<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ, ૧૨૨ કિમી/કલાકની ઝડપે થયું પરીક્ષણ

રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્‍ટ અંતર્ગત અત્‍યાર સુધી ૧૧૧ કિલોમીટરમાંથી ૯૬ કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય પૂર્ણ

રાજકોટ, તા. પ :પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્‍ટમાં એક મહત્‍વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા જામવંથલી-અલિયાબાડા રેલ સેક્‍શનના ૧૧.૮૦૪ કિલોમીટર લાંબા ડબલિંગ કાર્યને ૦૪ નવેમ્‍બર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્‍યું. આ સિદ્ધિ સાથે જ કુલ ૧૧૧ કિલોમીટર લાંબા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્‍ટમાં અત્‍યાર સુધી ૯૬ કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂકયું છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર ૧૨૨ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે સફળતાપૂર્વક સ્‍પીડ ટ્રાયલ (ઝડપ પરીક્ષણ) કરવામાં આવ્‍યું. આ પ્રસંગે રેલવે સુરક્ષા કમિશનર (Commissioner of Railway Safety), પ?મિ સર્કલ, મુંબઈ, શ્રી ઈ. શ્રીનિવાસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન મુખ્‍ય વહીવટી અધિકારી (બાંધકામ), અમદાવાદ, શ્રી પ્રદીપ ગુપ્તા તથા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 ડબલિંગ કાર્ય અંતર્ગત કરવામાં

આવેલા મુખ્‍ય બાંધકામ કાર્યો

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડમાં આધુનિક રેલ માળખાગત સુવિધાઓના વિકાસ અંતર્ગત વિવિધ મહત્‍વપૂર્ણ બાંધકામ કાર્યો કરવામાં આવ્‍યા છે. જેમાં મુખ્‍યત્‍વે નીચે મુજબના કાર્યો સામેલ છેઃ

૧. ૧૧.૮૦૪ કિલોમીટર નવી રેલલાઇન પાથરવા અને જોડવાનું કાર્ય.

૨. ૨૪ નવા ટર્નઆઉટ સ્‍થાપિત કરવામાં આવ્‍યા તથા ૧૦ જૂના ટર્નઆઉટ દૂર કરવામાં આવ્‍યા.

૩. ૧૦૮ મીટર જળમાર્ગ ક્ષમતાવાળા ૦૧ મોટા પુલનું નિર્માણ.

૪. કુલ ૧૬ નાના પુલોનું નિર્માણ.

૫. ૧.૨ લાખ ઘનમીટર માટીકામ.

૬. રેલવે ટ્રેકની નીચે ૦.૪૦ લાખ ઘનમીટર બ્‍લેન્‍કેટિંગ લેયર પાથરવાનું કાર્ય.

૭. રેલવે ટ્રેક પર ૦.૩૬ લાખ ઘનમીટર કપચી (બેલાસ્‍ટ) પાથરવાનું કાર્ય.

૮. ૦૨ નવી લૂપ લાઇનો તથા લાંબી માલગાડીઓના સંચાલન માટે ૦૧ વિશેષ લાઇનનું નિર્માણ.

૯. કુલ ૦૬ રેલવે ફાટકોનું વિસ્‍તરણ.

૧૦. ૦૩ નવા હાઇ-લેવલ પ્‍લેટફોર્મનું નિર્માણ.

૧૧. ૦૨ નવા ફૂટ ઓવરબ્રિજ (પગપાળા પુલ)નું નિર્માણ.

૧૨. નવનિર્મિત રેલલાઇનનું ઓવરહેડ ઇલેક્‍ટ્રિફિકેશન (OHE) સિસ્‍ટમ સાથે સફળ કમિશનિંગ.

૧૩. અલિયાબાડા સ્‍ટેશન પર એક નવા સ્‍ટેશન ભવનનું નિર્માણ.

નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર ૧૦૦ કિમી/કલાકની ઝડપ માટે સત્તાવાર મંજૂરી

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડની નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનોના સંચાલન માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ સિદ્ધિથી રેલખંડ પર ટ્રેનોનું સંચાલન વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે તથા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્‍ટની પરિચાલન ક્ષમતામાં વધારો થશે.

(12:30 PM IST)