<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

દુષ્‍કાળની થપાટ વચ્‍ચે બળદોની વેદના : મુશ્‍કેલીમાં મદદરૂપ બનવા રાજકોટના સદ્દભાવના આશ્રમે ખોલ્‍યા સેવાના દ્વાર

છેલ્લા ૨૦ દિવસમાં ૬,૦૦૦ બળદોનો ઉમેરો થતાં આશ્રિતોની સંખ્‍યા ૮,૦૦૦ને પાર : એક લાખ બળદોને આશ્રય આપવાનો મહાસંકલ્‍પ

રાજકોટ, તા. ર૯ : સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં ઓછા વરસાદ અને દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિએ ખેડૂતોની મુશ્‍કેલીઓ વધારી છે. એક તરફ પાણીની અછત અને બીજી તરફ ઘાસચારાની વધતી જરૂરિયાત વચ્‍ચે ખેડૂતો માટે પોતાના વહાલસોયા બળદોનો નિભાવ કરવો મુશ્‍કેલ બની રહ્યો છે. આવી સંવેદનશીલ પરિસ્‍થિતિમાં રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ નજીક આવેલું સદભાવના બળદ આશ્રમ હજારો બળદો માટે આશ્રયસ્‍થાન બનીને સામે આવ્‍યું છે.

આશ્રમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા ૨૦ દિવસમાં જ આશરે ૬,૦૦૦ બળદોનો ઉમેરો થયો છે અને હાલમાં આશ્રમમાં ૮,૦૦૦થી વધુ બળદોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. અગાઉ આશ્રમમાં આશરે ૧,૫૦૦થી ૨,૦૦૦ બળદોની સંખ્‍યા રહેતી હતી, પરંતુ સૌરાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારોમાં પાણી અને ઘાસચારાની અછતના કારણે બળદોને સાચવવામાં મુશ્‍કેલી અનુભવતા ખેડૂતો તેમને આશ્રમમાં લાવી રહ્યા છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્‍છ સહિતના વિસ્‍તારોના ખેડૂતોની મુશ્‍કેલીઓ વચ્‍ચે આ સેવાકાર્યનું મહત્ત્વ વધી ગયું છે.

ખેડૂત માટે બળદ માત્ર ખેતીમાં કામ કરતું પશુ નથી, પરંતુ વર્ષો સુધી જીવનસંઘર્ષમાં સાથ આપનાર સાથી છે. અનેક પરિવારોમાં બળદને પરિવારના સભ્‍યની જેમ ઉછેરવામાં આવે છે. ખેડૂત પોતાના બળદને નામથી ઓળખે છે, તેની આદતો જાણે છે અને તેની સાથે વર્ષોનો આત્‍મીય સંબંધ ધરાવે છે. આવી સ્‍થિતિમાં જ્‍યારે પાણી અને ઘાસચારાની અછતને કારણે પોતાના બળદને આશ્રમમાં મૂકવાનો નિર્ણય લેવો પડે છે, ત્‍યારે ખેડૂત માટે આ ક્ષણ અત્‍યંત પીડાદાયક બની જાય છે.

આશ્રમ સાથે જોડાયેલા સેવાકર્મીઓના જણાવ્‍યા અનુસાર, કેટલાક ખેડૂતો બળદોને આશ્રમમાં મૂકયા પછી પણ તેમની યાદમાં વ્‍યથિત રહે છે. કેટલાક ખેડૂતો તો બળદ વિના ઘર કે વાડી સૂની લાગતી હોવાની લાગણી સાથે તેમને પાછા લઈ જવા પણ આવે છે.

આશ્રમમાં ૮,૦૦૦થી વધુ બળદોની સંભાળ રાખવી એ માત્ર આશ્રય પૂરું પાડવાનું કાર્ય નથી, પરંતુ દરરોજ વિશાળ પ્રમાણમાં ઘાસચારો, પાણી, માનવબળ અને આર્થિક સંસાધનોની જરૂરિયાત ઊભી કરતું સેવાકાર્ય છે. આશ્રમના જણાવ્‍યા મુજબ, એક બળદને સરેરાશ આશરે ૨૫ કિલો ઘાસચારો આપવામાં આવે છે અને સમગ્ર આશ્રમ માટે દરરોજ ૧૦,૦૦૦ મણથી વધુ ઘાસચારાની જરૂર પડે છે. મગફળીનો પાલો, મગફળીનો ભૂકો, લીલો ઘાસચારો અને અન્‍ય ઉપયોગી ચારો બળદોના નિભાવ માટે એકત્રિત કરવામાં આવે છે. ઓછા વરસાદના કારણે ઘાસચારાની ઉપલબ્‍ધતા અને ભાવ બંને પર અસર થતી હોવાથી આટલી મોટી જરૂરિયાત પૂરી કરવી પડકારરૂપ બની રહે છે. બળદોને નિયમિત ભોજન મળી રહે તે માટે દાતાઓ, ખેડૂતો, પશુપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓનો સહયોગ મહત્ત્વનો છે. આશ્રમ દ્વારા ઘાસચારાનું દાન આપવા ઇચ્‍છતા સેવાભાવી નાગરિકોને આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

