તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
રાજકોટમાં રવિનું રૌદ્ર સ્વરૂપઃ બપોરે ૨:૩૦ વાગે તાપમાન ૪૨ ડિગ્રીને પાર, માર્ગો પર ‘કફર્યુ' જેવો માહોલ
સૂર્યદેવતા લાલચોળઃ અસહ્ય લૂ અને બફારાથી શહેરીજનો ત્રાહિમામ, આગામી બે દિવસ ‘હીટવેવ'ની આગાહી

રાજકોટ, તા. ૮ : રંગીલા રાજકોટમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. કાળઝાળ ગરમી અને ગરમ પવનોના કારણે લોકો ઘરમાં કે ઓફિસમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર જાણે સ્વયંભૂ ‘લોકડાઉન' કે ‘કફર્યુ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું હતું. બપોર થતા સુધીમાં તો સ્થિતિ એવી બની કે પવન પણ લૂ બનીને ફૂંકાવા લાગ્યો હતો. ખાસ કરીને મજૂર વર્ગ અને જેમના કામ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તેમની હાલત કફોડી બની છે. ગરમીથી બચવા લોકો મોઢે રૂમાલ બાંધીને નીકળતા જોવા મળ્યા હતા.
અસહ્ય તાપથી રાહત મેળવવા માટે શહેરીજનો શેરડીનો રસ, છાશ, લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને વધુ પડતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
(3:20 PM IST)










