તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પ વર્ષમાં ૭ હજાર બહેનોને તલવારની તાલીમ
રાજકોટમાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ દ્વારા બહેનો-દીકરીઅો માટે સ્વરક્ષણની તાલીમના ચલાવાતા વર્ગોઃ બે વર્ષમાં ૩૫થી વધુ સ્થળોઍ પરફોર્મન્સ ઃ હાલ સંતકબીર રોડ પરના ગાર્ડનમાં ખાસ સમર કાર્નીવલનો પ્રારંભ

રાજકોટ તા. ૧૫ : તલવાર એ શક્તિનું પ્રતિક છે. આ હથીયાર બહેનોના હાથમાં વધુ શોભે છે. ત્યારે સનાતની બહેનો દીકરીઓ તલવારના જુદા જુદા દાવો શીખે તે માટે રાજકોટમાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ દ્વારા ખુબ સારી જહેમત ઉઠાવાઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના પ્રિયંકાબેન રાઠોડે જણાવ્યુ હતુ કે હું કારડીયા રાજપુત સમાજમાંથી આવુ છુ અને મારા દાદા ગગજીભા હેરમા પાસેથી સાદી રીતે તલવાર ચલાવતા શીખી હતી. બાદમાં અમે ૭ થી ૮ બહેનોનું ગ્રુપ બનાવી ૨૦૧૮થી પરફોર્મ કરવાનું શરૂ કરેલ. લોકોમાંથી સારો પ્રતિસાદ મળતા ૨૦૨૧માં અમે વિધિવત ‘શ્રી શકિત તલવારબાજી ગ્રુપ'ની સ્થાપના કરેલ. પ્રિયંકાબેને જણાવેલ કે તલવારબાજી એ કોઇ ફેશનની કળા નથી, પણ શક્તિ આરાધના છે. આત્મરક્ષણનો માર્ગ છે. એટલે અમે કોઇપણ સનાતની હિન્દુ ધર્મની બહેનોને તલવારની તાલીમ આપી આપણા ક્ષાત્ર ધર્મ તરફ વાળવાનો વિનમ્ર પ્રયાસ કરીએ છીએ. જેમાં પ થી ૬૦ વર્ષ સુધીના કોઇપણ બહેનોને તાલીમ આપવામાં આવે છે.
હાલ પાંચેક વર્ષમાં આ ગ્રુપ દ્વારા ૭ હજારથી વધુ બહેનોને તલવાર બાજીની તાલીમ આપેલ છે. તેમજ અહીં તૈયાર થયેલ બહેનો દ્વારા જુદા જુદા સ્થળોએ પરફોર્મ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ૩૫ થી વધુ તલવાર બાજીના કાર્યક્રમો રજુ થઇ ચુકયા છે. રાજકોટના સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યથી લઇને ચોટીલાના ડુંગર ઉપર પણ તલવારબાજી આ ગ્રુપના બહેનોએ કરેલી છે. ર૦૨૫ના કાકરીયા કાર્નીવલમાં પણ આ ગ્રુપની બહેનો ભાગ લઇ ચુકી છે.
માત્ર ૬ થી ૮ કલાકના કોર્ષમાં કોઇપણ બહેનો તલવાર બાજી શીખી શકે છે. જેમાં ચતુર્ભુજ તલવાર, અર્જુન તલવાર (આંખે પાટા બાંધીને), સર્પાકાર તલવાર, સુદર્શન ચક્ર, આરતી તલવાર જેવી કળાઓ શીખવવામાં આવે છે. એટલુ જ નહીં અહીં લાઠીદાવ અને ઢાલ તલવારના દાવની પણ તાલીમ આપવામાં આવે છે.
કોર્ષની ફી રૂ.૧૫૦૦ હોય છે. હાલ ઉનાળુ વેકેશનને ધ્યાને લઇ ખાસ સમર કાર્નીવલ આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવે છે. જેમાં જોડાવા ઇચ્છતા બહેનો- દીકરીઓ સંતકબીર રોડ, બ્રાહ્મણીયાપરા-૭, વલ્લભવાટીકા પબ્લીક ગાર્ડન ખાતે સાંજે પ થી ૭ દરમિયાન રૂબરૂ અથવા પ્રિયંકાબેન રાઠોડનો મો.૮૭૮૦૫ ૬૭૭૬૭નો સંપર્ક કરી શકાશે.
આ તકે પ્રિયંકાબેને પોતે કેળવેલ આ કળાને આગળ વધારવામાં તેમના પતિ જયરાજભાઇ હેરમા અને ઘરના બધા સભ્યોનો પુરો સહકાર મળતો હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તલવાર શીખવનાર દાદા ગગજીભાઇ હેરમાને પણ ખુબ યાદ કરેલ. પિતા જયરાજભાઇ હેરમાને પોતે નાની વયે ગુમાવેલ. પરંતુ પિતાનું નામ રોશન કરવા જ પોતે તલવારબાજીના વર્ગો ચલાવી રહ્યાનું પ્રિયંકાબેને જણાવ્યુ હતુ.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રિયંકાબેન રાઠોડ, રાજનંદીનીબા, માહી શામજીભાઇ ચૌહાણ, હીર મેહુલભાઇ વેકરીયા, નેહલ દેવરાજભાઇ બકુત્રા, માહી કડવાભાઇ ડોડીયા, પૂર્વા નારણભાઇ ડોડીયા, આસ્થા હિતેશભાઇ પટોડીયા, ભાવનાબેન જયરાજભાઇ હેરમા, પ્રિયાંશી ભરતભાઇ મોરાણીયા, જયશ્રીબેન વિનોદભાઇ કંડોળીયા, પ્રિયલબા પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
તલવારબાજીની કળાઓ
* ચતુર્ભુજ તલવાર
* અર્જુન તલવાર
* સર્પાકાર ચક્ર તલવાર
* સુદર્શન ચક્ર તલવાર
* આરતી તલવાર
(3:13 PM IST)










