તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સ્વામિનારાયણ ગુરૂકુળ હરિયાળા-ખેડા દ્વારા ભાગવત કથા સાથે જગન્નાથપુરી અને ગંગાસાગર યાત્રાનું આયોજન

રાજકોટ તા. ૧૮ : દિવાળી અને નૂતનવર્ષના પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ હરિયાળા-ખેડા દ્વારા ભાગવત ચરિત્રામૃતમ સાથે જગન્નાથપુરી અને ગંગાસાગરની દિવ્ય યાત્રાનું આયોજન કરાયુ છે.
તા. ૭ થી ૧૩ નવેમ્બર દરમિયાન આયોજીત આ યાત્રામાં સંતોના સાનિધ્યમાં ભગવાન શ્રી જગન્નાથજીના પવિત્ર ધામ જગન્નાથપુરી, પવિત્ર ગંગાસાગર તીર્થના દર્શન તેમજ શ્રીમદ્દ ભાગવત ચરિત્રામૃત કથા શ્રવણનો દિવ્ય લાભ મળશે.
જેમાં જગન્નાથપુરી યાત્રા તા. ૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન યોજાશે. આ યાત્રા ટ્રેન મુસાફરી એસી ઉતારાની વ્યવસ્થા દિવસના ત્રણ સમય સાત્વિક ભોજન તથા દર્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ માટે સ્લીપર કોચનું ભાડુ રૂ.૬૦૦૦ અને એસી કોચનું ભાડુ રૂ.૮૫૦૦ રાખેલ છે.
ત્યાર બાદ તા. ૧૨ થી ૧૩ નવેમ્બર દરમિયાન કલકતા ગંગાસાગર યાત્રા યોજાશે. જેમાં ટ્રેન ટીકીટ, રહેવા જમવાની વ્યવસ્થા તથા ગંગાસાગર સહીતના પવિત્ર તીર્થોના દર્શનનો લાભ મળશે. સ્લીપર કોચ સાથે સાદા રૂમ માટે રૂ.૩૫૦૦ તથા એસી કોચ સાથે એસી રૂમ માટે રૂ.૪૫૦૦ ભાડુ રાખેલ છે.
યાત્રા દરમિયાન શ્રીમદ્દ ભાગવત ચરિત્રામૃત કથાનું આયોજન સ્વામિનારાયણ મુખ્ય મંદિર કોણાર્ક-પુરી મરીન ડ્રાયવ રોડ, જગન્નાથપુરી (ઓડીસા) ખાતે કરવામાં આવ્યુ છે. જયાં હરિભકતો કથામૃતનો લાભ લેશે.
સમગ્ર યાત્રા ભગવાનના દર્શન, સંત સમાગમ, ભક્તિ, સત્સંગ અને તીર્થસ્થાનોનો અનોખો સમન્વય બની રહેશે. આ યાત્રામાં ૩૦૦ થી વધુ હરિભકતો જોડાશે. જેમાં ૧૦૦ થી વધુ રાજકોટના હશે.
વધુ માહિતી અને બુકીંગ માટે પૂ. શ્રીજીપ્રિય સ્વામી મો.૯૨૨૭૬ ૦૦૭૯૧ અને પૂ. વિવેકસ્વરૂપ સ્વામી મો.૯૨૨૭૬ ૦૦૭૯૨નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૂ.શ્રીજીપ્રિય સ્વામી અને પૂ.વિવેકસ્વરૂપ સ્વામી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:32 PM IST)










