News of Friday, 1st May 2026
રાજકોટમાં સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત : બપોરે ૨.૩૦ વાગે પારો ૪૨.૪ ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ત્રાહિમામ
૨૨ કિમીની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ લોકોની મુશ્કેલી વધારીઃ બપોરના સમયે માર્ગો પર ‘અઘોષિત કરફયુ' જેવો માહોલ

રાજકોટ, તા. ૧: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે પણ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વૈશાખ મહિનાની આકરી ગરમીની શરૂઆત થતા જ રાજકોટવાસીઓ શેકાઈ રહ્યા છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરનું મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર આકરો તડકો જ નહીં, પણ પવનની ગતિએ પણ લોકોની મુસીબતમાં વધારો કર્યો છે. આજે શહેરમાં સરેરાશ ૨૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો (લૂ) ફૂંકાઈ રહ્યા છે. ગરમ પવનોના કારણે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી. ગરમ પવનો ચામડી દઝાડી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે લોકો મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને જ બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે.
ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતાં બપોરના ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં ચહલ-પહલ નહિવત જોવા મળી હતી. જાણે શહેરમાં અઘોષિત કરફયુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
(3:40 PM IST)










