<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

સરકારી કચેરીઓમાં ચાલતી તોસ્‍તાન તોડબાજીને ડામવા સસ્‍પેન્‍ડ નહીં બરતરફ કરોઃ કોંગ્રેસ સમિતિ

 રાજકોટઃ તા.૩, શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ૩), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્‍દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ), પૂર્વ ઉપપ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ નાગજીભાઈ વિરાણી ની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે રાજયમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. રાજયભરમાં તોસ્‍તાન તોડબાજી ચાલી રહી છે.  રાજય સરકારની કચેરીઓ,પોલીસ ચોકીઓ, પોલીસ સ્‍ટેશન, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, તાલુકા પંચાયત, કેન્‍દ્ર સરકારની કચેરીઓમાં પણ ‘ગાંધીછાપ' વગર કામ થતા નથી એ જગ જાહેર છે.

 ગાંધીનગરમાં ઉર્જા વિભાગ ના ક્‍લાસ વન અધિકારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો. રાજય સરકારના ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે અને શાસક પક્ષના આદેશથી સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે છે અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના ગાંધીનગર બેઠેલા રાજકીય ગોડ ફાધરોના ઇશારે લાંચિયા અને ભ્રષ્ટાચારીઓ રાજયભરમાં બેકાબુ બન્‍યા છે. ત્‍યારે સસ્‍પેન્‍ડ નહી બરતરફના પગલા ભરવા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૦૦ થી વધુ ભ્રષ્ટાચાર ના કેસ નોંધીને ૧૨૦૦ થી વધુ લાંચિયા ભ્રષ્ટાચારીઓ અને વચ્‍ચે ત્‍યાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગૃહ વિભાગ (પોલીસ તંત્ર) અને મહેસુલ વિભાગ (રેવન્‍યુ વિભાગ) મોખરે છે. આ બાબતે સરકાર કડક બને તેવી કોંગ્રેસ સમિતિના આગેવાનોએ માંગણી ઉઠાવી છે. 

(3:10 PM IST)