<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પૂરવઠાનું સર્વર ઠપ્‍પઃ રાજયભરમાં વિતરણ અટકી પડયું!!

આધાર N- ૯૯૯૯૯ પ્રકારની એરરે ગઇકાલે સાંજે ૬ વાગ્‍યાથી દૂકાનદારોની હાલત કફોડી કરી દીધી? મચી ગયેલો દેકારો..: સવારથી વિતરણ કામગીરી બંધઃ હજારો ગરીબકાર્ડ હોલ્‍ડરોને ભારે ધરમ ધક્કાઃ દૂકાનદારો સાથે ઘર્ષણઃ લાંબી લાઇનો : પૂરવઠાના સર્વરમાં આધારN- ૯૯૯૯૯ની એરરે આખા રાજયમાં સર્વર ડાઉન કરી દિધૂ હતું.

રાજકોટ, તા.૨૦: ગુજરાતમાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના વિતરણમાં પુરવઠા વિભાગના સર્વરના ધાંધિયાએ ફરી એકવાર મુશ્‍કેલી ઊભી કરી છે. રાજકોટ સહિત રાજયભરમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્‍થો મેળવવા માટે વ્‍યાજબી ભાવની દુકાનો પર પહોંચી રહ્યા છે, ત્‍યારે બીજી તરફ પુરવઠા વિભાગનું સર્વર જ ઠપ થઈ જતા હજારોં રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો બંને મુશ્‍કેલીમાં મુકાયા છે.

તારીખ ૨૦ નવેમ્‍બર ૨૦૨૬, શુક્રવારના રોજ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ગત ૧૯ નવેમ્‍બરના રોજ સાંજે ૬ વાગ્‍યાથી પુરવઠા વિભાગનું સર્વર બંધ થઈ ગયું હતું. આજે સવારે ૭ વાગ્‍યાથી સર્વર ફરી કાર્યરત થઈ જવું જોઈતું હતું, પરંતુ સવારે ૧૦ વાગ્‍યા સુધી પણ સર્વર શરૂ થયું નહોતું. એસોસિએશનના જણાવ્‍યા અનુસાર, બપોર  સુધી પણ સર્વરની સમસ્‍યાનો યોગ્‍ય ઉકેલ આવ્‍યો ન હતો.

એસોસિએશને આક્ષેપ કર્યો છે કે પુરવઠા વિભાગના સર્વરમાં વારંવાર આવી સમસ્‍યાઓ સર્જાતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. અધિકારીઓને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સર્વર ફરી શરૂ થાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. સર્વર બંધ થવા પાછળનું કારણ શું છે અને તેને ફરી કાર્યરત કરવામાં કઈ મુશ્‍કેલીઓ આવી રહી છે તે અંગે પણ જવાબદાર અધિકારીઓ સ્‍પષ્ટતા કરવા તૈયાર નથી. પરંતુ મળેલી વિગતો મુજબ આધાર N- ૯૯૯૯૯ની એરર ગઇકાલ સાંજથી આવી છે. અને સર્વર ઠપ્‍પ થઇ ગયું છે.

એસોસિએશને વધુમાં જણાવ્‍યું છે કે ઇ-એફપીએસ ઓનલાઇન બિલિંગ સોફ્‌ટવેર છેલ્લા આશરે દસ વર્ષથી કાર્યરત છે, પરંતુ તેમાં જરૂરી ટેકનિકલ સુધારા અને અપડેશન કરવામાં આવતાં નથી. રેશનકાર્ડ ધારકો, વ્‍યાજબી ભાવના દુકાનદારો, ગોડાઉન મેનેજરો તેમજ પુરવઠા વિભાગના નાયબ મામલતદારોની કામગીરી સરળ બને તેવા સુધારા કરવાની જરૂરિયાત હોવા છતાં આ દિશામાં યોગ્‍ય વિચારણા થતી નથી. ઝોનલ કચેરીઓ ઉપર પણ આજ દશા હતી. સેંકડો રેશનકાર્ડ ધારકોમાં દેકારો મચી ગયો હતો.

એનઆઈસી અને વિવિધ એજન્‍સીઓ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં અપેક્ષિત પરિણામ મળતું નથી. સરકારી નાણાંનો ખર્ચ કરવા છતાં ટેકનોલોજીની કાર્યક્ષમતામાં સુધારો થતો ન હોવાનો પણ એસોસિએશને બળાપો વ્‍યક્‍ત કર્યો છે.

વ્‍યાજબી ભાવની દુકાનોના સંચાલકોને મળતા મિનિમમ કમિશનને અનાજના વિતરણની ટકાવારી સાથે જોડવામાં આવ્‍યું છે, પરંતુ વેપારીઓને તેમના દ્વારા કરવામાં આવેલા વિતરણની ટકાવારી સોફ્‌ટવેરમાં જોવા મળતી નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પુરવઠા વિભાગ દ્વારા જરૂરી સુધારા કરવામાં આવ્‍યા નથી.

આ ઉપરાંત ચલણ ભરવાની ઙ્કક્રિયામાં પણ અનેક ટેકનિકલ મુશ્‍કેલીઓ સર્જાય છે. વેપારીઓ ચલણ ભરે ત્‍યારે ઘણી વખત ચલણ ફસાઈ જાય છે અને બેંક ખાતામાંથી નાણાં કપાઈ જવા છતાં ચલણ ભરપાઈ થયેલું દર્શાવાતું નથી. કેટલીક વખત એક જ ચલણ માટે બે વખત નાણાં ભરવાની સ્‍થિતિ ઊભી થાય છે. જનરેટ થયેલું ચલણ ડિલીટ ન કરી શકવાની સમસ્‍યા પણ યથાવત્‌ છે.

એસોસિએશનના હોદેદારો શ્રી હિતુભાઇ જાડેજાના જણાવ્‍યા મુજબ, જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનો મુખ્‍ય હેતુ ગરીબ અને નિમ્‍ન મધ્‍યમ વર્ગના પરિવારોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ ઉપલબ્‍ધ કરાવવાનો છે. પરંતુ ટેકનોલોજીનો યોગ્‍ય ઉપયોગ ન થવાને કારણે લાભાર્થીઓને અનાજ માટે રાહ જોવી પડે છે, જ્‍યારે વેપારીઓને તેમના હકના કમિશન માટે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

(3:08 PM IST)