી હતી.
પરિવારજનો બાળકને શોધતા-શોધતા પ્લેટફોર્મના સીસીટીવી ફૂટેજ તપાસવા રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મના સીસીટીવીનું સંચાલન આર.પી.એફ. હસ્તક હોવાથી સંપર્ક કરાતા પી.એસ.ઓ. એએસઆઈ સાથેની વાતચીતનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ફરજમાં બેદરકારી દાખવી અયોગ્ય જવાબ આપનાર એએસઆઈ કામિનીબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈન્ચાર્જ અધિક પોલીસ મહાનિરીક્ષક (રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદ) શ્રી કે.એન. ડામોર અને પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલ્વે-અમદાવાદ) શ્રી યશપાલ જગાણીયાની સૂચના મુજબ રાજકોટ રેલવે ડિવિઝનના ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી તથા પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જામનગર, ખંભાળીયા અને દ્વારકા તરફ રવાના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળક પાસે મોબાઈલ ન હોવાથી તેણે દ્વારકા ટાઉનની 'કેશવ' પાનની દુકાન પરથી પોતાના નાનાજી વિનોદભાઈ ભાવનાણીને ફોન કરાવી ઓનલાઈન ₹૩૦૦ મેળવ્યા હતા. પોલીસને આ માહિતી મળતા સર્વેલન્સ ટીમે દ્વારકા ખાતે પાનની દુકાન અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં બાળક દ્વારકા રેલવે સ્ટેશનથી બપોરે ૩:૪૫ વાગ્યાની ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના આધારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સર્વેલન્સ ટીમના સાગરભાઈ રાજપુત, દેવેન્દ્રભાઈ અને હોમગાર્ડ જવાન જયેશભાઈ પંડ્યાએ ટ્રેન ચેક કરતા બાળક મળી આવ્યો હતો અને રાત્રે ૯ વાગ્યે ટ્રેન રાજકોટ પહોંચ્યા બાદ તેને સહીસલામત પરિવારને સોંપવામાં આવ્યો હતો.
બાળકને પરત સોંપતી વખતે પરિવારે રાજકોટ રેલવે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ અગાઉ પણ આ બાળક ઘરેથી નીકળી ગયો હતો, ત્યારે રાજકોટ શહેર પોલીસની AHTU ટીમે તેને શોધી કાઢ્યો હતો. આ સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ એચ.એમ. રાણા, સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ બી.જે. જાડેજા, પીએસઆઈ જે.બી. કુરેશી, એલસીબી પીએસઆઈ જે.એમ. પરમાર, જામનગર પીએસઆઈ પી.વી. ડોડીયા, આરપીએફ ડીએસસી અશોકકુમાર ત્યાગી, પીઆઈ કે.પી. સિંહ, દ્વારકા ઓ.પી. ટીમ તેમજ એએસઆઈ શક્તિસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
(12:37 PM IST)










