News of Wednesday, 28th October 2026
ભાષા રચના વિચારમંચ ‘ભારવિ’ની ૫૬મી માસિક બેઠકનું સફળ આયોજન : યુવા ભાવકો અને વરિષ્ઠ વક્તાઓની ઉપસ્થિતિમાં સાહિત્યિક મહોત્સવ યોજાયો
કવિ ભગવાન થાવરાણી, વક્તા પીયૂષ સોલંકી, ઈલિયાસ શેખ, વિરલ ચૌહાણ, ડૉ. અંબાદાન રોહડિયા અને નિધિ મૃગેશર દ્વારા વિવિધ સાહિત્યિક કૃતિઓ પર પ્રસ્તુતિ અને વાચિકમ કરાયું

રાજકોટ : વર્ષાની વિદાય અને શરદના આગમન સાથે, ગત તા. 11 ના રોજ, પ્રથમ નોરતાના શુભ દિવસે ભારવિની સતત ૫૬મી માસિક બેઠક યોજાઈ હતી. “અબ તક છપ્પન” સાથે પાંચમાં વર્ષની પૂર્ણતા તરફ આગળ વધી રહેલી આ સફરમાં ‘રીડર્સ બેઠક’નાં યુવા ભાવકોએ વરિષ્ઠ વક્તાઓ સાથે વક્તવ્યમાં ભાગીદારી કરી નવો રંગ ઉમેર્યો હતો. ભારવિ મંચના સ્થાપક સભ્ય પરાગ ત્રિવેદીના સંચાલનમાં જાણીતા કવિ ભગવાન થાવરાણીએ પોતાની ગુજરાતી અને ઉર્દૂ ગઝલો પ્રથમવાર મંચ પર પ્રસ્તુત કરી મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારબાદ વિમલભાઈ ભોજાણીએ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. યુવા વક્તા પીયૂષ સોલંકીએ “અભિજ્ઞાનશાકુંતલ” વિશે વિગતવાર કથાસાર વર્ણવ્યો હતો. વિશ્વસાહિત્યના પરિચય અંતર્ગત કવિ ઈલિયાસ શેખે નોબેલ પુરસ્કાર વિજેતા કેનેડિયન સર્જક એન કાર્સન વિશે વાત કરી તેમના કવનનું અર્થઘટન રજૂ કર્યું હતું, જેમાં કવિ મહેન્દ્ર જોષીએ પણ વિચારો વ્યક્ત કર્યા હતા. નિયમિત સભ્ય વિરલ ચૌહાણે ક.મા. મુનશીની “ગુજરાતનો નાથ” કૃતિ અંગે પોતાના અર્થઘટનો રજૂ કર્યા હતા.
દ્વારિકા અને લોકસાહિત્યના વિદ્વાન ડૉ. અંબાદાન રોહડિયાએ ઝવેરચંદ મેઘાણીકૃત “સૌરાષ્ટ્રની રસધાર”ની વાર્તાઓમાં લોકસંસ્કૃતિના મૂલ્યો અને ધાર્મિક એકતાની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. અંતિમ ચરણમાં સંજય ઉપાધ્યાયના પરિચય બાદ, રીડર્સ બેઠકનાં સંયોજક નિધિ મૃગેશરે ઉષા ઉપાધ્યાય લિખિત “હું તો ચાલી” અને કિરીટ દૂધાત લિખિત “બાયું” વાર્તાઓનું ભાવપૂર્ણ વાચિકમ કર્યું હતું. આભારદર્શન અને આઈસ્ક્રીમ સાથે બેઠકનું મધુર સમાપન થયું હતું, તેમ સંજય ઉપાધ્યાયની એક યાદીમાં જણાવાયું છે.
(3:14 PM IST)










