<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટમાં સૂર્યદેવના આકરા તેવરઃ પારો ૪૩.૨ ડિગ્રીઃ બપોરે શહેર ‘ભઠ્ઠી' સમાન બન્‍યુ

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં સૂર્યદેવ સંપૂર્ણપણે આગબબુલા થયા હોય તેમ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યે શહેરનું તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાતા ગરમીનો પારો આસમાને પહોંચ્‍યો હતો, જેના કારણે શહેર ‘ભઠ્ઠી' સમાન બની ગયું હતું.

બપોરના સમયે તાપમાનમાં થયેલા આ ધરખમ વધારાની સાથે ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ લોકોની મુશ્‍કેલીમાં અનેકગણો વધારો કર્યો હતો. ગરમ લૂના કારણે બહાર નીકળવું પણ અસહ્ય બની ગયું છે. આ પરિસ્‍થિતિને જોતા બપોરના સમયે શહેરીજનોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું હતું, પરિણામે મુખ્‍ય માર્ગો અને બજારોમાં સન્નાટો છવાયેલો જોવા મળ્‍યો હતો.

ભરબપોરે ૨:૩૦ વાગ્‍યે વાહનોની અવરજવર નહિવત જોવા મળી હતી. કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાળઝાળ ગરમીને કારણે શેરડીનો રસ, ઠંડા પીણાં અને છાશના વેચાણ કેન્‍દ્રો પર ભીડ જોવા મળી હતી.

હવામાનની આ સ્‍થિતિ જોતા આરોગ્‍ય નિષ્‍ણાતો દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરે ૧૨ થી ૪ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું, વધુમાં વધુ પ્રવાહી (પાણી, લીંબુ શરબત, નાળિયેર પાણી)નું સેવન કરવું અને બહાર જવાનું અનિવાર્ય હોય તો માથું ઢાંકીને રાખવું અથવા સનગ્‍લાસનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.(૬.ર૩)

(3:53 PM IST)