બળદોના નિભાવમાં ઘાસચારા જેટલું જ મહત્ત્વ પાણીનું છે. આશ્રમના જણાવ્‍યા મુજબ, ૮,૦૦૦થી વધુ બળદોને પીવા માટે દરરોજ આશરે પાંચ લાખ લિટરથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય છે. એક બળદ દૈનિક સરેરાશ ૬૦થી ૭૦ લિટર પાણી પી શકે છે. આટલી મોટી સંખ્‍યામાં બળદોને સમયસર પાણી મળી રહે તે માટે આશ્રમ દ્વારા આઠ ટ્રેક્‍ટર-ટેન્‍કરની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે. પાણીનાં ટાંકા અને અવેડા ભરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવે છે. ત્‍યારે આશ્રમ દ્વારા વધુ જગ્‍યા અને જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

હજારો બળદોના ભોજન, પાણી, સારવાર, દવાઓ અને અન્‍ય જરૂરી વ્‍યવસ્‍થાઓ પાછળ આશ્રમને દરરોજ આશરે રૂ.૧૨ લાખનો ખર્ચ થતો હોવાનું સંસ્‍થાએ જણાવ્‍યું છે.

આશ્રમ સાથે સંકળાયેલા સેવાકર્મીઓના જણાવ્‍યા મુજબ, બળદોની સંખ્‍યા વધતાં વધુ જમીન અને સુવિધાઓની જરૂરિયાત ઊભી થઈ છે. હિતેશભાઈ ગામઢા સહિત નરેન્‍દ્રસિંહજી અને હરદેવસિંહજી દ્વારા બળદોના આશ્રય માટે જમીનનો સહયોગ આપવામાં આવ્‍યો છે.

આશ્રમના જણાવ્‍યા મુજબ, આશરે ૩૫ એકર જેટલી જગ્‍યા બળદોની સંભાળ અને આશ્રય માટે ઉપલબ્‍ધ કરવામાં આવી છે. અહીં બળદોને રાખવા માટે શેડ, અવેડા અને અન્‍ય જરૂરી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવામાં આવી રહી છે. કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવા પાછળ આશરે રૂ.૧૫ લાખનો ખર્ચ થયો હોવાનું પણ સંસ્‍થાએ જણાવ્‍યું છે.

સદભાવના બળદ આશ્રમનો લાંબા ગાળાનો સંકલ્‍પ ગુજરાતમાં નિરાધાર અને અસહાય બળદોને વ્‍યાપક પ્રમાણમાં આશ્રય આપવાનો છે. સંસ્‍થાના જણાવ્‍યા મુજબ, ભવિષ્‍યમાં એક લાખ બળદોને સાચવી શકાય તેવી ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. આ માટે વધારાની જમીન અને જરૂરી સુવિધાઓ વિકસાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે.

સદભાવના બળદ આશ્રમનો એક લાખ બળદોને આશ્રય આપવાનો સંકલ્‍પ માત્ર એક સંસ્‍થાનું લક્ષ્ય નથી, પરંતુ જીવદયા અને માનવતાની ભાવનાને વ્‍યાપક બનાવવાનો પ્રયાસ છે.

સદભાવના બળદ આશ્રમનો સંપર્ક :  કાલાવડ રોડ, ખીરસરા અને દેવગામની ધાર, ગુફેશ્વર મહાદેવ મંદિર નજીક, ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ. મોબાઇલ :  ૮૫૩૦૪૩૦૦૯૬ / ૮૩૨૦૪૦૮૯૦૮.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા સદ્દભાવના બળદ આશ્રમના આગેવાનો મિતલભાલ ખેતાણી, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, રાજેશભાઇ રૂપાપરા, હિેતશભાઇ ગમઢા, પ્રતિકભાઇ સંઘાણી, સંજયભાઇ રામાણી, વિશાલભાઇ માંગુકિયા, અસ્‍મિતાબેન વાછાણી, દિલીપભાઇ ગમઢા, મુકેશભાઇ ડોબરિયા, હર્ષિતભાઇ ગોંડલિયા, અરૂણભાઇ નિર્મળ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:24 PM IST)