તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
સૂર્યનારાયણનો પ્રકોપઃ રાજકોટમાં ૪૨.૨ ડિગ્રી, ૨૨ કિમીની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત
અસહ્ય તાપ અને ગરમ પવનોના લીધે રાજકોટના રાજમાર્ગો સુમસામ; બપોરે ૨-૩૦ વાગ્યે આકરા ઉનાળાનો આક્રમક મિજાજ જોવા મળ્યો

રાજકોટ તા. ૧૪: રંગિલું રાજકોટ આજે કાળઝાળ ગરમીના કારણે અકળાઈ ઊઠ્યું છે. ઉનાળાની સિઝન ચરમસીમાએ પહોંચતા જ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે. આજે બપોરે ૨-૩૦ વાગ્યે શહેરનું તાપમાન ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં આખું શહેર ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. આ કમરતોડ ગરમીની સાથે ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ લોકોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો હતો.
તીવ્ર લૂ અને અસહ્ય તાપના કારણે બપોરના સમયે શહેરના મુખ્ય બજારો અને હાઈવે પર ટ્રાફિક નહિવત થઈ ગયો હતો અને રસ્તાઓ પર અઘોષિત કરફયુ જેવો માહોલ સર્જાયો હતો. બપોરે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ માટે રસ્તા પર નીકળવું અશકય બન્યું હતું.
ગરમીથી બચવા માટે લોકોએ મોઢે રૂમાલ અને ચશ્માના સહારે બહાર નીકળવું પડ્યું હતું. પારો ૪૨ ડિગ્રીને પાર થતાં જ લોકોએ ઠંડા પીણા અને આઈસ્ક્રીમની દુકાનો તરફ દોટ મૂકી હતી. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં હજી પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે, જેથી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સતત હાઇડ્રેટેડ રહેવા સૂચના આપવામાં આવી છે.
(3:10 PM IST)










